Get The App

'આ ન્યૂઝીલેન્ડ છે, ભારત નહીં...', ઓકલેન્ડમાં શીખ પરેડ પર વિવાદ, હાકા સ્ટાઈલમાં વિરોધ

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
'આ ન્યૂઝીલેન્ડ છે, ભારત નહીં...', ઓકલેન્ડમાં શીખ પરેડ પર વિવાદ, હાકા સ્ટાઈલમાં વિરોધ 1 - image


Shikh Parade Controversy in New Zealand: ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ગુરુ નાનક જયંતી નિમિત્તે શીખ સમુદાય દ્વારા કાઢવામાં આવેલી વાર્ષિક નગર કીર્તન પરેડ દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. ડેસ્ટિની ચર્ચ સાથે જોડાયેલા એક જૂથે પરેડનો વિરોધ કરીને માહોલ તંગ બનાવ્યો હતો, જેના કારણે હવે ત્યાં અભિવ્યક્તિની આઝાદી અને સાંસ્કૃતિક સન્માન મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચાએ જોર પકડ્યું છે.

હાકા સ્ટાઈલમાં જોરદાર વિરોધ

શનિવારે જ્યારે શીખ સમુદાયના લોકો નગર કીર્તન પરેડ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ડેસ્ટિની ચર્ચ સાથે જોડાયેલા "ટ્રુ પેટ્રિયોટ્સ ઓફ ન્યુઝીલેન્ડ" ના સભ્યોએ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ જૂથના સભ્યોએ રસ્તાની વચ્ચે ઊભા રહીને પરંપરાગત 'હાકા' (Haka) પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓની પાછળ એક કાળા રંગનું બેનર જોવા મળ્યું હતું, જેના પર સ્પષ્ટ લખ્યું હતું કે, "આ ન્યુઝીલેન્ડ છે, ભારત નહીં".

આ પણ વાંચોઃ ઈલોન મસ્કે રચ્યો ઈતિહાસ, 700 અબજ ડૉલર નેટવર્થ ધરાવતી દુનિયાની પ્રથમ વ્યક્તિ

ખાલિસ્તાની સમર્થનનો આક્ષેપ

સોશિયલ મીડિયા પર આ ઘટનાના વિડીયો વાઈરલ થયા છે, જેમાં પ્રદર્શનના આયોજક બ્રાયન ટમકીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ઓકલેન્ડની શેરીઓમાં આતંકવાદી સંગઠન ખાલિસ્તાનના ઝંડા કેમ લહેરાવવામાં આવી રહ્યા છે? ભારત સરકારે ખાલિસ્તાન સાથે જોડાયેલા જૂથોને આતંકવાદી જાહેર કર્યા છે અને ન્યુઝીલેન્ડ આવા વિદેશી આતંકવાદી આંદોલનોને પરેડની પરવાનગી કેવી રીતે આપી શકે?

ફ્રી સ્પીચ યુનિયન દ્વારા ટીકા

આ ઘટનાની ટીકા કરતા 'ફ્રી સ્પીચ યુનિયન'ના કાર્યકારી વડા જીલીન હીથરે જણાવ્યું હતું કે, કોઈ સમુદાયની પરેડ કે અભિવ્યક્તિ આઝાદીમાં શારીરિક રીતે દખલ કરવી તે લક્ષ્મણ રેખા ઓળંગવા સમાન છે. જ્યારે 50 લોકો નગર કીર્તનને રોકવા માટે અવરોધ ઊભો કરે છે, ત્યારે તેને વળતો વિરોધ (Counter-protest) નહીં પણ બીજાના કાયદાકીય હકોમાં અડચણ ગણવામાં આવે છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં ભારતના યાત્રી કેટલાં દિવસ રોકાઈ શકે? દૂતાવાસે કરી સ્પષ્ટતા, વિઝાના ભરોસે ના બેસતાં!

પોલીસની દખલ 

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નગર કીર્તન પરેડ માટે ઓકલેન્ડ કાઉન્સિલ પાસેથી અગાઉથી જ મંજૂરી લેવામાં આવી હતી. વિવાદની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે શીખ સમુદાયની પરેડને સુરક્ષિત રીતે આગળ વધવા દીધી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે, આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ન્યુઝીલેન્ડ જેવા બહુસાંસ્કૃતિક દેશમાં આ પ્રકારની ઘટનાએ સ્થાનિક ભારતીય સમુદાય અને સ્થાનિક લોકો વચ્ચે તણાવની સ્થિતિ પેદા કરી છે.