- ગાંધીવિચારને અનુસરતા ઇટલીના ડેલ વાસ્તોએ શાંતિદાસ નામ ધારણ કર્યું
- ફલકે જમીં પે જબ તુઝે ટહલતે દેખા,
પહલી બાર એક ચાંદ હમને બેદાગ દેખા.
કેવું મહાદુર્ભાગ્ય છે આપણા દેશનું કે આજે છાશવારે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં એમની પ્રતિભાનું જાતજાતના તુક્કાઓથી, મનઘડંત આક્ષેપોથી ખંડન કરવાનો વ્યર્થ પ્રયત્ન ચાલે છે. ગાંધીજીની ગરિમાને લાંછન લગાડવા માટે કેટલીક વ્યક્તિઓ વોટ્સએપ કે ફેસબુક પર એમની મંદબુદ્ધિથી પાયાવિહોણા આક્ષેપો કરે છે, પરંતુ ગાંધી એટલે ગાંધી. એમણે કહ્યું હતું કે, 'હું કબરમાંથી પણ બોલતો રહીશ' અને સાચે આજે ગાંધીજી માત્ર ભારતમાં જ જીવતા-જાગતા નથી, પરંતુ આખા વિશ્વમાં જુદી જુદી પ્રતિભાઓ દ્વારા તેઓ ગાંધીવિચારના રૂપે પ્રગટતા રહે છે.
વિશ્વના સૌથી બુદ્ધિશાળી માનવી તરીકે પ્રસિદ્ધ આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું હતું, 'આવતી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આવો કોઈ માંસ અને રક્તથી ભરેલો માનવી આ પૃથ્વી પર ચાલ્યો હશે.'
રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે, 'એક માનવી હજારો મુફલિસોનાં ઝૂંપડાં સામે ઊભો રહ્યો. એમના જેવાં જ વસ્ત્રો પહેરીને એ એમની સાથે એમની જ ભાષામાં વાત કરતો હતો. એ જીવંત સત્ય હતો, કોઈ ગ્રંથનું અવતરણ નહોતું.'
આજે વિશ્વના કેટલાય દેશોમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા અથવા તો એમના નામે માર્ગ કે મેમોરિયલ મળે છે. આપણે કદી કલ્પના પણ કરી ન હોય એવા સ્થળે કોઈ હૃદયસ્પર્શી ચિત્ર જોવા મળે, ત્યારે મન પારાવાર આશ્ચર્યમાં ડૂબી જાય છે! વેટિકન શહેરમાં ધર્મદર્શનની ચર્ચા માટે જ્યારે પોપ જ્હોન પોલ (દ્વિતીય)ને મળવાનું બન્યું, ત્યારે એમણે અમને સહુને ઉમળકાભેર આવકાર આપ્યો અને એથીયે વિશેષ જૈનદર્શનનાં પુસ્તકો સ્નેહભાવે સ્વીકાર્યાં, પણ ખરું આશ્ચર્ય તો ત્યારે થયું કે એની પોન્ટીફ્રિશિયલ કાઉન્સિલના વિશાળ ખંડમાં અમારી બેઠકનો પ્રારંભ થતો હતો, ત્યારે સામે મહાત્મા ગાંધીજીનું મોટું ચિત્ર હતું, જેમાં ગાંધીજી દુઃખીઓને, દલિતોને અને ધર્મગુરુઓને મળતા હતા.
એવી જ રીતે આફ્રિકાનાં કેન્યાના થિકા કે નકુરુ જેવાં દૂરનાં ગામડાંમાં પ્રવાસ કરતી વખતે નેલ્સન મંડેલાના નામનો ઉચ્ચાર કરીએ, તે સાથે જ સામેની આફ્રિકન વ્યક્તિ મહાત્મા ગાંધીજીનું સ્મરણ કરાવતી હતી. કેપટાઉનમાં યોજાયેલી વિશ્વધર્મપરિષદમાં નેલ્સન મંડેલાએ જાણ્યું કે હું ગાંધીની ભૂમિ પરથી આવું છું, ત્યારે એમણે કહ્યું કે, 'અમારે માટે મહાત્મા ગાંધીએ એક પ્રચંડ શક્તિ હતા અને એ શક્તિએ જ અમને સંઘર્ષની વચ્ચે ટકાવ્યા છે. આજે મારી દ્રષ્ટિએ જગતની સૌથી મોટી સમસ્યા ગરીબી છે, તે દૂર કરવા માટે ગાંધીવિચાર જ કામિયાબ બની શકે.' આ નેલ્સન મંડેલાની 'લોંગ વોક ટુ ફ્રિડમ' નામની આત્મકથામાં એમને જીવનમાં સતત પ્રાપ્ત થયેલી ગાંધીપ્રેરણાની જ વાત કરી છે અને એ હકીકત છે કે ભારત પછી મહાત્મા ગાંધીજીની સૌથી વધુ ટપાલ ટિકિટ આફ્રિકાના દેશોએ બહાર પાડી છે. અમેરિકા અને કોંગો પછી ગ્રેટ બ્રિટને મહાત્મા ગાંધીજીની ટિકિટ બહાર પાડી અને નવાઈની વાત એ છે કે તેઓ બ્રિટિશ શિસ્ત અને પ્રણાલીની બહાર જઈને ભારતના તિરંગાની પૃષ્ઠભૂમિ ૫૨ ગાંધીજીની હાસ્ય ધરાવતી છબી ટિકિટ પર પ્રગટ કરી હતી.
આજે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આખી દુનિયામાં જોહુકમીથી હિંસાની આગ ફેલાવી રહ્યા છે. બીજા દેશો પર આક્રમણ કરી રહ્યા છે, ત્યારે અમેરિકા અને વિશ્વની પ્રજાનો મોટો ભાગ ગાંધીવિચારના પ્રાગટયની રાહ જુએ છે, કારણ કે મહાત્મા ગાંધીજીની અહિંસક સત્યાગ્રહની ભાવનાનો વિચાર કરીએ અને પહેલું સ્મરણ માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર)નું થાય છે. એણે ગાંધીજીના સત્યાગ્રહને રંગભેદ સામે અવાજ ઉઠાવવાનું પ્રબળ શસ્ત્ર બનાવ્યું હતું. માર્ટિન લ્યુથર કિંગે શાંતિકૂચ કરી. ઘણા લોકોએ એના પર હિંસક હુમલા કર્યા, પરંતુ માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર) મક્કમ રહ્યા. ગાંધીજી અને કિંગે પોતાનું જીવન શાંતિભર્યા માર્ગોની શોધમાં ગાળ્યું, પરંતુ હિંસાએ બંનેનો ભોગ લીધો. ગાંધીજીની માફક માર્ટિન લ્યુથર કિંગની હત્યા પ્રત્યે આખા વિશ્વએ વેદના પ્રગટ કરી.
ગાંધીજીની આત્મકથાનો પ્રભાવ ૧૯૮૦નું નોબલ પારિતોષિક મેળવનારા અડોલ્ફ પેરેઝ સ્વીવેલ પર પડયો. એણે ગાંધીજીની ગ્રામ-સ્વાવલંબનની કલ્પના સાકાર કરી. ઇન્ડોનેશિયામાં ૧૯૨૧માં જન્મેલી ગેડાંગ બાગુ ઓકાએ ૧૯૫૬માં ગાંધીજીની આત્મકથા વાંચી. એ પછી એણે બીજું ગાંધી સાહિત્ય પણ વાંચવા માંડયું. એના પરથી એને લાગ્યું કે ઇન્ડોનેશિયાની જનતાને મહાત્મા ગાંધી અંગે વધારે માહિતી મળવી જોઈએ. એને લાગ્યું કે એના અનુસરણથી જ ઇન્ડોનેશિયા શાંતિપૂર્વક પોતાનો વિકાસ કરી શકશે અને પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી શકશે. એણે ૧૯૭૦માં બાલી શાંતિ સેના ફાઉન્ડેશનની સ્થાપના કરી અને ગાંધીજીની આત્મકથાનું ભાષાંતર કરી અધ્યાપકો અને સમાજસેવકોમાં એનું વિતરણ કર્યું. પરિણામે અનેક લોકો એમની સાથે સામેલ થયા. એથી આગળ વધીને ગાંધી-વિચાર પર આધારિત એક આશ્રમની સ્થાપના કરી. જે લોકોએ સત્ય અને અહિંસાને સારી રીતે સમજી લીધા છે અને જેમને એમાં રુચિ છે તેવા લોકોને જ આશ્રમમાં દાખલ કરે છે. આશ્રમ જનતામાં પવિત્રતાપૂર્ણ જીવન જીવવાની, આત્માની શાંતિની ખોજ અને પ્રકૃતિ તથા માનવ વચ્ચે તાલમેલ મેળવી જીવવાની રીતિ અંગે એક વૈચારિક જાગૃતિ લાવવામાં સફળ રહ્યો છે.
ફ્રાંસની રાજધાની પેરિસથી એક હજાર કિલોમીટર દૂર ખાડા-ટેકરાવાળી ૩૦૦ એકર જમીન પર આર્ક આશ્રમની સ્થાપના કરવામાં આવી છે. જે કોઈ જાય, તેને ત્યાં ગાંધીજીના ભારતના આશ્રમોની યાદ આવે છે. આ આશ્રમમાં વીજળી નથી અને ખેતી-કામ હાથ વડે તથા ઘોડાની મદદથી થાય છે. લગભગ દોઢસો જેટલા આશ્રમવાસી એક કુટુંબની જેમ સામુહિક જીવન જીવે છે. બધા જ શાકાહારી છે. સવારે પ્રાર્થના પછી બધા સફાઈ, ખેતી, લાડકાં ચીરવાં, પાઉં બનાવવા અને ગોપાલનનાં કામોમાં જોડાઈ જાય છે. કલાકે-કલાકે ઘંટી વગાડવામાં આવે છે. ઘંટી વાગતાં જ બધા કામ છોડી બહાર પ્રકૃતિની ગોદમાં બે મિનિટ શાંત ઊભા રહી પ્રાર્થના કરે છે અને પાછા જઈને કામ પર ચઢી જાય છે.
આ આર્ક આશ્રમના સંસ્થાપક ગાંધીજીના શિષ્ય ડેલ વાસ્તો ઇટાલીમાં જન્મ્યા હતા. એમને નાનપણથી જ સામાજિક ક્રાંતિનાં કામોમાં રસ હતો. લાંબા ગાળા સુધી વિચાર્યા પછી અને અનુભવે એમને દઢ વિશ્વાસ બેઠો કે હિંસાથી લેવાયેલી ક્રાંતિ એનાથી મોટી હિંસાથી ખતમ થઈ શકે. ગાંધીજીના વિચારોમાં પણ એમને એ જ વાત મળી, તેથી એમનો વિશ્વાસ વધુ દ્રઢ થયો. એ ગાંધીજીના અનુયાયી બન્યા અને પોતાનું નામ પણ શાંતિદાસ રાખ્યું. કામ માટે એમની તૈયારી એટલી કે આશ્રમનો વિચાર મનમાં આવ્યો કે તરત જ ભારત પહોંચ્યા અને જુદા જુદા આશ્રમોનું નિરીક્ષણ કર્યું. એમને કેવળ એના મકાન, નિયમ વગેરેમાં જ રસ નહોતો. એમને એની પાછળની ભાવના અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું પણ અધ્યયન કરવું જરૂરી લાગ્યું. હવે એમનો દેહ નથી રહ્યો. વૃક્ષોની ઘટાની નીચે એમની સમાધિ બનાવી છે.
આજની આધુનિકતા, મોટા ઉદ્યોગોથી ફેલાતું પ્રદૂષણ અને માનસિક અશાંતિથી ત્રાસેલાં કેટલાંય સ્ત્રી-પુરુષો આર્ક આશ્રમમાં આવે છે અને શાંતિ પામે છે. આર્કના નમૂના પ્રમાણે ઇટલી, સ્વીટ્ઝર્લેન્ડ, જર્મની અને અમેરીકા વગેરે દેશોમાં આશ્રમો બનાવવાની યોજનાઓ ચાલી રહી છે. શાંતિદાસ પછી એમનું સ્થાન લેનાર પિટરે પણ પોતાનું નામ બદલી મોહનદાસ રાખી, આશ્રમની પરંપરા ચાલુ રાખી છે.
પીટ૨ને થયું કે જર્મનીની જનતાને ગાંધીજીની અહિંસક પદ્ધતિની વાત જણાવવી જોઈએ. એ પોતાને ખર્ચે અને ઘણી મહેનતે ગાંધીજીના ફોટા, ચરખા, આશ્રમની ઝૂંપડીઓનાં નમૂના, નકશા ને પુસ્તકો ભારતથી જર્મની લઈ ગયાં અને ત્યાં એનું પ્રદર્શન ગોઠવ્યું.
૧૯૨૦માં જન્મેલા ચાર્લ્સ વોકરને પણ ગાંધીવિચારના દૂત ગણાવી શકાય. વિદ્યાર્થી હતા ત્યારથી એમને હિંસા પ્રત્યે અણગમો હતો, અને વિશ્વયુદ્ધના પ્રખર વિરોધી હતા. આ માટે એમને જેલની સજા પણ થઈ. આ ગાળામાં એમણે ગાંધીજી પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી અને એમના જીવન તથા સામાજિક આંદોલનોનું ઊંડું અધ્યયન કર્યું. એક ગાંધીવાદી આંદોલનકારી તરીકે એમની નામના છે. શાંતિ માટેના પ્રયાસો, નાગરિક અધિકા૨ તથા માનવતાવાદી કારણોસર ચલાવાતાં આંદોલનોમાં એમણે મહત્ત્વભર્યો ભાગ ભજવ્યો છે. આ બધામાં એક સંગઠક તરીકે અને રાજસત્તા સામેનાં આંદોલનોમાં સંચાલક તરીકે એમણે સારી આવડત દાખવી છે. આજના સંદર્ભમાં ગાંધીજીનું મહત્ત્વ, સવિનય કાનૂનભંગના સિદ્ધાંત અને વ્યવહાર, અહિંસક આંદોલન અને સામાજિક પરિવર્તન વગેરે વિષયો પર એમણે ડઝનબંધ પુસ્તકો લખ્યાં છે. વર્લ્ડ પીસ બ્રિગેડ (વિશ્વ શાંતિ સેના) અને પીસ બ્રિગેડ ઇન્ટરનેશનલ (આંતરરાષ્ટ્રીય શાંતિ સેના)ના એ સ્થાપક છે. બંને સંગઠન આજે વિશ્વભરમાં શાંતિના કાર્યમાં સક્રિય છે.
દલાઈ લામા પણ આજે ગાંધીજીની વિચારધારાનો પુરસ્કાર કરે છે અને આ રીતે જગતભરમાં ગાંધીજીની પ્રેરણા પામેલી કેટલીક સમર્થ વ્યક્તિઓની વિશેષ વિગતો પણ પ્રસૂન નિતાંત પાસેથી પ્રાપ્ત થાય છે. જે વિશે હવે પછી ક્યારેક જોઈશું.
પ્રસંગકથા
હિટલરનો પુનર્જન્મઃ ડોનાલ્ડ ટ્રમ્પ રૂપે
પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીના થયેલા પરાજય બાદ નાઝી પક્ષ સ્થાપીને હિટલરે જર્મનીના રાજકીય ફલક પર પ્રવેશ મેળવ્યો. એણે જર્મન પ્રજાને એની પ્રાચીન ગરિમા પુનઃ સંપાદિત કરવાનું વચન આપ્યું અને એક હજાર વર્ષ સુધી જર્મન સામ્રાજ્યની એકચક્રી આણ ફેલાતી રહેશે, એવો પ્રજાને વાયદો આપ્યો.
એના તેજાબી શબ્દો ધરાવતાં ભાષણો અને ચળકતી આકર્ષક ભૂરી આંખોએ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા. જર્મનો એને પોતાનો રક્ષક અને તારણહાર માનવા લાગ્યા, પરંતુ ૧૯૩૩માં હિટલર જર્મનીનો સરમુખત્યાર બન્યો. એની ઇચ્છાઓ અમર્યાદ હતી અને સામ્રાજ્ય ફેલાવવા માટે એણે એના સૈનિકોને એમનું કર્તવ્ય દર્શાવતાં કહ્યું, 'દિલમાં દયાનો છાંટો ન રાખશો, ક્રૂરતા આચરશો.'
એણે સૌથી પહેલું કામ નિશાળો અને હોસ્પિટલોમાં બાળકો માટેનાં ઢીંગલા-ઢીંગલી કે પશુ-પક્ષીનાં રમકડાંઓ ફેંકી દેવાનો હુકમ કર્યો. એણે બાળકો માટે નવાં તૈયાર કરાવેલાં બંદૂક અને તોપનાં રમકડાં પ્રચારમાં મૂક્યાં. એનો ઈરાદો એવો હતો કે બાળક બાળપણમાં ફૂટતી બંદૂકો અને ઘૂમતી તોપનાં રમકડાંથી ૨મેલાં બાળકો મોટા થઈને દુશ્મનો પર બંદૂક કે તોપ ચલાવવાનું સ્વપ્ન સાકાર કરશે.
આ હિટલર આધુનિક ઇતિહાસનો સૌથી મહાન હત્યારો ગણાયો અને આખા વિશ્વએ અને અંતે સ્વયં જર્મનીએ એના પર ફિટકાર વરસાવ્યો. સરમુખત્યાર હિટલર કરુણ રીતે મૃત્યુ પામ્યો અને પોતાના દેશને કંગાળ બનાવી ગયો !
- આ વાત એટલા માટે યાદ આવી કે આજે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 'મેક અમેરિકા ગ્રેટ અગેન'ના સૂત્રથી જગતભરમાં અમેરિકાની સત્તા સ્થાપવા બેફામ અને બેબાકળા બની ગયા છે. જેમ હિટલરે જર્મનીની આર્ય પ્રજાને શ્રેષ્ઠ ગણી વિશ્વ પર પ્રભુત્વ મેળવવા માટે સંહાર કર્યો હતો, તેમ પાક્કો વેપારી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના હાથમાં ટેરિફ ટે૨૨ની ચાબૂક લઈને વિશ્વના દેશોને ડરાવે છે. હિટલરની માફક જ આજે પોતાની લશ્કરી તાકાત પર મુસ્તાક બનીને દુનિયાના દેશોને ભયભીત કરે છે. એક યા બીજા બહાને એ ગ્રીનલેન્ડ, કેનેડા અને વેનેઝુએલા પર વિજય મેળવવા માગે છે. વળી સવારે જે વાત કરે, તે સાંજે સાવ પલટાઈ જાય છે.
હિટલરની જેમ પોતાના સૈન્યને ઇમિગ્રન્ટ સામે ક્રૂરતા આચરવા માટે પ્રોત્સાહિત કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ આજે આખા વિશ્વમાં એનાં વિધાનો અને કાર્યોથી હિંસાની અંધાધૂંધી સર્જી રહ્યો છે. જાણે હિટલરનો પુનર્જન્મ થયો ન હોય!


