For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુલાબ મરે છે અને કાંટાઓ જીવંત રહે છે

Updated: Mar 21st, 2024

Article Content Image

- ચમકદાર મોતીઓ ગૂંથીને ખગોળ ભૌતિક વિજ્ઞાને દેશને આપેલો મનોહર નેકલેસ

- વૈજ્ઞાનિક મેઘનાદ સહા

- એક ચેહરા હૈ જો ઓઝલ આંખ સે હોતા નહીં,

સેંકડો ચેહરે હસીં દેખે હૈ ઈસકે બાદ ભી.

પોતાના દેહની પીડા અને શરીરના અસહકારને વટાવીને વિજ્ઞાની સફળતાને માટે શહીદી વહોરતો હોય છે અથવા તો જાતને સમર્પિત કરતો હોય છે. આ દેશના અવકાશી ઇતિહાસમાં ચંદ્રયાન-૩ મોકલ્યું, ત્યારે અને એ પછી આદિત્ય એલ૧ મોકલ્યું ત્યારે ઇસરોનાં મુખ્ય અધિકારી શ્રીધર સોમનાથ પેટના કૅન્સરથી પીડિત હતા. આ વેદનાને પાર જઇને એમણે સ્વાસ્થ્યની સમસ્યાઓ વચ્ચે રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવી કામયાબી અપાવી.

હકીકતમાં આપણે આપણા મહાન વિજ્ઞાનીઓએ રાષ્ટ્રને ખાતર કરેલા જીવનસમર્પણને ભાગ્યે જ યાદ કરીએ છીએ. તેઓ પોતાના સંશોધનને માટે દિવસોના દિવસો સુધી કાર્ય કરતા રહે છે, નિષ્ફળતાઓ સામે સતત ઝઝૂમતા હોય છે અને એમના મનમાં એક જ ખ્યાલ હોય છે કે મારા દેશને મારે વિજ્ઞાનના ક્ષેત્રે આગળ ધપાવવો! વિજ્ઞાન દ્વારા દેશને એક નવી દિશામાં લઇ જવો. રાષ્ટ્રમાં આધુનિક અભિગમ સર્જવો અને નવીન ટૅકનોલોજીથી પોતાના દેશ અને દુનિયાના માનવીને માટે જીવન સુગમ અને સરળ બનાવવું. આ એક જ લક્ષ્ય અને એને માટે સરફરોશી!

આવા વિજ્ઞાનીઓનું સ્મરણ કરીએ ત્યારે વિજ્ઞાન ક્ષેત્રે આંબેડકર તરીકે ઓળખાવી શકાય તેવા મેઘનાદ સહાનું સ્મરણ થાય છે. આંબેડકરે બંધારણના આધારે અને મેઘનાદ સહાએ વિજ્ઞાનને આધારે રાષ્ટ્રની અદ્ભૂત સેવા કરી છે. આ મેઘનાદ સહાનો જન્મ ૧૮૯૩ની છઠ્ઠી ઓક્ટોબરે બાંગ્લાદેશના કાલિયાકીર ઉપાઝીલા ગામમાં થયો. ભારતીય વિજ્ઞાન ક્ષેત્રે આધુનિક સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાન પર તેઓ પ્રથમ લેખ લખનારા દેશના વિજ્ઞાની બન્યા અને એ પછી ૧૯૧૯માં ખગોળભૌતિક વિજ્ઞાનમાં સંશોધન શરૂ કર્યું અને બે વર્ષમાં તો એમના સંશોધનથી આ વિષયમાં એક નવા યુગનો પ્રારંભ થયો. એ જમાનામાં માત્ર ૨૭ વર્ષની વયે એ વિખ્યાત ઉષ્મીય આયનન (થર્મ આયરનાઇઝેશન)ની શોધ કરી અને ૩૬માં વર્ષે તો એમની રોયલ સોસાયટીના ફેલો તરીકે પસંદગી થઈ.

૧૯૩૫-૩૬મા તો અમેરિકાના ભૌતિકવિજ્ઞાની અને નોબેલ પુરસ્કાર વિજેતા આર્થલ ક્રોમ્પટને એમનું નામ નોબેલ પુરસ્કાર માટે નિર્દિષ્ટ કર્યું હતું. એમની આ સિદ્ધિ વિશેષ મહત્ત્વની એ માટે છે કે એમને પોતાના દેશ ભારતમાંથી જ અસહ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. જાતિ ભેદભાવ અને અંગત રાગ-દ્વેષની સ્થૂળ વાતોએ એમને જીવનભર પરેશાન કર્યા. પોતાના સંશોધનને માટે જરૂરી ફંડ મેળવવા એમણે ઘણો સંઘર્ષ કરવો પડયો. એક ગરીબ દુકાનદારનાં દીકરા હતા અને વિદ્યાર્થીકાલમાં જ બાંગ્લાદેશના ઢાકામાં આવેલી ઢાકા કોલેજિયેટ સ્કૂલના વિદ્યાર્થી તરીકે એમણે બંગાળના ગવર્નર સર બામ્ફીલ્ડ ફૂલરની મુલાકાતનો ભારે વિરોધ કર્યો હતો. એમણે બહિષ્કાર પોકાર્યો હતો. પરિણામે ગરીબ વિદ્યાર્થી તરીકે મળતું સ્ટાઇપેન્ડ અને શિષ્યવૃત્તિ તો રદ થયાં, પરંતુ એથીયે વિશેષ અને નિશાળમાંથી બરતરફ કરવામાં આવ્યા અને પરિણામે એમને ખાનગી શાળામાં ભણવા જવાનું બન્યું. જીવનભર અંગ્રેજ સરકાર સામેના ક્રાંતિકારીની છબી એમના માર્ગમાં અવરોધ નાખતી રહી.

એમણે રાષ્ટ્રભક્ત વિજ્ઞાની તરીકે પોતાનું સામાજિક કર્તવ્ય બજાવવાનું શરૂ કર્યું. નદીઓનાં ભૌતિકવિજ્ઞાનની શાળા અભ્યાસ માટે શરૂ કરી, જેના દ્વારા દેશમાં બૃહદ સિંચાઇ અને મોટેપાયે પાવર પેદા થઇ શકે. એમને વિશે એમનામિત્ર સત્યેન્દ્ર બોઝે કહ્યું, 'હકીકતમાં તો મોતી તો હતા જ, પણ તેમને માન્યતા પ્રાપ્ત થવા અને તેમને એક રેસામાં પરોવી મનોહર સૌંદર્ય ધરાવતા 'નેકલેસ' બનાવવામાં મેઘનાદ સહાની રાહ જોવાતી હતી. તે મળ્યા અને ખગોળ ભૌતિક વિજ્ઞાન માટે અલંકાર તૈયાર થયો.' એ જમાનામાં એમનું નામ નોબેલ પારિતોષિક માટે વિદેશનાં ઘણા વિજ્ઞાનીઓએ સૂચવ્યું હતું. એમણે દેશમાં વૈજ્ઞાનિક સંશોધનનો વ્યાપ વિસ્તારવા માટે નવી પ્રયોગશાળાઓ, સંસ્થાઓ, એકેડેમી, મેગેઝિન વગેરેનો પ્રારંભ કર્યો. એથીયે વિશેષ ભારતની સમસ્યાઓ ઉકેલવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો.

આવે સમયે ક્યારેક સરકાર અવરોધરૂપ બને, તો એની ટીકા કરવાનું પણ મેઘનાદ સહા ચૂકતા નહીં. જોકે આને કારણે ક્યારેક પંડિત જવાહરલાલ નહેરુનો અણગમો પણ એમણે વહોરી લીધો હતો. એમની યાદદાસ્ત અને બહુશ્રુતતા અદ્ભૂત હતાં. એમના જીવનમાં એક તપસ્વી જેવી સાદગી હતી. બહારથી અક્કડ લાગતા, પરંતુ ભીતરમાં ભારે લાગણીશીલ હતા. એમનો આત્મા નિર્ભીક અને દ્રઢ નિશ્ચયી હતો અને એ જમાનામાં વિજ્ઞાનનાં ક્ષેત્રે શ્રીનિવાસ રામાનુજન, જગદીશચંદ્ર બોઝ, ચંદ્રશેખર રામન, મેઘનાદ સહા અને સત્યેન્દ્રનાથ બોઝ એ વિશાળ લોકચાહના ધરાવતા હતા.

મેઘનાદ સહાએ આઝાદી માટે વિદ્યાર્થીકાળ સમયે જ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો અને ક્રાંતિકારી હોવાને કારણે ઇન્ડિયન સિવિલ સર્વિસ કે ફાયનાન્સ સર્વિસની પરીક્ષાઓમાં બેસવા પર તેમના પર પ્રતિબંધ લદાયો હતો. જોકે અંગ્રેજોનાં આવા પૂર્વગ્રહ અને આવા પ્રતિબંધને કારણે દેશને વિશ્વવિજ્ઞાનીની ભેટ મળી.

આ સમયે એમનો નાનો ભાઈ કોલકાતામાં એમની સાથે રહીને અભ્યાસ કરતો હતો. એના આર્થિક જીવનનિર્વાહનો પણ સવાલ હતો. આને માટે મેઘનાદ સહા કોલકાતામાં બે ટયૂશનો કરતા અને ક્યારેક વધુ જરૂર હોય ત્યારે ત્રણ પણ. આને માટે કોલકાતાના એક ખૂણેથી બીજા ખૂણા સુધી સાઈકલ પર દોડાદોડી કરતા હતા. મેઘનાદ સહાની એક બીજી વિશેષતા એ હતી કે તેઓ ધાર્મિક પુસ્તકોમાં સ્થાપિત કરેલા સિદ્ધાંતોને સ્વીકારી લેતા નહીં. જેમાં એમણે પોતે કશું સંશોધન કર્યું ન હોય તેનો ઉલ્લેખ પણ કરતા નહીં. મહાન વિદ્વાનોએ કહ્યું હોય તે તેઓ સાંભળતા પણ એમણે કહ્યું છે તે માટે શિરોધાર્ય કરી લેતા નહીં. આનો અર્થ એ કે જે પોતે તૈયાર કર્યું ન હોય તેની ક્યારેય વાત કરતા નહીં.

તેઓ કહેતા કે, 'આપણા ધાર્મિક વડાઓ, રાજાઓ, પ્રધાનો અને વડવાઓએ માનવબંધુની સેવા કરવાનો આગ્રહ રાખ્યો. ઘણા લોકોએ જિંદગીભર પરમાર્થ કર્યો, પરંતુ એમને સફળતા ન મળી, કારણ કે ચીજવસ્તુઓનાં વધુ ઉત્પાદનની પદ્ધતિઓ એમની સમક્ષ નહોતી. આને માટે તેઓ કહેતા કે અર્થવ્યવસ્થામાં રહેલી વિષમતાના નિવારણ માટે સામાજિક કાનૂન વ્યવસ્થા અનિવાર્ય છે.

શિક્ષણ, ઉદ્યોગ, પરમાણુ ઉર્જા જેવા વિષયોમાં રાષ્ટ્રીય આયોજન સમિતિના સક્રિય સભ્ય તરીકે એમને દેશને નવી દિશા આપી. મેઘનાદ સહા પૂર્વ ભારતની નિમ્ન જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરતા હતા. આ જ્ઞાતિ આર્થિક અને સામજિક રીતે કચડાયેલી હતી, શિક્ષણની સગવડો નહોતી અને કમાણીનાં સાધનો મર્યાદિત હતાં, પરંતુ મેઘનાદ સહાએ એ સહુને વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ બતાવ્યું. નિમ્ન જ્ઞાતિ તરીકે પોતાની સામે આવેલા અવરોધોને હિંમતભેર પાર કર્યા.

કૉલેજમાં જર્મન ભાષા ભણાવવાની કોઈ વ્યવસ્થા નહોતી, તેથી તેઓએ જાતે જર્મન ભાષાનો અભ્યાસ કર્યો અને પરિણામે પ્લાન્ક અને આઇન્સ્ટાઇન જેવા વિજ્ઞાનીઓનાં જર્મન ભાષામાં લખાયેલા સંશોધન લેખો વાંચી, સમજી શક્યા. એટલું જ નહીં, પણ એમણે આઇન્સ્ટાઇનના જર્મન ભાષામાં લખાયેલા લેખોનો અનુવાદ પણ આપ્યો. ખગોળ ભૌતિક વિજ્ઞાનમાં એમના પ્રદાનને કારણે ભારત આધુનિક, ઔદ્યોગિક યુગમાં પ્રવેશ પામ્યું. વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે અભ્યાસ કરી શકે એ માટે મેઘનાદ સહા સદા પ્રેરણા આપતા અને એને કારણે જ આર.સી.મજુમદાર અને ડી.એસ. કોઠારી તથા અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ એમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયા.

મેઘનાદ સહા ભારતીય સમાજના નિમ્ન સ્તરમાંથી આવ્યા હતા, પરંતુ પોતાની મેધા એટલે કે પ્રજ્ઞા અને પ્રતિભાના આધારે દેશના સમર્થ વિજ્ઞાની બન્યા હતા. પોતે જે અવરોધો સહન કર્યા હતા અને વિશેષ તો બંગાળમાં ઘૃણાસ્પદ રીતે થયેલા કોમી રમખાણો અને નરસંહાર જોયા હતા, તેના કારણે તેઓ નિરાશ્રિતોના મસીહા બન્યા હતા. નિર્ભિક વક્તા હોવાને કારણે સમર્થ રાજકારણીઓએ એમની ઉપેક્ષા કરી. આને કારણે ક્યારેક ભગ્નહૃદયી બન્યા, પરંતુ પોતાના દેશને ખાતર એમણે જીવન સમર્પિત કર્યું, જેનું વિસ્તૃત ચરિત્ર પ્રા.પ્રહલાદભાઈ છ. પટેલે 'મેઘનાદ સહા' નામથી લખ્યું છે.

ભારતીય વિજ્ઞાનીઓની પેઢીની એક વિશેષતા એ છે કે એણે શિક્ષણ તરીકે એવા શિષ્યો દેશને આપ્યા છે કે દેશના વિજ્ઞાનની તરક્કીને વધુને વધુ આગળ લઈ જાય. મેઘનાદ સહાએ દેશને આવા શિષ્યો આપ્યા. નદીઓનાં વહી જતા પાણીને કઈ રીતે સિંચાઈમાં ઉપયોગી લઈ શકાય એના આગ્રહી હતા. રાષ્ટ્રની અન્ય સમસ્યાઓના ઉકેલની ખોજ કરી અને તેઓ જૂની વિચારધારાને પડકારતા નિર્ભયતાથી કહેતા કે, 'તમારે તાત્કાલિક રેલ્વે સ્ટેશને પહોંચવાનું હોય તો તમે બળદગાડું મંગાવશો?'

એમણે દેશમાં મોટા પાયે ઔદ્યોગિકરણ કરીને ગરીબાઈનું નિરાકરણ લાવી શકાય તેમ દ્રઢપણે માનતા હતા. પ્રો.સહા કહેતા કે, 'વર્તમાન સંસ્કૃતિનો હાર્દ રૂપ શબ્દ વિજ્ઞાન છે. જો આપણે જીવવું હોય તો કુદરતી સામે બાથ ભીડવી પડશે. ઈતિહાસનો સૌથી મોટો અને મહત્ત્વનો સાર તો એ છે કે માનવ-જાતે રાષ્ટ્રીય ઉત્પાદન થકી નવોદિત ટેક્નોલોજીનો લાભ અવશ્ય લેવો જોઈએ. જો તેમ કરવાનું માણસ ચૂકશે તો તેનાં સ્વાતંત્ર્ય અને વ્યક્તિત્વને ટકાવવાની તક હાથથી જશે, ખાસ તો નવતર ટેક્નિક સામે અને સંઘર્ષના સમયે.'

આપણા દેશના દુર્ભાગ્યનો અહેસાસ ત્યારે થાય છે કે જ્યારે માત્ર બાસઠ વર્ષે મેઘના સહા દિવંગત થયા અને યુવાવયે ડૉ. હોમી ભાભા અને ડૉ. વિક્રમ સારાભાઈની દેશને તાતી જરૂરિયાત હતી ત્યારે તેઓએ વિદાય લીધી. અહીં બાઈબલનું એ વાક્ય યાદ આવે, 'ગુલાબ મરે છે અને કાંટા જીવંત રહે છે.'

પ્રસંગકથા

પગનો અને જીભનો વિચિત્ર રોગ 

ચારેબાજુ જોરશોરથી ચૂંટણીનાં પડઘમ અને નગારાં વાગતાં હતાં. વાતાવરણમાં ચોતરફ ઉત્તેજના હતી. પંડિત જવાહરલાલ નહેરુ ચૂંટણી પ્રચાર માટે દેશભરમાં ઘૂમી રહ્યા હતા. તેઓ નાનકડા ગામની નજીકથી પસાર થયા. ગામજનોએ જાણ્યું કે પંડિત જવાહરલાલ નહેરુ પસાર થવાના છે એટલે બધા રસ્તા પર ઊભા રહ્યા.

પંડિતજી તરફ પ્રજાનો પ્રેમ એટલો બધો કે લોકો રસ્તા પર આવી ગયા અને પંડિતજીને લઈ જતી મોટર અટકાવી. લાડીલા પંડિતજી એમને એમ પસાર થઈ જાય અને ગ્રામજનોને મળે પણ નહીં તે કેમ ચાલે ?

મોટર ઊભી રહી. પં. જવાહરલાલને ખૂબ ઉતાવળ હતી. બીજી બાજુ ગ્રામજનોના ઉત્સાહ આગળ એમની મોટરને થોભવું પડયું.

ગ્રામજનોએ કહ્યું, 'આપ અમારા ગામ પાસેથી પસાર થાવ અને આપ અમને કશું કહો નહીં તે કેમ  ચાલે? અમારી સાથે થોડી વાત તો તમારે કરવી જોઈએને!'

પંડિતજી બોલ્યા, 'મારે  આગળના ગામમાં પહોંચવાનું છે. થોડું મોડું થઈ ગયું છે. માટે જવા દો તો સારું.' પણ ગ્રામજનો એમ સાંભળે ખરા ? એ તો કહે, 'વધુ કંઈ નહીં પણ બે શબ્દ તો કહો.'

લોકનેતાને લોકમાગણી સામે ઝૂકવું પડયું.

પંડિતજીએ વિનોદી ઢબે ગામલોકોને કહ્યું, 'ભાઈઓ અને બહેનો, જુઓ, મને એક વિચિત્ર રોગ થયો છે. પગનો અને જીભનો  આ રોગ છે. પગના આ રોગને કારણે સતત દોડતો રહું છું અને જીભના રોગના કારણે સતત ભાષણ આપતો રહું છું. તમે બધા મારો આ રોગ વધારવા માગો છો ? રોગ વધશે તો મારી હાલત ઘણી ખરાબ થશે. આથી મારી તમને વિનંતી છે કે તમારા આ નેતાને વધુ ભાષણ કરતો અટકાવીને ભાષણીયા રોગમાંથી બચાવો.'

આમ કહી પંડિત જવાહરલાલ બંને હાથ જોડીને વિદાય થયા. ગ્રામજનો પોતાના લાડીલા નેતાની ચતુરાઈ પર ખુશ થયા.

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે ચૂંટણી જાહેર થતા દેશમાં ભાષણીયો રોગ ફાટી નીકળ્યો છે! નેતાઓ સતત ભાષણોનો મારો ચલાવે છે. કોઈ વિરોધપક્ષની ટીકા કરે છે, તો કોઈ આવતીકાલનાં મીઠાં વચનો આપે છે. કોઈ પક્ષ પેંતરા રચે છે અને તેમાં પાવરધા હોય તે ફાવે છે. નેતાઓનાં ભાષણો ઉપરાંત હવે તો ટેલિવિઝન પર આવતી ચર્ચાઓ અને એનો ઉશ્કેરાટ પ્રજામાનસને પક્ષપાતી બનાવે છે.

પણ ખેર! આ તો ચૂંટણીનો ખેલ છે. એમાં નેતા ભાષણીયા રોગનો શિકાર બને છે અને પ્રજા એમાં સચ્ચાઈ જાણવા સહભાગી બને છે.

Gujarat