32 વર્ષની પાકિસ્તાની એક્ટ્રેસની ઘરમાં મળી લાશ, ઘરમાં જ બે અઠવાડિયાથી શબ સડી રહ્યું હતું
Image: Instagram: @ humairaaliofficial |
Pakistani Actress Died: પાકિસ્તાની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી તરફથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક્ટ્રેસ હુમૈરા અસગર અલીએ પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. હુમૈરા 32 વર્ષની હતી અને કરાચી સ્થિત ડિફેન્સ હાઉસિંગ ઑથોરિટીના એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી, જ્યાં તેનો મૃતદેહ મળી આવ્યો છે. એક્ટ્રેસનું મોત 2 અઠવાડિયા પહેલાં થઈ ચુક્યું હતું પરંતુ, આ વિશે કોઈ જાણ નહતી થઈ.
મૃત હાલતમાં મળી એક્ટ્રેસ
હુમૈરા અસગર અલી પાકિસ્તાની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતી. તેણે નાની ઉંમરમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી. 7 જુલાઈએ જ્યારે તેના મોતની ખબર સામે આવે છે, તો તમામ લોકો ચોંકી ગયા હતા.
પોલીસે શું કહ્યું?
આ મુદ્દે DIG સૈયદ અસદ રઝાએ જણાવ્યું કે, 'અલીનો મૃતદેહ ફેઝ-VIમાં ઇત્તેહાદ કોમર્શિયલના એક ફ્લેટમાંથી મળી આવ્યો હતો. તેનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેણે એમ પણ કહ્યું કે 'તેનું મૃત્યુ બે અઠવાડિયા પહેલા થયું હતું, પરંતુ નજીકમાં રહેતા લોકોને તેની જાણ ન હતી થઈ. સ્થાનિક કોર્ટના આદેશ પર ગિજરી પોલીસ એપાર્ટમેન્ટ ખાલી કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે પોલીસે બપોરે 3:15 વાગ્યે દરવાજો ખખડાવ્યો, ત્યારે કોઈએ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ પોલીસે તાળું તોડીને એપાર્ટમેન્ટમાં પ્રવેશ કર્યો, જ્યાં તેનો મૃતદેહ મળી આવ્યો. પુરાવા એકત્રિત કરવા માટે પોલીસના ક્રાઈમ સીન યુનિટને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યું હતું. એક્ટ્રેસ એપાર્ટમેન્ટમાં ભાડા પર રહેતી હતી. તેણે 2024થી મકાનમાલિકને ભાડું આપવાનું બંધ કરી દીધું હતું, ત્યારબાદ કોર્ટે તેને ઘર ખાલી કરવાનો આદેશ પણ આપ્યો હતો.'
આ વિશે વધુ માહિતી આપતા DIGએ કહ્યું કે, 'એવું લાગતું હતું કે, લાશ ઘણા દિવસો જૂની હતી. શરૂઆતની તપાસ દરમિયાન, મૃત્યુનું કારણ જાણી શકાયું ન હતું. મૃતદેહને કાનૂની કાર્યવાહી માટે જિન્ના પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવી છે.' પોલીસ સર્જન ડૉ. સુમૈયા સૈયદ કહે છે કે 'લાશ લગભગ સડવાના એડવાન્સ સ્ટેજ પર હતી. હાલમાં, તેની તપાસ ચાલી રહી છે.'