- કંકુ છાંટી કંકોતરીને બદલે લોહી છાંટી કંકોતરી મોકલું છું
- જીવન કે સાગર સે હોકર, ઉસ પાર તક જાના હૈ,
હિજ્ર વસ્લ, હંસના રોના, સબ યહીં રહ જાના હૈ.
(હિજ્ર એટલે વિયોગ, વસ્લ એટલે મિલન)
ફાગણ ફૂલડે મહોર્યો હતો અને કેસૂડાનાં ફૂલે કેસરિયા વાઘા સજ્યા હતા. બધે લગ્નોના ઢોલ બજી રહ્યા હતા, ને જાનડીઓ મધુરાં ગીત ગાઈ રહી હતી. અંજારના દીવાન વાઘજી પારેખના ભાઈ કોરા પારેખના આંગણામાં લગ્નનો મંડપ નંખાયો હતો અને ચતુરાના હાથે ચિતરાયેલા ચંદરવા બંધાયા હતા. માણેકથંભ રોપાયો હતો, ને ચૂલે કંસારનાં આંધણ ચડયાં હતાં.
માંડવા નીચે બેસી કોરા પારેખ કંકુ છાંટી કંકોતરી લખી રહ્યા હતા. મોટા ભાઈ વાઘા પારેખ હજી ભુજમાં હતા, અને ઘડી-બેઘડીમાં આવવાની રાહ જોવાતી હતી. ભુજની ગાદીએ મહારાવ રાયધણજી હતા, ને વાઘા પારેખ દીવાનપદે હતા. વગડામાં ધૂળની ડમરી ચડતી ત્યારે લોકો માનતા કે વાઘા પારેખ આવ્યા! વાઘા પારેખ લોહાણા વાણિયા હતા. એ વખતે વાણિયા-બ્રાહ્મણ તલવારો બાંધતા, જમૈયા રાખતા અને સમરાંગણે સંચરતા; ભલભલા ભડવીરોનેય ભરી પીતા.
કોરા પારેખે માંડવામાં બેઠાબેઠા દૂરદૂર નજર કરી. જોયું તો એક નાના-શો વંટોળિયો પૂરવેગે ધસ્યો આવતો હતો. થોડી વારમાં ખ્યાલ આવી ગયો કે એ સાંઢણીસવાર હતો, અને ભુજના કેડા પરથી ધસમસતો આવતો હતો. સાંઢણીસવાર સાવ નજીક આવી ગયો હતો. એણે પોતાની સાંઢણી ઝોકારી અને નીચે ઊતર્યો. એની પાસે મહત્ત્વનો સંદેશો હતો. એણે દોડીને કોરા પારેખની સામે લખોટો ધર્યો.
કોરા પારેખે ઉઠીને સામા પગલે જઈ કાગળનો લખોટો લીધો, ઉઘાડયો. એ લખોટો વાઘા પારેખનો લખેલો હતો. આવે મંગળ અવસરે ભાઈએ જાતે આવવાને બદલે સંદેશો શા માટે મોકલ્યો હશે? શંકાની એક અમંગળ વાદળી ચિત્તઝરૂખાને આવરી રહી. નક્કી, કંઈક અવનવીન હોવું ઘટે!
કોરા પારેખે ભાઈનો કાગળ ખોલ્યો અને વાંચવા માંડયો, 'સ્વસ્તિશ્રી અંજાર મધ્યે, ભાઈ કોરા ને સમસ્ત બાલગોપાળ! ભુજથી લિખિતંગ મોટા ભાઈ વાઘાના આશિષ!'
'લીધે લગ્ને તમને આ કાગળ મળશે. કંકુ છાંટી કંકોતરીને બદલે લોહી માગતી કંકોતરી વાંચીને અચરજ થશે. પણ આ કાગળ વાંચી લગ્નનું કામ મેઘજી શેઠને ભળાવી બેઠા હો ત્યાંથી ઊભા થજો, ને ઊભા હો ત્યાંથી ચાલતા થજો! મરદ સહુ મોડું ન કરે, ને ખડિયામાં ખાંપણ લઈને ભુજને પાદર સહુ આવી મળે!
'લગનની મોજના બદલે હું ખડિયામાં ખાંપણ લેવાની વાત લખું છું, કારણ કે, 'આપણા અન્નદાતા ભુજના શ્રી રાયધણજીએ અન્નને અને દાંતને વેર કરાવ્યું છે. મહારાવ રાયધણજી હમણાં કેટલાક મઝહબી લોકોના હાથા બન્યા છે અને હિંદુ સંતોનું અપમાન કરે છે, પણ કેટલાક મતલબી લોકોએ મહારાવને પોતાની મેલી વિદ્યાથી ને જાદુઈ ચમત્કારોથી આંજી દીધા છે. મહારાવ ભૂજની શેરીઓમાં પઠાણ હજૂરિયા સાથે નીકળી પડે છે; રસ્તે જે મળે તેને નાતજાત કે માનમોભો જોયા સિવાય ધર્માંતર કરાવે છે અને જો એ ન વટલાય તેના ઉપર તલવારના વાર કરવા લાગ્યા છે.
'નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે મોટાના થોડા અવગુણ ખમી ખાવા જોઈએ. વાત આનાથી આગળ વધી ન હોત, તો આમ ને આમ સુખદુ:ખમાં દિવસો પસાર કરી નાખત, પણ એક વાર રાજગોર ઓધવજી સામા ભેટી ગયા. કચ્છની જીવંત સરસ્વતી જેવા રાજગોર ઓધવજીને તલવાર દેખાડી, રાજગોરે એમનો સામો કર્યો એટલે મહારાવે એમને પકડીને જેલમાં નાખ્યા. ગામ આખું છોડાવવા નીકળ્યું, તો મહારાવ તલવાર લઈને ટોળામાં કૂદી પડયા. એ પછી કુંવરી કમાબાઈએ સ્થાપેલું વાઘેશ્વરીનું મંદિર ખંડિત કર્યું અને પછી જાહેર કર્યું કે, રામેશ્વરની મૂર્તિને પણ સંભાળજો.'
'ભાઈ કોરા, અને અંજારના તમામ જવાંમર્દો! શેઠશ્રી મેઘજીભાઈને અંજાર ભળાવી દેજો ને આ પત્ર વાંચીને કેડે તલવાર બાંધી શકે તેવા કોઈ પાછળ રહેશો નહિ. રાજા શાસ્ત્રમાં અવધ્ય કહ્યો છે. આપણે ફક્ત તેઓને પકડી, કેદ કરી તેમના ગાંડપણની દવા કરવી છે.'
આ સાંભળી કોરા પારેખ બેઠો હતો ત્યાંથી ઊભો થઈ ગયો. એણે ઓરડામાં જઈ કપડાં પહેર્યાં, તલવાર બાંધી, ઢાલ ચડાવી અને જમૈયો કેડે ખોસ્યો.
ગામમાં બૂંગિયો ઢોલ વાગી રહ્યો. પડછંદ મેઘજી શેઠ પણ આવી પહોંચ્યા. એમને બધી વાત પહોંચી ગઈ હતી. એમણે આવતાંવેંત કહ્યું : કચ્છ માથેથી રાજા જ ટાળવો જોઈએ. સર્વ સત્તાધીશની સાન ઠેકાણે લાવવી જોઈએ. વાઘને ત્યાં વાઘ જન્મે, એમ રાજાને ત્યાં રાજા જન્મે અને સત્યાનાશ વરતાવે! માટે સર્વ સત્તાધીશ રાજા નામનું પાપ માથેથી ટાળવા આપણે યત્ન કરવો જોઈએ.'
'મેઘજી શેઠ! એ વાત મારા માટે ઘણી મોટી ગણાય. તમે અને મોટા ભાઈ બે જણા સમજજો. બાકી મોટા ભાઈની આજ્ઞાા આવી છે. જવાંમર્દો સમશેરો બાંધીને ઊભા છીએ. અમે ભુજ જઈએ છીએ. કદાચ અમને રજાકજા થાય તો પાછળનું તમે જોજો. જય માતાજી!'
'જય માતાજી! કોરા! તમને ઊની આંચ આવી તો યાદ રાખજો, રાવનું સત્યનાશ કાઢી નાખીશ. ભુજથી મને પણ સમાચાર મળતા રહે છે. મનમાં ભૂકંપ ભર્યો છે; પણ સમયની રાહ જોતો બેઠો છું.' મેઘજી શેઠે કહ્યું.
'સમય આવી પહોંચ્યો. લ્યો, પ્રણામ!' ને કોરો પારેખ ચારસો જણ સાથે ભુજ તરફ ગિરિનદીના વેગથી વહી નીકળ્યો.
ભુજિયા ડુંગરાની તળેટીમાં ભુજનગર વસ્યું હતું, ને ભુજનગરની વચ્ચોવચ રાજમહેલ આવ્યો હતો. રાજમહેલની ઊંચી અગાસી પરથી હમણાં ફૂલ-ગોળીની રમત રમીને મહારાવ રાયધણજી નીચે ઊતર્યા હતા; નમાજનો સમય થયો હતો ને નમાજ પઢી રહ્યા હતા. ફૂલ-ગોળીની રમત સાવ અવનવીન હતી. મહારાવ અગાસી પર ચડીને કોઈ હિંદુ વરઘોડો નીકળતો કે હિંદુ સ્ત્રીઓ પાણીના શેરડે જતી તેઓના પર ગોળીઓ છોડતા. અવારનવાર કેટલાક ધાર્મિક જુલૂસ નીકળતાં. એના પર પણ ગોળીબાર કરતા ને કૂકડાંની જેમ ભાગતાં સ્ત્રી-પુરુષોને જોઈ, ઊંચેથી અટ્ટહાસ્ય કરતા, પઠાણ ને હબસી હજૂરિયાઓ એમને લોલે લોલ કરતા! મહારાવ અંત:પુર તરફ જતા હતા, ત્યાં રાજમહેલના દરવાજે હોહા સંભળાઈ. મારો-મારો કરતું એક ટોળું દરબારગઢનાં તોતિંગ દ્વાર ખોલી અંદર પેઠું. પ્રત્યેકના હાથમાં ઢાલ, તલવાર ને સાંગ હતી ને મોંમાં 'અન્યાયનો નાશ કરો'નાં સૂત્રો હતાં.
પાણીનાં પૂર વેગે બધા આગળ વધતા હતાં. ચારે તરફથી અવાજો ઊઠતા હતા: ક્યાં છે એ અન્યાયી રાજવી? આજ વેર વસૂલ કરીએ!
મહારાવે ત્રીજે મજલેથી નીચે જોયું તો પોતાના કારભારી વાઘા પારેખ અને કોરા પારેખની આગેવાની નીચે ચારસો જવાંમર્દોની સેના ધસમસી રહી હતી. દરવાજો તોડયો હતો, પરસાળ વીંધી હતી, અંદરના ખંડમાં પ્રવેશ્યા હતા. સામે જ ઉપર આવવાના દાદર ઉપર દાદર હતા. એક અને બે દાદરા વળોટયા કે મહારાવ હાથમાં!
દાદરા ફટોફટ બંધ થયા! કોરા પારેખે ઉઘાડી તલવારે દોટ દીધી. દાદરાના બારણાને માથાની ઢીંક દીધી. દાદરાના ફટાક લઈને બે કકડા! કોરા પારેખનું તાળવું દાદરાના ખીલાથી વીંધાઈ ગયું. તોતિંગ વૃક્ષ વાવંટોળથી જેમ નીચે તૂટી પડે તેમ એ નીચે તૂટી પડયો.
વાઘા પારેખે નાના ભાઈને પડતો જોયો ને દોટ દીધી. બે છલાંગે એક મજલા પ૨. હવે એક દાદરો બાકી હતો, ને ઉપર ગુનેગાર ખડો હતો! પણ અફસોસ! મહારાવના વફાદાર જમાદાર ડોસલવેણે આખો દાદરો હલબલાવી નાખીને નીચે ફેંક્યો. ઉપરથી મહારાવ, જમાદાર ડોસલવેણ અને તેના સાથીદારોએ બંદૂકોની ધાણી ફોડવા માંડી, પણ ચારસોમાંથી એક પણ જવાંમર્દ આજે પાછો હઠવા આવ્યો નહોતો; જાનફેસાની કરવા આવ્યો હતો; અન્યાય મિટાવવા રણે ચડયો હતો. પણ ત્યાં તો પગ નીચેની જમીન ગરમ-ગરમ લાગવા માંડી! થોડી વારમાં ખબર પડી કે નીચેનો માળ સળગાવવામાં આવ્યો છે, અને આગને વિશેષ ને વિશેષ ભભૂકાવવા એમાં દારૂગોળો ઝીંકવામાં આવે છે!
વાઘા પારેખે પોતાનું મોત સામે જ જોયું, પણ શૂરાઓને અડધી ફરજે મોત કદી ગમતું નથી. એ કૃતનિશ્ચયી બન્યો. એણે તલવાર દાંતમાં પકડી એવી મોટી છલાંગ દીધી કે ઠેઠ દાદાનો છેડો પકડી લીધો. ત્યાં ઉપરથી ગોળી આવી. વાઘો પારેખ વીંધાઈને નીચે પડયો.
ભયંકર ઘમસાણ મચ્યું. ચારસોએ ચારસો જવાંમર્દીએ અજબ વીરત્વ દાખવ્યું ને ત્યાં ભિડાઈને, ચંપાઈને, ગૂંગળાઈને મૃત્યુ પામ્યા.
એ રક્તવર્ણી સાંજ ઊગી ત્યારે મજૂરો ખાડો ખોદીને એમાં ચારસો લાશોને કોઈ પણ સંસ્કાર વિના ભંડારતા હતા. એ કાળી રાત મૃત્યુથી ભીષણ બની રહી! અંજાર-ભુજનો એકાકી પંથ મોતનો પંથ બની ગયો.
એક દિવસ એ માર્ગે એક વણિક વાવંટોળની જેમ ધસતો આવ્યો. એનું નામ મેઘજી શેઠ! અંજારનો એ કારભારી હતો. કચ્છમાંથી એણે કેટલાય જવાંમર્દોને નોતર્યા હતા. રાજાશાહીના નાશ માટે એ નીકળ્યો હતો. એકના પાપે કચ્છની કિસ્તી વમળમાં ફસાઈ હતી. એ એકને આજ દૂર કરવો હતો,એકહથ્થુ સત્તાનો નાશ કરવો હતો, ને નાગરિકોનું રાજ સ્થાપવું હતું. ભુજના કિલ્લાનાં તોતિંગ દ્વા૨ના એણે ભુક્કા બોલાવ્યા. ભલભલા જવાંમર્દોને ભૂ પાયાં, ને બિલાડી ઉંદરને પકડે એમ મહારાવ રાયધણને કેદ કર્યા! વાઘા પારેખ, કોરા પારેખ અને અન્ય ચારસો શહીદોની ખાખ પર ઊભા રહીને એણે જાહેર કર્યું, 'આજથી કચ્છ માથેથી રાજાનું પાપ ટાળું છું. રામ રાજાઓનો વંશ તો ક્યારનો ચાલ્યો ગયો, આજે રાવણવંશના રાજાઓ નામશેષ થાય છે. આજથી કચ્છનો વહીવટ કરશે, હિંદુ-મુસ્લિમ પ્રજાના સભ્યો.
આ સમય ઈ.સ. ૧૭૮૬નો. કચ્છમાં એ દિવસે પ્રજાતંત્ર સ્થપાયું : મરનાર ચારસો શહીદોની જગ્યા આજે વાઘાસ૨-કો૨ાસ૨ને નામે ભુજ શહે૨માં જાણીતી છે.
પ્રસંગકથા
ચોતરફ પ્રદૂષણ અને 'દૂર કી સોચો'
સાવ ભલા ભોળા રતનલાલ. ઘરમાં હાંલ્લા-કુસ્તી કરે. કોઈક વાર બે વખત ભોજન મળે અને ક્યારેક એક ટંકથી ચલાવવું પડે. એક વાર એમને ક્યાંકથી બસો રૂપિયા મળી ગયા અને લાંબો વિચાર કર્યા પછી એમ લાગ્યું કે, 'આ રૂપિયા એમને એમ વેડફી દેવા નથી, બજારમાં જઈને કંઈક સારું લઈ આવું. આટલા બધા રૂપિયા મળ્યા છે, તો દૂરનું વિચારવું પડશે.' રતનલાલ બજારમાં ગયા અને ખૂબ મોડા ઘેર આવ્યા. બધા તો એમની રાહ જોઈને બેઠા હતા. એમણે રૂમાલમાં કશુંક બાંધીને બગલમાં માર્યું હતું, તે ખોલીને બધાની સામે મૂક્યું.
એ જોઈને એમના પત્ની તરત બોલી ઊઠયા, 'અરે, આ તો પેંગડા છે.'
રતનલાલે કહ્યું, 'બસ ત્યારે! આ તો અમારી લાંબી યોજના છે. જરા દૂર કી સોચો.'
'પણ તમારી પાસે નથી ઘોડો કે નથી જીન પછી આ પેંગડાને લઈને વળી શું કરશો?'
રતનલાલે કહ્યું, 'મેં તમને ન કહ્યું કે, જરા દૂરની સોચો. તમારી નજ૨ ટૂંકી છે. જુઓ, અમે હવે સરકારી નોકરી કરીશું, પછી મહેસૂલ ઉઘરાવવા ગામેગામ ફરીશું એ વખતે ઘોડો હશે તો ઊંચી નોકરી મળશે અને ઘોડાની ખોરાકી પણ મળશે. આ માટે આજે બસો રૂપિયા પાસે હતા તો પેંગડા લઈ લીધા, હવે જીન, ઘોડી અને લગામ જ બાકી રહ્યા છે. એમાં વળી શી મોટી વાત છે. જરા દૂર કી સોચો'
રતનલાલની પત્ની ભૂખ્યા બાળકો સામે ટગર-ટગર જોઈ રહી અને બોલી, 'ઘરમાં હાંલ્લા કુસ્તી કરે છે, તો પછી હું દૂરનું કઈ રીતે સોચું.'
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે વિકસિત ભારતની ૨૦૪૭ની ઊંચી ઉડાનની બધે વાત થાય છે, પરંતુ ક્યારેક એમ લાગે છે કે, 'જરા દૂર કી સોચો' જેવી વાત છે. એ સાચું છે કે દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. અર્થકારણમાં એ ધીરે ધીરે વિશ્વમાં મોખરે આવી રહ્યો છે, પણ જમીની વાસ્તવિકતા ભૂલી ગયો છે. દેશમાં ભયાનક ગતિએ પ્રદૂષણ વધી રહ્યું છે. મહાનગરો બીમારીનો અખાડો બની રહ્યાં છે. દિલ્હી, બેંગ્લોર, મુંબઈ અને અમદાવાદ સુદ્ધાં સમૃદ્ધ મહાનગરો પ્રદૂષણની નાગચૂડમાં ફસાઈ ગયા છે. વિદેશમાં વસતા ભારતીયો મોટી વયે ભારતમાં આવતા ગભરાય છે. પ્રદૂષણની બીમારીઓનો બાળકો અને વૃદ્ધો ભોગ બની રહ્યા છે. મહાનગરનું પ્રદૂષણ જોઈને વિદેશી ટીમો ખેલવાનું માંડી વાળે છે, ત્યારે એમ લાગે છે કે દૂર કી સોચવાને બદલે આજની વાસ્તવિકતાનો વિચાર ક૨વાની જરૂર છે.


