For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉત્તરપ્રદેશના ગૃહપ્રધાનને માંડ માંડ મજૂર વિસ્તારમાં ભાડેથી ઘર મળ્યું

Updated: Sep 29th, 2022


- શાસ્ત્રીજી શાક, દાળ કે આચાર વિના બે-ત્રણ પરોઠા ખાઈ ગયા!

ધીમા દબાતા પગલે એ રૂમમાં હું પ્રવેશ્યો. ભાવનગરના એ પરિચિત સ્વજનના ઘેર ભારત વાણિજ્ય અને ઉદ્યોગમંત્રીનો ઉતારો હતો. ઘણા લાંબા સમયથી એ અલાયદા ખંડમાં મંત્રીશ્રી એકલા બેસીને સરકારી ફાઈલોનો અભ્યાસ કરતા અને એના પર પોતાની નોંધ કરે જતા હતા. ઘણો સમય વીતી ગયો હોવાથી મને એમ થયું કે, લાવો, એમને કંઈ નાસ્તાની જરૂર હોય તો પૂછી આવું.

મારા પ્રશ્નના જવાબમાં એમણે સહજતાથી કહ્યું, 'કોઈ મિષ્ટાન કે નમકિન નહીં, કિંતુ સાવ સાદો હોય તે નાસ્તો આપો.'

'એ તો ઉકાળો અને ખાખરા હોઈ શકે.'

એમણે કહ્યું કે, 'વાહ, તો ઉકાળો અને ત્રણેક ખાખરા આપશો, તો આનંદ થશે.' વળી પાછા એ મંત્રીશ્રી ફાઈલોના ઢગલા વચ્ચે ગૂંથાઈ ગયા.

૧૯૬૧ની બીજીથી છઠ્ઠી જાન્યુઆરી સુધી ભાવનગરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું છાસઠમું અધિવેશન યોજાયું હતું. ગુજરાતમાં યોજાયેલા આ પાંચમા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં પ્રમુખ તરીકે શ્રી નિલમ સંજીવ રેડ્ડી હતા અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે દેશના ઘણા અગ્રણી નેતાઓ આમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરના કૃષ્ણનગરની સામે આવેલા એકસો એકરના ખુલ્લા મેદાનમાં આ વિશાળ અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં દેશના નેતાઓને નીરખવા અને સાંભળવા ભાવનગરના 'જયભિખ્ખુ'ના કુટુંબીજનો અને સ્નેહીજનોને ખાસ નિમંત્રણ આપ્યું હતું, તેથી હું પણ પિતા 'જયભિખ્ખુ'ની સાથે રાષ્ટ્રનેતાઓને નિહાળવા ઉમંગભેર ભાવનગર ગયો હતો અને એમાં જે સ્વજનને ત્યાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીનો ઉતારો હતો, ત્યાં જ હું ઊતર્યો હતો અને તેથી એ મંત્રીશ્રીને નાસ્તા-પાણી અંગે પૂછવાની ગુસ્તાખી કરી હતી. એમણે ઉકાળા અને ત્રણ ખાખરાને ન્યાય આપ્યો અને પાછા હસતા મુખે અમને ખંડમાંથી વિદાય આપીને પોતાના કામમાં ડૂબી ગયા.

લાલબહાદુર શાસ્ત્રીની સાદાઈ, નમ્રતા અને સહજતા સ્પર્શી ગયાં અને ભીતરમાં એક એવી અનુભૂતિ થઈ કે આ કોઈ દેશની સરકારમાં ઉચ્ચ સ્થાને બિરાજેલા મંત્રીશ્રી નથી, પરંતુ આપણા સહુની વચ્ચે હરતા-ફરતા અને હસતા એક કર્મયોગી આમઆદમી છે. કેટલાક સમર્થ નેતાઓમાં આમઆદમી હોવાની અનુભૂતિ થતી હોય છે. એ મહાત્મા ગાંધીજી અને અબ્રાહમ લિંકનમાં હતી. નેલ્સન મંડેલા કે લાલબહાદુર શાસ્ત્રીમાં એ પ્રત્યક્ષ જોવા મળે.

બસ, પછી તો આ ઉકાળા અને ત્રણ ખાખરાની ઘટનાએ મારા ચિત્ત પર એવું કામણ કહો તો કામણ અને પ્રભુત્વ માનો તો પ્રભુત્વ જમાવ્યું કે એ સતત આ લોકનેતાની રહેણીકરણી અને જીવન-પદ્ધતિ વિશે વિચારવા લાગ્યું. એમ થયું કે જાણે ગાંધીજીની સાદાઈ, સચ્ચાઈ, પુરુષાર્થ અને પ્રજાપ્રેમની નાની આવૃત્તિ ન હોય! અને એ દિવસથી લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિભાએ જાણે ચિત્ત પર એવું કામણ કર્યું કે એમના પૂર્વજીવનની અને એમના વર્તમાન જીવનની નાનામાં નાની વિગતો એકત્રિત કરવાના મહાપુરુષાર્થનો પ્રારંભ કર્યો.

જેમ જેમ લાલબહાદુર શાસ્ત્રીના પૂર્વ-જીવનની માહિતી એકત્ર કરતો ગયો, તેમ તેમ સતત એક પછી એક આશ્ચર્ય પ્રગટતાં રહ્યાં. બસ, મનમાં એક જ ભાવ જાગે કે જે દેશને મહાત્મા ગાંધીજીએ આઝાદી અપાવી, એ દેશની વિશાળ જનતાને લોકપ્રેમ જીતનારો આવો સીધો-સાદો નેતા જ જોઈએ અને પછી તો જેમ જેમ એમને વિશે જાણતો ગયો, તેમ તેમ એમના પ્રત્યેની આદરભાવનામાં સતત વૃદ્ધિ થતી રહી.

લાલબહાદુર શાસ્ત્રીમાં કોઈ આડંબર નહીં, કોઈ છટા નહીં, કૃત્રિમ રીતે ભપકો ખડો કરવાની કોઈ ચાહના નહીં, જેવો છું તે આ છું. જે છે તે આ છે. લાલબહાદુર શાસ્ત્રી એમની ગાંધી ટોપી સાથે પાંચ ફૂટથી સહેજ જ ઊંચા લાગતા અને બાળપણના એમના સહાધ્યાયી મિત્ર આનંદીલાલ અગ્રવાલે તો કહ્યું કે અમે એમને એમની ગેરહાજરીમાં 'ગટ્ટી' કહેતા હતા. જેમ એમનું કદ ટૂંકું, એમ એમની વાત પણ મુદ્દાસરની. જે કંઈ બોલતા તે પૂરેપૂરું વિચારીને બોલે. મિત્રો પાસેથી માહિતી મળતી હોય કે વિરોધીઓ વિરોધ કરતા હોય, તે સહુને બરાબર સાંભળીને સચોટ અને તર્કયુક્ત જવાબ આપે. આ નાના કદ અને નમ્રતાની પાછળ એક વજ્ર સમી દઢતા અનુભવાતી હતી.

૧૯૫૬માં અરિયાલુરમાં થયેલા અકસ્માતની ચર્ચા વખતે એમણે કહ્યું હતું, 'મારા નાના કદને લીધે અને મારી નમ્રતાને લીધે કેટલાક એમ માની બેસશે કે હું મક્કમ નથી. ભલે શરીરથી બળવાન ન હોઉં, પણ આત્માથી બળવાન છું જ.' અને પછી લાલબહાદુર શાસ્ત્રીને મળનારા દેશ કે વિદેશના પત્રકારો એમને વિશે એક જ વાત કરતા કે આ ચાલીસ કરોડ પ્રજાનો પ્રતિનિધિ એ ખુરશીમાં પણ ન દેખાય તેવો છે, પણ એમના નાના કદની પાછળ એક પ્રભાવક વ્યક્તિત્વ છુપાયેલું છે. હું પણ જેમ જેમ એમનો પરિચય મેળવતો ગયો, તેમ તેમ એ કથનની સચ્ચાઈ અનુભવતો રહ્યો.

આજે તો કલ્પના પણ ન થાય કે કોઈ રાજ્યના ગૃહપ્રધાનને અખબારમાં એવું વિજ્ઞાપન આપવું કે 'મારે ભાડે મકાન જોઈએ છીએ.' જ્યારે રાજ્યના ગૃહપ્રધાન બનીને લાલબહાદુર શાસ્ત્રીને લખનૌ છોડીને અલ્લાહાબાદ આવવાનું થયું, ત્યારે એમને લખનૌનું ભાડાનું ઘર ખાલી કરવું પડયું. અલ્લાહાબાદમાં ઉત્તરપ્રદેશના ગૃહપ્રધાન તરીકે આવ્યા હોવાથી સામાન્ય રીતે સહુ કોઈ એમને મકાન આપવા આતુર હોય. એમની સાથે સંબંધ હોય, તો ઘણો લાભ મળે. પરમિટ કે લાઈસન્સ મળે અને એમની લાગવગથી ઘણાં અંગત લાભદાયી કામ થઈ જાય.

પણ લાલબહાદુર શાસ્ત્રી જુદી માટીના માનવી હતા. એ કોઈની શેહમાં તણાય નહીં, કોઈને માટે કશી લાગવગ વાપરે નહીં અને એમની સાથે લાંચ-રુશવત લેવાની વાત કરવાનો ભાગ્યે જ કોઈ વિચાર કરી શકે. હિંમત કરવાની વાત તો દૂર રહી. તેઓ અલ્લાહાબાદમાં ઓછી કિંમતે ઘર ભાડે રાખવા ચાહતા હતા. સુવિધાવાળા વિસ્તારમાં રહેવા માટે ઘણું ભાડું આપવું પડે અને તે આ પ્રધાનને પોસાય તેમ નહોતું !

વળી, જેમ લાલબહાદુર કોઈને અંગત લાભ ન કરાવે, એ રીતે કોઈની સામે વેરવૃત્તિ પણ ન રાખે. અલ્લાહાબાદના મુઠ્ઠીગંજના મજૂર વિસ્તારમાં ભાડાના નાના મકાનમાં એ રહેવા લાગ્યા. બહારના પાંચ-સાત મુલાકાતી માંડ બેસી શકે એટલું ઘર. એટલે બનતું એવું કે એમનું ઘર તો મુલાકાતીઓથી ભરાઈ જતું, પરંતુ બહાર સડક પર પણ બેસીને લોકો એમની રાહ જોતા. અહીં લાઈટ કે ટેલિફોનની વ્યવસ્થા નહોતી તેથી કામચલાઉ વ્યવસ્થા ઊભી કરવામાં આવી, પણ લાઈટની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી લાલબહાદુર ક્યારેક ફાનસથી કામ ચલાવતા હતા.

લાલબહાદુરમાં ગરીબીનું ગૌરવ હતું, આક્રંદ નહીં. ઘણી ચીજો વિના ચલાવવું પડે છે એનું એમણે કદી દુ:ખ અનુભવ્યું નહોતું, બલ્કે ગરીબીમાં-ફાકામસ્તીમાં મોજ માણનારા અમીરો-ગરીબ આદમી હતા. ગરીબીની લાચારી નહીં, પણ કરકસરની ખુમારી હતી. બાળપણમાં એક સમય એવો પણ હતો કે જ્યારે બે વર્ષ સુધી એમણે બૂટ-ચંપલ વગર ચલાવ્યું હતું. આ જોઈને મોટા ભાઈને દેવ સમાન માનતા એમનાં બહેન સુંદરીદેવીનું કાળજું કપાઈ જતું. એમણે કહ્યું કે પગે કેવા ફોલ્લા પડયા છે. વળી, બહારના લોકો આપણને ગરીબ ધારે છે. ત્યારે લાલબહાદુરે કહ્યું, 'અરે ! એમાં શું ? ગરીબી એે કોઈ શરમ નથી. આ ગરીબીમાં પણ મસ્તી, મોજ અને અમીરી છે.'

બાળપણમાં લાલબહાદુરે પોતાને માટે બેથી વધુ શર્ટ સિવડાવ્યાં નહોતાં. ઉત્તરપ્રદેશના ગૃહપ્રધાન હતા, ત્યારે એક વાર એમના મિત્ર અને એ પછી એમને વિશ 'વહ નન્હા-સા આદમી' (ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન) નામના હિન્દી પુસ્તકના લેખક સુમંગલ પ્રકાશને લાલબહાદુરે સાંજે જમવા આવવાનું કહ્યું. લાલબહાદુરનાં પત્ની લલિતાદેવી બહારગામ ગયાં હતાં, ત્યારે એક છોકરો આવીને એમને માટે રસોઈ બનાવતો હતો. લાલબહાદુર શાસ્ત્રી અને સુમંગલ પ્રકાશ ભોજન માટે બેઠા. પરોઠા અને રસાદાર બટાટાનું શાક હતું. પણ જમતાં જમતાં શાક ખૂટી ગયું, ત્યારે શાસ્ત્રીજીએ પેલા છોકરાને પૂછ્યું, 'ભાઈ! બીજું શાક છે કે ?' છોકરાએ ગભરાટ સાથે કહ્યું, 'ના જી! હતું એટલું પીરસી દીધું છે.' અને શાસ્ત્રીજી તો શાક વિના બે-ત્રણ પરોઠા ખાઈ ગયા. સુમંગલ પ્રકાશ તો આ જોઈને સ્તબ્ધ થઈ ગયા.

૧૯૦૪ની બીજી ઓક્ટોબર એ સ્વાતંત્ર્યસેનાની, ભારતના બીજા વડાપ્રધાન અને ભારતરત્નથી પોંખાયેલા લોક લાડીલા લાલબહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ આવે છે, ત્યારે આવા કેટલાય સ્મરણો ચિત્તમાં ઉભરાય છે.

(ક્રમશ:)

આજની વાત

બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે?

બીરબલ : જહાંપનાહ, આપણા દેશમાં ઉત્સવના કોલાહલ, શોરબકોર અને બૂમબરાડા એ પર્યાયવાચી શબ્દો બની ગયા છે.

બાદશાહ : ક્યા બાત હૈ!

બીરબલ : જહાંપનાહ, દિવાળી એ પ્રકાશનું પર્વ રહ્યું નથી, પરંતુ અતિ પ્રદૂષણ ફેલાવતું ફટાકડાનું પર્વ બની ગયું છે. ચૂંટણી લોકસંપર્કના પર્વને બદલે રોડ-શોનો તાયફો બની ગઈ છે, જેમાં જોરશોરથી બોલાતા નારાઓ અને લાઉડ-સ્પીકરો કાનના ડૉક્ટરોને કમાણી કરાવનારા બની રહ્યા છે. ક્રિકેટ મેચમાં ખેલાડીઓની રસાકસીને બદલે નારાઓ, બૂમબરાડાઓ અને શોરબકોર મુખ્ય બની ગયા છે. નવરાત્રીમાં ગરબા ગાનારા પાંચ હોય, પણ ડીજેની ધૂન એવી કે એમ લાગે કે પાંચ હજાર ગરબા ખેલૈયા ખેલી રહ્યા છે. કોલાહલ અને ધામધૂમ વિના લોકોને ઉત્સવની રંગત આવતી નથી.

પ્રસંગકથા

રાષ્ટ્રપતિપદને સંતના આશીર્વાદ મળતા રહેશે!

રાષ્ટ્રપતિ ભવનમાં પ્રથમ વાર પધારી રહેલા શ્રી શંકરચાર્યજીને રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ ઉચિત સન્માન આપવા ચાહતા હતા. રાષ્ટ્રપતિએ પોતાના એડીસી લેફ્ટેનન્ટ કર્નલ અશોક કિનીને બોલાવીને આવા સમયે રાષ્ટ્રપતિએ જાળવવાના પરંપરાગત પ્રોટોકોલ વિશે પૃચ્છા કરી, ત્યારે અશોક કિનીએ કહ્યું, 'પરંપરા પ્રમાણે રાષ્ટ્રપતિ ભવનના દ્વાર પર શ્રી શંકરાચાર્યનું હું સ્વાગત કરીશ અને પછી એમને અંદર આપની પાસે લાવીશ.'

થોડીક ક્ષણો વિચારીને ડૉ. કલામે પૂછ્યું, 'જો હું એમનું સ્વાગત કરું તો શું થાય?'

'તો આપ સંતના સન્માનને રાષ્ટ્રપતિના સન્માનથી ચડિયાતું કરી દેશો.'

એ પછી ડૉ.અબ્દુલ કલામે બેઠક-વ્યવસ્થા અંગે પૂછ્યું, તો અશોક કિનીએ કહ્યું, 'સોફા ઉપર એમનું મૃગચર્મ હું પાથરીશ અને એના પર બેસવાનો હું અનુરોધ કરીશ. આ સમયે રાષ્ટ્રપતિજી પોતાની ખુરશી પર બિરાજમાન જ રહેશે.'

ડૉ. અબ્દુલ કલામે પૂછ્યુ, 'જો હું એમને રાષ્ટ્રપતિની ખુરશી પર બેસાડું તો?'

'તો સર, આપ સંતને રાષ્ટ્રપતિથી વિશેષ સન્માનિત કરશો.'

રાષ્ટ્રપતિના ચહેરા પર હળવું હાસ્ય આવ્યું અને ત્રીસ મિનિટ પછી જ્યારે શંકરાચાર્ય આવ્યા, ત્યારે મહાઆશ્ચર્ય તો એ સર્જાયું કે ડૉ. અબ્દુલ કલામ દરવાજા પર એમનું સ્વાગત કરીને એમની પાછળ ઊભા હતા. એમણે માળા અને પુષ્પો સાથે શંકરાચાર્યજીનું સ્વાગત કર્યું અને પછી રાષ્ટ્રપતિ ભવનમાં એ પધાર્યા ત્યારે સોફા પર મૃગચર્મ પાથરવાને બદલે ડૉ. અબ્દુલ કલામે રાષ્ટ્રપતિની ખુરશી પર મૃગચર્મ મૂકવાનું કહ્યું. પછી બંને વચ્ચે વાર્તાલાપ થયો.

શ્રી શંકરાચાર્યની વિદાય પછી અશોક કિનીએ ડૉ. કલામને પૂછ્યું, 'આપે રાષ્ટ્રપતિની ખુરશી પર મૃગચર્મ બિછાવવાનું કેમ કહ્યું?'

ત્યારે એમણે જવાબ આપ્યો, 'હું ઈચ્છતો હતો કે ભારતના રાષ્ટ્રપતિની સોફા સીટને સંતની આધ્યાત્મિક શક્તિના આશીર્વાદ મળે, જેથી જે કોઈ રાષ્ટ્રપતિ અહીં બેસે, એને એ સંતોના સદૈવ આશીર્વાદ પ્રાપ્ત થાય.'

આ સાંભળીને અશોક કિનીનું મસ્તક નમી ગયું અને બોલ્યા, 'સર, આપ કેવળ એક મહાન વૈજ્ઞાનિક નથી, પરંતુ એના વેશમાં એક સંત પણ છો.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે તાજેતરમાં આરએસએસના વડા શ્રી મોહન ભાગવત અને અખિલ ભારતીય ઈમામ સંગઠનના વડા ઈમામ ઉમર ઈલિયાસીની મુલાકાત થઈ અને એનાથી બંને કોમ વચ્ચે ભાઈચારાનો સંદેશ ફેલાયો. આજે દેશ અને વિદેશમાં ચોપાસ કોમી વિદ્વેશની દુ:ખદ ઘટનાઓ જોવા મળે છે, ત્યારે આ ઘટના દિલને થોડી આશાયેશ આપે એવી છે.

Gujarat