mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દેશ, ધર્મ અને કલાની સીમાઓને પાર પ્રગટે છે કબીર

Updated: Jun 20th, 2024

દેશ, ધર્મ અને કલાની સીમાઓને પાર પ્રગટે છે કબીર 1 - image


- સાવ સાદા લિબાસમાં પ્રગટયું આત્મબોધનું પરમ સત્ય 

- સંત કબીર

- છુપાકર દિલ મેં ખામોશી તુઝે તન્હા બહુત દેખા,

વતન કી ફિક્ર મેં ચહેરા તેરા સહમા બહુત દેખા.

ભારતીય સંત પરંપરાનું પરમ આશ્ચર્ય એટલે સંત કબીર. કોઈ ધર્મ કે સંપ્રદાયની સીમામાં બાંધી શકાય નહીં, તેવા અસીમ છે કબીર. બાહ્ય ઘટનાઓ, લોક ગણતરીઓ, સાંસારિક વ્યવહારો, બાહ્યાચારો કે શાસ્ત્રોનાં વચનોમાં ન એમને બાંધી શકાય કે ન પામી શકાય.

આગામી ૨૨મી જૂન, શનિવારે કબીરજયંતિ આવે છે. વિ.સં. ૧૪૫૫ની જયેષ્ઠ પૂર્ણિમાએ કબીરનું પ્રાગટય થયું, કારણ કે કાશીમાં વસતા વણકર દંપતી નીરુ અને નીમાને લહરતારા નામના તળાવ પર ગયાં હતાં, ત્યારે એક બાળક રડતું હોય એવો અવાજ સાંભળ્યો અને તેઓ એને ઘેર લઈ આવ્યા અને એનું પાલન-પોષણ કર્યું, ત્યાં મુસલમાનના એમના પ્રાગટયએ જ હિંદુ- મુસલમાનની ધાર્મિક સંકીર્ણતા અને સાંપ્રદાયિક દીવાલોને ધ્વંસ કરી નાખી. તેઓ એક ધારાના સંત નથી, પણ ધર્મોના ભેદભાવોથી અને સઘળી સાંપ્રદાયિક્તાથી ઉફરા ચાલનારા સંત છે. ન સંપ્રદાયની દીવાલ, ન ધર્મની કે ન અમીર-ગરીબ કે ન ઊંચ-નીચનો કોઈ ભેદ કબીરને સ્પર્શે છે.

કબીરનો અર્થ છે મહાન, પણ હકીકતમાં એમની મહત્તા એ અનોખી મહત્તા છે. એ રામ, બુદ્ધ કે મહાવીરની માફક તેઓ કોઈ રાજવંશી નહોતા, મહેલોમાં વસનારા નહોતા. એમનો જન્મ તો એક સામાન્ય ઘરમાં થયો, આથી રાજવૈભવનો ત્યાગ કરવાની એમને જરૂર નહોતી. સામાન્ય રીતે સમૃદ્ધિ, સંસાર કે પદનો ત્યાગ કરવાની જરૂર હોય છે, એના પ્રત્યેનું મમત્વ છોડવાની જરૂર હોય છે. કબીર પાસે મમત્વ જેવું કશું હતું જ નહીં. એટલે કબીરે ન તો. વૈભવ છોડયો, ન તો સંસાર છોડયો. એમના આત્મબોધને આવાં કોઈ આવરણો ત્યજવાની જરૂર નહોતી. ન તો એ અવતાર હતા કે ન તો એ ઈશ્વરપુત્ર અને એને પરિણામે જેમ અવતાર કે ઈશ્વરપુત્રને કોઈ ધર્મ સાથે જોડવામાં આવે છે, એવું કોઈ ધર્મનું બંધન નહોતું.

ભીતર-બહાર સંપૂર્ણ વ્યક્તિત્વ લઈને આવેલાં સંત કબીર વિશે સંશોધન કરનારા ડો. હજારી પ્રસાદ દ્વિવેદીએ પોતાના વિસ્તૃત સંશોધન પછી નિષ્કર્ષ કાઢયો છે કે એક-બે પેઢી પૂર્વે જ એમનો પરિવાર હિંદુમાંથી મુસલમાન બન્યો હતો, આથી આ પરિવારમાં હિંદુ સંસ્કારો પણ વિદ્યમાન હતા અને આથી જ કબીરસાહેબ મુલ્લાઓ અને બ્રાહ્મણ પુરોહિતો બંનેની વાર્તાથી સહેજે પ્રભાવિત થતા નથી. પિતા વણકર હતા એટલે કબીર સાહેબને કપડાં વણવાનું કામ મળ્યું. લોકો કામને આધારે કિંમત આંકે છે અને માણસને નાનો-મોટો ગણે છે, ત્યારે સંત કબીરને સ્વયં વણકર હોવાનું ગૌરવ હતું. ભોજન, વસ્ત્ર અને આવાસ એ ત્રણે બાબતો આ વ્યવસાયથી પૂરી થઈ હતી, આથી જ કબીરનો ઉદ્યમ એ વર્ણવ્યવસ્થાનો ભંગ કરે છે. એ વસ્ત્રો વણીને પોતાનું જીવન વ્યતીત કરે છે.

વળી, સંત જ્ઞાાની હોવો જોઈએ, મહાપંડિત હોવો જોઈએ, મહાજ્ઞાાની હોવો જોઈએ એવી માન્યતાની સામે નિરક્ષર અને અક્ષરની બહાર રહીને પરમાત્માને પ્રાપ્ત કરતા કબીર જેમ અખો કહે છે તેમ બાવન અક્ષર છોડયા પછી 'ત્રેપનમો જાણે પાર' એ ત્રેપનમાં અક્ષરને ઓળખનારા છે. અખાએ કહ્યું કે એની વાત 'કાગળ મસે ન જાયે લખ્યો' જેવી છે. તો એથીયે વિશેષ કબીર કહે છે કે એમણે તો ક્યારેય હાથથી કાગળ કે સહીને સ્પર્શ કર્યો નથી. 

કબીરને વર્ણવવા માટે કોઈ વિશેષણ ન ચાલે. કોઈ પદ કે પદવી નહીં અને કોઈપણ વિશેષણ વગરની મહાનતા એ જ કબીરની મહાનતા છે. કબીરનાં સાધના-સ્થાનો પણ કયાં? કોઈ વન કે જંગલ નહીં, કોઈ એકાંત ગુફા નહીં, કોઈ આશ્રમમાં પલાંઠી લગાવીને બેસવાની વાત નહીં, હિમાલયનાં ઉત્તુંગ શિખરો પર કોઈ ભ્રમણ નહીં. એમને તો વણાટકામ કરતાં કરતાં આત્મબોધનો અનુભવ થયો. ભૌતિક જગતની વ્યર્થતાનો અનુભવ પામવો કઠીન છે, જ્યારે કબીરને તો એવો અનુભવ હાથવેંતમાં હતો. એ ગ્રંથોથી શિક્ષા પામેલા નહોતા, જ્ઞાાનના ભારથી ઝૂકેલા નહોતા. તેથી એમની પાસે આત્મબોધનું પરમ સત્ય ઊભું હતું અને એ પણ સાદાઈના લિબાસમાં. આવું પ્રાગટય જ કબીરને 'કબીર' - મહાન બનાવે છે.

કબીરને પામવા માટે કોઈ ધર્મસ્થાનકમાં જવું પડતું નથી. રસ્તે ચાલો કબીર મળે અને આત્મબોધનો અનુભવ થાય. કબીર મહાન છે, કારણ કે એમની પાસે સહુ કોઈને સહજતાથી સમજાય એવી ભાષા છે. એ ભાષામાં પણ કોઈ ગંભીર ઉપદેશના સ્પર્શને બદલે ક્યાંક સંબોધન છે, તો ક્યાંક આનંદસ્પર્શ છે. ક્યારેક 'એ સુનો ભાઈ સાધુ' કહે, તો ક્યારેક 'કબીરા ખડા બજાર મેં' એમ કહીને અનુભવવાણી રજૂ કરે છે. સંત કબીર લોકમાનસમાં અને લોકવાણીમાં આજે પણ જીવે છે અને કેટલીય કોમમાં એ માનવીય સ્વરૂપે અને માનવભાવે જળવાયા છે. એમણે ધર્મ અને સંપ્રદાય વચ્ચેની ભીંતોને જમીનદોસ્ત કરી નાખી, તો સામાજિક વિરોધની પરવા કર્યા છતાં એના કુરિવાજો પર પ્રહાર કર્યા. જાતિવ્યવસ્થાની પોકળતા ખુલ્લી પાડી, વર્ણવ્યવસ્થાને નામે ચાલતા દંભ અને આડંબર પર પ્રહાર કર્યો. હિંદુ અને મુસલમાન જેવા ભેદોનો ઇન્કાર કર્યો અને ધર્મસ્થાનોમાં ગોંદાયેલા ધર્મને બહાર લાવી માનવવેદના વચ્ચે એને સ્થાન આપ્યું. અસ્પૃશ્યતામાં માનતા લોકો પર ઉપહાસ કર્યો.

કલ્પના કરીએ કે કબીર સાહેબની રામનામની વાત એમના પિતા નીરુ અને માતા નિમાને કેવી લાગતી હશે? ઈસ્લામયુગમાં મુસલમાન કબીર રામની વાત કરે, ગોવિંદનું સ્મરણ કરે અને હરિની ઓળખ આપે, ત્યારે ચોપાસ કેવો ધરતીકંપ સર્જાયો હશે! ધાર્મિક કટ્ટરતાની સામે કબીર એ પ્રચંડ ક્રાંતિનો અવાજ છે. સૌથી વિશેષ વાત તો એ છે કે સંત કબીરે જેમ હદ અને બેહદની પારની વાત કરી છે, એ જ રીતે આજે સંત કબીરનું જીવન અને કવન માત્ર દેશમાં જ નહીં, પણ અનેક દેશોમાં કેટલાય ધર્મોમાં અને કેટલીય કલાઓમાં પ્રગટયું છે. હિંદુ ધર્મએ કબીર અને કબીરપંથને અપનાવ્યો છે. શીખ ધર્મમાં એ એક 'ભગત' તરીકે ઓળખાય છે અને 'ગુરુગ્રંથ સાહિબ'માં એમની ઘણી કવિતાનો સમાવેશ થયો છે. ભારતની ઇસ્લામિક વિચારધારામાં, કવ્વાલીમાં અને સ્થાપત્યમાં પણ કબીર જોવા મળે છે. ઉત્તરપ્રદેશના મગહરમાં આવેલો એમનો રોજો સ્થાપત્યની એક વિરાસત છે.

૧૯મી સદીના મિશનરીઓએ ખ્રિસ્તી ધર્મના વિચારોની સાથોસાથ એમની સાખીઓમાં સામ્યને જોયું અને એમ પણ કહ્યું હતું કે ખ્રિસ્તી ધર્મના પ્રભાવની નીચે તેમણે આ રચનાઓ કરી હશે! કબીરના બૌદ્ધો-સિદ્ધોના વિચારો વિશે સંશોધકોએ ઘણું કામ કર્યું છે, તો જૈન ધર્મમાં મહાયોગી આનંદધનનાં પદો સાથે કબીરની કવિતાની તુલના કરવામાં આવી છે. યોગી આનંદયનનો 'જૈન કબીર' તરીકે ઉલ્લેખવામાં આવે છે. કબીરનો હિંદુઓ સિવાય કરેલો ઉલ્લેખ પારસીઓના 'દબિસ્તાન- એ-મઝાહિબ'માં મળે છે. એક અર્થમાં કહીએ તો કબીર સ્થળ અને કાળને ઓળંગી ગયા છે. મહારાષ્ટ્રથી બંગાળ સુધી બધે જ કબીરની કવિતાઓ મળે છે. આધુનિક વાચકો અને શ્રોતાઓ આજેય કબીરથી મંત્રમુગ્ધ થાય છે. કબીરનો એકપાત્રી અભિનય ઠેર ઠેર થાય છે. મુંબઈના હવાઈમથક પર ગુલામ મોહમ્મદ શેખના મ્યુરલમાં પણ કબીર જોવા મળે છે.

કબીરનાં કાવ્યોમાંથી પ્રેરણા મેળવીને ઘણા નીવડેલા અને નવોદિત કવિઓએ કાવ્યરચનાઓ કરી છે. મોનિકા હોસ્ટમનનું ‘Images of Kabir'  પુસ્તક એક આગવા અભિગમ સાથે કબીરની કવિતાની સમૃદ્ધિ અને વૈવિધ્ય દર્શાવે છે. કબીરનાં પ્રારંભિક કાવ્યોની ચર્ચા કરતાં પુસ્તકો મળે છે, તો એની સાથોસાથે એને વિશેની દંતકથાઓ અંગેના અભ્યાસગ્રંથ પણ મળે છે.  શબનમ વિરમાણીએ 'કબીર પ્રોજેકટ' દ્વારા ભારત અને પાકિસ્તાનના કબીરનાં પદોના ગાયકોને એકત્રિત કર્યા છે. લેખક અને અભ્યાસી પુરૂષોત્તમ અગ્રવાલે કબીરને આધુનિક સમય સંદર્ભમાં બતાવ્યો છે. સંશોધક પીટર ફિન્ડલેન્ડરે બતાવ્યું છે કે ક્ષિતિમોહન સેનને કારણે રવીન્દ્રનાથ ટાગોર કબીરથી પ્રભાવિત થયા હતાં. સંશોધક જેક હાવલે કબીરની હસ્તપ્રતોનો વૈષ્ણવ પશ્ચાદ્ભૂમિકા સાથે અભ્યાસ કરી રહ્યા છે. 

થોમસ દ બુ્રજીને કબીરની કાવ્યભાષાનો અભ્યાસ કર્યો છે, એવી જ રીતે વિનય ધારવડકર અને અરવિંદ ક્રિષ્ના મલ્હોત્રા પાસેથી કબીરની કવિતાના સુંદર અનુવાદો મળ્યા છે. ચીની અને હંગેરી ભાષામાં કબીરનાં કાવ્યોનો અનુવાદ થયો છે. 'કબીર : જીવન અને દર્શન','સંત કબીર અને એમના ઉપદેશ' તથા 'બીજક' (ભા.૧-૨), 'કબીર અમૃતવાણી' જેવા ગ્રંથોના રચયિતા સંત શ્રી અભિલાષ દાસજીએ એમના ગ્રંથોમાં સંત કબીરને પામવાનો અને મૂલવવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. કબીર વિશે પાયાનું કામ કરનાર શ્યામસુંદર દાસ, હજારીપ્રસાદ દ્વિવેદી અને માતાપ્રસાદ ગુપ્તને કઈ રીતે ભૂલી શકાય? જેઓએ કબીરનાં કાવ્યોને વૈશ્વિક અને એકેડેમિક સંવાદનું માધ્યમ બનાવ્યો.ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કબીરના પ્રારંભકાળના 'બીજક'ની સમયનોંધ સહિતની હસ્તપ્રત ઓનલાઇન મૂકી છે. આ રીતે જુદી જુદી કલાઓમાં અને ભિન્ન ભિન્ન દેશોમાં કબીર ફરી બોલી રહ્યો છે !

પ્રસંગકથા

ભ્રષ્ટાચારીઓની ધનની ઉજાણી એટલે નિર્દોષનાં કરુણ મોત 

જુગારના અડ્ડા પર પોલિસે દરોડો પાડયો. જુગારખાનામાં ચાર

જુગારીઓ બેઠા હતા. એમની પાસેથી પત્તાની જોડ, ડાયરી વગેરે મળ્યાં.

પોલિસે તપાસ શરૂ કરી. એક પછી એક વ્યક્તિની જડતી લેવામાં આવી. એણે પહેલા જુગારીને પૂછયું:

'બોલો, તમે અહીં શું કરતા હતા.'

પહેલા જુગારીએ કહ્યું, 'અરે, હું તો ફરતા ફરતા. અરે! જરા લટાર મારતા અહીં આવી ચડયો હતો. હું કંઈ જુગાર નહોતો રમતો. હું તો માત્ર અહીં બેઠો હતો.'

પોલિસે બીજા જુગારીને ધમકાવતા પૂછયું, 'બોલો, તમે અહીં કાયદાની વિરુદ્ધ જુગાર શા માટે રમતા હતા?'

બીજા જુગારીએ કહ્યું, 'આપની ભૂલ થતી લાગે છે. હું તો આ શહેરમાં સાવ નવો આવ્યો છું અને તદ્દન અજાણ્યો છું. ગામમાં જાણીતો હોય એ કદાચ કાયદાની વિરુદ્ધ વર્તવાનો વિચાર કરે. મારા જેવો અજાણ્યો આવું કરે જ નહીં ને.'

પોલિસે ત્રીજા જુગારીને સવાલ પૂછયો, 'સાચેસાચું કહી દો, તમે અહીં જુગાર રમતા હતા ને?'

ત્રીજા જુગારીએ જવાબ આપ્યો, 'ના જી. હું તો અહીં મારા મિત્રની રાહ જોઈને બેઠો હતો.'

આખરે પોલિસે ચોથા જુગારીને કહ્યું, 'ખેર, તમે તો જરૂર જુગાર રમતા હશો? આ પત્તાની જોડ પણ તમારી નજીકથી મળી છે.'

ચોથા જુગારીએ કહ્યું, 'શું હું જુગાર ખેલતો હતો? હું એકલો તો કેવી રીતે જુગાર રમું? સાથી વગર પત્તા રમાય નહીં, ત્યાં વળી જુગાર રમવાની વાત ક્યાંથી આવે? મને આવો સવાલ કરો છો ? તમે ય ખરા છો ને!'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આપણે ત્યાં કોઈપણ હોનારત થાય, મોટી જાનહાનિ થાય, નિર્દોષ અને લાચાર લોકો પ્રાણ ગુમાવે, ત્યારે ગુનેગારો પોતાની જાતને છુપાવવા આબાદ તરકીબ અજમાવે છે. દરેક દોષનો ટોપલો બીજાને માથે મૂકે છે. પછી તંત્ર એની ધીમી ગતિએ તપાસ કરે છે. હોનારતનાં જવાબદાર લોકો એમાંથી છટકી જાય છે.

તાજેતરની હોનારતોમાં નિર્દોષોનાં લોહી રેડાયા છે, એની પાછળનું કારણ ભ્રષ્ટાચારી તંત્ર છે. કાયદાની સહેજે તમા કર્યા વગર લાંચ-રૂશ્વતથી ચાલતા આખાય કારોબાર સામે કશી લાલ આંખ થતી નથી. ગુનાખોરોને એવી નશ્યત થતી નથી કે જેથી સમાજને બરાબર એવો સબક મળે કે ભ્રષ્ટાચાર કરનારને અંતે ભોંય ભેગા થવું પડે છે! આવો સતયુગ ક્યારે આવશે?

Gujarat