બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bangladesh Accident: બાંગ્લાદેશમાં ઈદના તહેવારની ઉજવણી વચ્ચે મોચી દુર્ઘટના સર્જાઈ હતા. સોમવારે (25મી મે) વહેલી સવારે બાંગ્લાદેશના એક મુખ્ય હાઇવે પર શ્રમિકો અને લોખંડના સળિયાથી ભરેલી એક ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 15 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના લોકો શ્રમિકો હતા, જેઓ તહેવાર મનાવવા પોતાના વતન જઈ રહ્યા હતા.
વહેલી સવારે 5 વાગ્યે સર્જાયો અકસ્માત
અહેવાલો અનુસાર, આ અકસ્માત ઢાકાથી આશરે 83 કિલોમીટર દૂર આવેલા ટાંગૈલ જિલ્લાના સોરાટોઇલ વિસ્તારમાં સોમવારે વહેલી સવારે અંદાજે 5 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. હાઇવે પરથી પસાર થઈ રહેલી ટ્રકના ચાલકે અચાનક જ વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે લોખંડના સળિયાથી ભરેલી આ આખી ટ્રક રોડ પર પલટી ગઈ હતી.
ટ્રકમાં સવાર શ્રમિકો ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે રજાઓ ગાળવા માટે ઢાકાથી ઉત્તરીય પ્રદેશ તરફ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. વતન પહોંચવા માટે તેઓએ હાઇવે પર લોખંડના સળિયા ભરીને જતી આ ટ્રક પાસે લિફ્ટ માંગી હતી અને તેમાં સવાર થયા હતા. પરંતુ રસ્તામાં અકસ્માત સર્જાતા 15 શ્રમિકોના મોત નીપજ્યા હતા. દુર્ઘટના બાદ બચાવકર્મીઓએ ઘટનાસ્થળે દોડી જઈને ટ્રક નીચે ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
હૉસ્પિટલમાં સારવાર ચાલુ
અકસ્માતને પગલે હાઇવે પર વ્યાપક હોબાળો અને અફરાતફરી મચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, 17 કરોડથી વધુ વસ્તી ધરાવતા બાંગ્લાદેશમાં ટ્રાફિક નિયમોના નબળા અમલીકરણ, ખરાબ રસ્તાની સ્થિતિ અને અકુશળ ડ્રાઇવરોને કારણે દર વર્ષે હજારો લોકો માર્ગ અકસ્માતોમાં પોતાની જાન ગુમાવે છે.









