For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખોટો વેશ ભજવનારા સાચું જીવન જીવી ગયા

Updated: Dec 21st, 2023

Article Content Image

- અમે સાચું રામરાજ્ય સ્થાપવા મેદાને પડીએ છીએ

- લક્ષ્મણે અને રામસેનાએ યુદ્ધ આદર્યું, પણ પળવારમાં બંને આગેવાનો ઘાયલ થયા ને જમીન પર ઢળી પડયા! આગેવાન જતાં નિરાધાર બની ગયેલી સેના ભાગી. અંગ્રેજ કલેકટરે એ બધા બળવાખોરોને ગિરફતાર કર્યા

- કૈસે કહે કિ અચ્છે લોગ મિલના હો ગયા મુશ્કિલ,

મિલા કરતે હૈ હીરે કોયલોં કી હી ખદાનોં મેં.

તરગાળા જ્ઞાતિના નાયક કોમના બે છોકરા. એકે માંડ વર્ષોની વીસી વટાવેલી અને બીજાને પણ વીસી વટાવવાને હજી વાર હતી. બંને જણા રામલીલા ચલાવે! ચોમાસાના દિવસોમાં કોઈ એક શહેરમાં રહીને અને આઠ મહિનાઓમાં ગામડે ગામડે ફરીને ખેલ કરે.

એ જમાનામાં એવી કહેવત હતી કે વાણિયામાં નાનો તે તરગાળામાં ઘરડો સાથીઓની સેવા ચાકરી કરે! વાણિયામાં ઘરડો માન પામે, ને તરગાળામાં નાનાની સહુ ખબર અંતર લે.

તરગાળાના આ બે છોકરાઓમાં એકનું નામ રામલો, બીજાનું નામ લખો. નામ પણ કેવા! જાણે રામ-લખમણની જોડ.

રામલીલા થાય, ત્યારે બંને ભાઈ રામ-લખમણના વેશ પણ અજબ રીતે ભજવે. જોનારા સહુ 'વાહ વાહ' કરે! એમના ખેલ જોવા મોટી ભીડ જામે!

ઈ.સ. ૧૮૫૭નું એ ક્રાંતિનું વર્ષ. અંગ્રેજોની બેસતી બાદશાહી. એ બાદશાહીનો રૂઆબ ભારે ઉપરથી સહુ અંગ્રેજોને આદરમાન આપે, પણ અંદરથી તિરસ્કાર કરે. પરાધીનતા ગમે તેટલી સારી હોય, પણ કોને સુખદ લાગી છે? વળી અંગ્રેજોની ખોરી દાનતનો સહુને ખ્યાલ આવી ગયો. ક્રાંતિનો આતશ જાગ્યો હતો.

કેટલાક નરવીરો ને વીરાંગનાઓએ વિચાર કર્યો, થતો રોગ અને ઊગતો શત્રુ બંનેને તરતમાં જ ડામવા સારા. પણ હિંદમાં બાર ભાયા ને તેર ચોકાનો ઘાટ હતો! અહીં જમવામાં ભેદ હતા, અડવામાં ભેદ હતા અને જીવતરમાં તો માણસ-માણસ વચ્ચે દક્ષિણ ધુ્રવ અને ઉત્તર ધુ્રવ જેટલું અંતર હતું.

ધર્મ મરી પરવાર્યો હતો, એની નનામી ઉપાડીને અંતિમક્રિયા ચાલતી હતી, છતાં દેશમાં સંજીવની આપનારા મોજુદ હતા. તેઓએ સંજીવની આપી. આઝાદીની રણભરી ગજાવી. કહ્યું કે, દેશ આઝાદ, તો ધર્મ આબાદ.

મરેલો મનાતો ધર્મ ખડો થયો. એણે એક ધર્મ અને બીજા ધર્મ વચ્ચેની ભીંતોને જમીનદોસ્ત કરી. હિંદુ-મુસ્લિમ એક થયા.

બંનેએ કમળ સૂંધ્યું અને સાથે બેસીને રોટી ખાધી, ને ક્રાંતિ જાગી ઊઠી. ઠેર ઠેર આઝાદીની આગ લાગી. ૧૯૫૮ની એ ક્રાંતિની આગની જ્વાળાઓથી આખુંયે આર્યાવર્ત ઘેરાઈ ગયું. ઝૂંપડી અને મહેલ બંનેએ આઝાદીની તમન્નાના આ આતશને સરખા આદરમાન આપ્યાં.

ઝાંસી, કાનપુર, અયોધ્યા, દિલ્હી સળગ્યાં. એના ધુમાડાઓ ને તણખાઓ દેશમાં ઠેર ઠેર પ્રસર્યા. ઝાંસી રાણીની કથાઓ જનસમુદાયમાં ગૂંજવા લાગી.

એક તણખો ઉડતો ઉડતો ગુજરાત આવ્યો અને એ તણખાનો તણખો પંચમહાલ જિલ્લામાં પ્રસર્યો.

દાહોદ ગામ ને ત્યાં રાતનો વખત. અહીં રામલીલા ભજવાતી હતી. રામે રાવણના નાશ માટે પ્રતિજ્ઞા લીધેલી - અયોધ્યા તો જ પાછો ફરું જો રાવણને સંહારુ, નહીં તો મારું મોં ન બતાવું!

આખો પ્રેક્ષક વર્ગ મંત્રમુગ્ધ બની રામ-રાવણના યુદ્ધની પ્રારંભિક દશાને નીરખી રહ્યો હતો, ત્યાં તબડક તબડક અવાજ સાંભળાયો.

લૂંટારા તો નહીં હોય! આવી આશંકાથી આખી માનવમેદની ઊભી થઈ ગઈ.

કોઈએ હથિયાર સંભાળ્યા, કોઈએ કુસ્તી માટે હાથને લાંબા-ટૂંકા કરી સજ્જ કર્યા! કોઈ હાથમાં લાકડી લઈને ઊભા થયા.

તબડાટી બોલાવતા ઘોડેસવારો નજીક આવી પહોંચ્યા અને જોરશોરથી બોલ્યા,'આ જૂઠા વેશને જાકારો આપો, બહાદુરો! સાચા વેશ સજો અને ઈતિહાસમાં નામ લખાવવા-અંગ્રેજ રાવણને કાઢવા સહુ કોઈ કમર કસો. આખો દેશ સળગી ઊઠયો છે. અંગ્રેજો પતંગિયાની જેમ એમાં હોમાઈ રહ્યા છે! ચાલો આગે બઢો! દેશને સ્વતંત્ર કરો!'

આ પડકારે ભલભલાનાં રૂવાં ખડાં કરી દીધાં! ચારેબાજુ જુસ્સો ફરી વળ્યો. બધા આતુર નજરે આશ્ચર્ય જોવા લાગ્યા. રામ અને લખમણ પોતાની કામગીરી મૂકીને આગળ આવ્યા, બંનેનાં હીર મહારથીઓને જોબ આપે તેવાં હતાં.

બાળક રામે રાજા રામચંદ્રના રૂઆબથી કહ્યું, 'અમે આ વેશે જ સ્વતંત્રતાની લડાઈમાં ઝુકાવી દઈશું. બોલો રાજા રામચંદ્રની જે! બોલો ભારત મૈયાની જે!'

માનવ મેદનીએ જયકાર ઝીલી લીધો. પછી લક્ષ્મણે ભયંકર પડકાર કરતાં કહ્યું, 'સાચું રામરાજ્ય સ્થાપવા અમે મેદાને પડીએ છીએ. હવે તો સહુને જીવ્યા મુઆના જુહાર છે. સહુ માડી જાયાઓ કરો કંકુના!' એવો પડકાર કર્યો. રામલીલા જોવા આવનારામાં નવી ચેતનાનો સંચાર થયો. વળી એક નવું અચરજભર્યું દ્રશ્ય નજરે પડયું!

તરત બે ઘોડાઓ હાજર કરવામાં આવ્યા. કસાયેલા સૈનિકની અદાથી બંને તેના પર સવાર થઈ ગયા.

'રામની સહાય કરવામાં શૂરાઓ મોં ન છુપાવે, ઘેર-ઘેરથી એક એક સપૂત સમરાંગણે ચઢે!' હનુમાનનો વેશ સજતા એક તરગાળાએ બાંધેલી પૂંછડી દૂર ફગાવી ભાલો ઉઠાવતાં કહ્યું.

થોડીવારમાં તો રામ-લક્ષ્મણની પાછળ ઠીક ઠીક સંખ્યા એકઠી થઈ ગઈ.

એક રજપૂતે આંગળી કાપીને રામ-લક્ષ્મણને ભાલે રક્તતિલક કર્યું ને કહ્યું, 'રામનો રાજ્યાભિષેક થઈ ગયો. હવે દ્યો નગારે ઘાવ!'

નગારે ઘા થયો અને 'શ્રી રામચંદ્રની જે' બોલાવતી સેના ઉપડી. આ નાની સરવાણીમાં ગામેગામથી સરિતાઓ ભળી, ને લોકસાગર સમર ક્ષેત્રે સંચર્યો. અંગ્રેજને હાંકી કાઢવા ગામ પરગામ પર ચઢાઈઓ શરૂ થઈ.

સૌ ગોધરા નજીકના ગામમાં ગયા. અહીં અંગ્રેજના નીમેલા તલાટી પોલીસ પટેલને મુખી રહેતા હતા.

રામે હુકમ કર્યો, 'તમામ ડિસમિસ! નવા રામરાજ્યમાં માનનારાઓની ભરતી કરો!'

બીજે ગામ ગયા, આખું ગામ વાણિયાનું!

રામે હુકમ કર્યો, 'પહેલાં કચેરી બાળો, મામલતદારની મૂંછ મૂંડી નાંખો અને વાણિયાઓને કહો કે રાવણ રાજ્યના જુના ચોપડા પૂરી કરી નાખો ને રામરાજ્યના નવા ચોપડા લખો! હું રામ છું, મારે પૃથ્વીને દેવામાંથી છોડાવવી છે.'

વાણિયા વખત વર્તી ગયા. ચોપડા ચોખ્ખા થઈ ગયા, દેવાદાર ચોપડાની કાળી દીવાલોમાંથી છૂટયા.

પછી એ ખેડૂતોના ગામમાં ગયા અને હુકમ કાઢ્યા.

'વજે અને વેરો હવે જૂના રાજને ભરવાનાં આથી બંધ થાય છે. નવું રાજ જરૂર પડે માગી લેશે. અમારી લડાઈ લાંબી ચાલશે. હોંશિયાર! તમામ ખેડૂતો ખેતર ખેડે. કોઈ ખેડુ ઘેર ન રહે.'

આખા પ્રદેશમાં રામ લખમણની એવી આણ વર્તી ગઈ કે અંગ્રેજનો કોઈ બચ્ચો ક્યાંય નજરે ન પડે! અમલદાર, તલાટી કે મુખી તો બિચારા જીવ બચાવવા ભાગી છૂટયા!

નવું રાજ સ્થપાયું નવાં ખાતાં ચાલુ થયાં. વજે-વેરો ઉઘરાવવો શરૂ થયો. સેનામાં ભરતી થવા લાગી. બધે આઝાદીનો ઉછરંગ વ્યાપી ગયો.

ભારતવાસીઓનો સ્વભાવ સંતોષી છે. થોડું મળ્યાના આનંદમાં એ બીજું બધું વીસરી જાય છે. ઉત્સવ ઘેલછા એમને ટાણે કે કટાણે ઉત્સવ ઉજવવા પ્રેરે છે!

રામરાજ્યની સ્થાપનાનો મોટો ઉત્સવ ઉજવાતો હતો, ને એક દિવસ દૂર દૂર ધૂળની ડમરી ઊડતી દેખાઈ. બધાએ માન્યું કે આવતા હશે કોઈ મહેમાનો રામ રાજાની સલામે!

સ્ત્રીઓ ગરબે ઘૂમી રહી. અરે, મહેમાનોને દાડમી દાંતણને પોઢણ ઢોલિયા આપો! પણ ત્યાં તો બંદૂકોના ભડાકા સાથે અંગ્રેજ સૈનિકો આવી પહોંચ્યા. પડછંદ પંજાબી ને શૂરવીર શીખોની પલટન આવી!

ઓ રાવણ આવ્યો! લંકાની સેના આવી!

તરત રામ સિંહાસન પરથી કૂદકો મારીને નીચે ઉતર્યા. એમણે ધનુષબાણ લીધાં ને તીરોની વર્ષા શરૂ કરી.

પાછળ લક્ષ્મણે અને રામસેનાએ યુદ્ધ આદર્યું, પણ પળવારમાં બંને આગેવાનો ઘાયલ થયા ને જમીન પર ઢળી પડયા! આગેવાન જતાં નિરાધાર બની ગયેલી સેના ભાગી. અંગ્રેજ કલેકટરે એ બધા બળવાખોરોને ગિરફતાર કર્યા.

થોડા વખતમાં લશ્કરી કોર્ટ ખડી કરવામાં આવી. રામ અને લખમણને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. પણ હજીયે તેઓના મન પર રામરાજ્યની સ્થાપનાનું ભૂત સવાર હતું. માફીની વાત તેઓની પાસે નહોતી.

કોર્ટે બંનેને ફાંસીની સજા કરી.

બે નાયક જુવાનોનો એ દિવસે સ્વાતંત્ર્યની વેદી પર ભોગ ધરાયો.

ઈતિહાસકારોએ ફક્ત એટલું જ લખ્યું, 'પંચમહાલમાં નાયકોને તોફાન મચાવ્યું, પણ તેઓ પકડાયા ને એમાંના ગુનેગારોને ફાંસીએ લટકાવ્યા.'

સ્વાધીનતા માટે પ્રાણ આપનારની પ્રશસ્તિ માત્ર આટલી!

પ્રસંગકથા

અસલી લાલ આંખ બતાવે 

કેટલાક મિત્રો સરોવર પાળે સહેલગાહે આવ્યા.

હોડી કાંઠે મૂકી આજુબાજુની ટેકરીઓમાં ફરવા લાગ્યા!

વખત ઠીક ઠીક વીતી ગયો. સૂરજ આથમ્યો. જવાય છે એમ વિચારી બધા ખેલ-રમતમાં પડયા!

અંધાર્યા ઉતર્યા. બધા મિજબાનીમાં ને કેફી પીણામાં પડયા.

બધા કહે, 'ભલે મોડું થાય, હવા સરસ છે. બે જણ હલેસાં લઈને બેસીશું કે સામે પાર.'

આખરે બધા હોડી પાસે આવ્યા ને હોડીમાં કૂદી પડયા.

બે મજબૂત માણસોએ હોડીને હલેસાં મારવા લાગ્યા, પણ હોડી જરાય આગળ વધે નહીં.

બીજા બે આવ્યાં. ખૂબ હલેસા માર્યા પણ હોડી હતી ત્યાંની ત્યાં રહી.

આખી રાત બધા મથ્યા.

એમ કરતાં સવાર પડી. અજવાળામાં જોયું તો હોડી કિનારા સાથે દોરડાથી મજબૂત બાંધેલી હતી.

સહુ કહે, 'અરે! આપણે દોરડું છોડવાનું જ ભૂલી ગયા અને આખી રાત ફોગટ મહેનત કરી.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આખો દેશ અસલીને બદલે નકલીથી ચાલે છે. અહીં દૂધમાં ભેળસેળ થાય, ઘીમાં ભેળસેળ થાય, અનાજમાં ભેળસેળ થાય, હોટલની વાનગીમાં ભેળસેળ થાય, દવામાં ભેળસેળ થાય, આમ બધે જ ભેળસેળનું સામ્રાજ્ય જામી ગયું છે. નફાની લાલચમાં અપ્રામાણિક લોકો સામી વ્યક્તિના આરોગ્ય અંગે આંખમીચામણા કરે છે.

આવી જ એક ભેળસેળ નકલી કચેરીઓ, નકલી કર્મચારીઓ, નકલી ટોલનાકાઓ અને નકલી અધિકારીઓને કારણે થાય છે. એટલા બધા નકલી લોકો નીકળ્યા કે હવે એ અસલી છે કે નકલી, એ શોધવો પ્રજાને મુશ્કેલ બની જાય છે. આ નકલી લોકો મોટો ભપકો રાખીને પ્રજા પાસેથી પૈસા પડાવે છે. સરકારે હવે આ નકલી સામે અસલી લાલ આંખ બતાવવાની જરૂર છે.

Gujarat