mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મારા હૃદયની વેદનાની મારા હોઠને ખબર નથી

Updated: May 16th, 2024

મારા હૃદયની વેદનાની મારા હોઠને ખબર નથી 1 - image


- રખડુ, દરિદ્ર, મનમોજી યુવક નિષ્ઠુુર દુનિયાની આપખુદી સામે માનુષી તાકાતથી ઝઝૂમે છે 

- ચાર્લી ચેપ્લિન

- જરૂરત ક્યા મેરે અશ્કોં કો લફઝોં કે સહારે કી,

કિ અક્સર આંસુઓંને માજરે દિલ કે સુનાયે હૈ.

'હું નાગરિક નથી, મારે નાગરિકતાના પેપર્સની જરૂર નથી, એ અર્થમાં હું કોઈ એક દેશનો દેશભક્ત નથી, પરંતુ હું સમગ્ર માનવતાનો પૂરેપૂરો પ્રેમી છું, હું એક વિશ્વ નાગરિક છું.'

૧૯૪૨માં ફાસીવાદ વિરોધી કલાકારોનાં સંમેલનમાં ચાર્લી ચેપ્લિનનાં આ કથનોએ વિશ્વભરમાં વિવાદનો પ્રચંડ વંટોળ જગાવ્યો હતો.

હકીક્ત એ પણ છે કે કોઈ પણ માનવદ્રોહી વ્યવસ્થાની વિરુદ્ધની લડાઈનો પ્રારંભ કલાના ક્ષેત્રમાં થતો હોય છે. કલા એ માનવીના અંતરાત્માની અભિવ્યક્તિ છે. એ મુક્ત અભિવ્યક્તિનું ગળું ટૂંપવામાં આવે તો કલા દ્વારા એ અભિવ્યક્તિ પામે છે. એ રીતે ચાર્લી ચેપ્લિને એક બાજુ મૂડીવાદી વ્યવસ્થાનો વિરોધ કર્યો, તો બીજી બાજુ હિટલરના ફાસીવાદના પાયા હચમચાવી મૂક્યાં.

એમ કહેવાય છે કે હિટલર અને એના મિત્ર દેશોની સેના અથવા તો સમાજવાદી સોવિયેટ યુનિયન વિશ્વયુદ્ધના અંતે પરાજિત થયું, તે પૂર્વે એને ચાર્લ્સ સ્પેન્સર ચાર્લીએ પોતાના કલા-કસબથી પરાજિત કર્યું હતું. એણે હિટલર પર 'ધ ગ્રેટ ડિક્ટેટર' નામની ફિલ્મ બનાવી. અગાઉ મૂંગી ફિલ્મોથી વૈશ્વિક ખ્યાતિ મેળવનાર ચાર્લી ચેપ્લિને આ ફિલ્મમાં આ જગતના સૌથી તાકાતવાન સરમુખત્યારનું આલેખન કર્યું અને તેને પરિણામે એ સમયે નાઝીવાદથી પરેશાન અને નાઝીવાદને નફરત કરનારા લોકોની પીડાને ચાર્લી ચેપ્લિને પોતાની આ બોલતી ફિલ્મ દ્વારા'અવાજ' આપ્યો હતો! અનેક દેશોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એમ કહેવાય છે કે હિટલરે કેટલીયે વાર એકલા બેસીને આ ફિલ્મ જોઈ હતી, પરંતુ એ જોઈને એ હસી શક્યો નહોતો અને અંતે વિશ્વયુદ્ધનાં મેદાનમાં પણ એ હારી ગયો.

ચાર્લી ચેપ્લિને પોતાની ફિલ્મમાં કોમેડીને એક નવી ઊંચાઈ આપી. એનું ટ્રેમ્પનું પાત્ર ભૂખ્યા, બેકાર, આમ આદમીની જિંદગીને બતાવે છે. ચાર્લી  ચેપ્લિન સામાન્ય માણસની ટ્રેજેડીને કોમેડીમાં બદલવાની અદ્વિતીય કુશળતા દર્શાવે છે. ટ્રેજેડીને કોમેડીમાં પરિવર્તિત કરવી એ આસાન કામ નથી, પણ એક નિર્મમ યુદ્ધ છે અને એ યુદ્ધ એ જ લડી શકે છે કે, જે ચેપ્લિનની જેમ મૂડીવાદી નિયતિની સામે અવાજ ઉઠાવે. એનો ટ્રેમ્પ ઠીંગણો, લાંબા રસ્તા પર કઢંગી રીતે ચાલતો, એકલવાયો આદમી છે. આ વાંકોચૂંકો રસ્તો ક્યાં પહોંચશે એનો કોઈ ખ્યાલ નથી. આમેય જિંદગીની રફતાર તો આવી જ છે ને? એ ઠીંગણો માણસ વાંકાચૂંકા, ખરબચડા રસ્તા પર ઉત્સાહથી જીવનનો ડ્રાફ્ટ દોરતો જાય છે. એનાં ચિત્રોમાં વૃદ્ધ કે વિકલાંગની મજાક પણ આવે છે, પરંતુ અગાઉની ફિલ્મની રીતરસમો સામે વિદ્રોહ કરનાર ચેપ્લિને એના એક ચલચિત્રના પ્રારંભમાં એક રમકડાંની દુકાનમાં પક્ષાઘાતને કારણે જેનાં આંગળાં ધુ્રજી રહ્યાં છે એવા વૃદ્ધને દુકાનમાં બેઠેલો દર્શાવ્યો છે. ચેપ્લિન આ દુકાનમાંથી નાનું 'ડ્રમ' લઈને વૃદ્ધ દુકાનદારના ધૂ્રજતા આંગળા નીચે મૂકે છે અને ડ્રમ વાગવા લાગે છે.

આ દ્રશ્ય સમયે દર્શકો સહેજે ક્ષોભ વિના મુક્ત હાસ્ય કરે છે, કારણ કે ચેપ્લિન તર્કબદ્ધ રીતે ઘટનાને સાંકળે છે તેમાં પ્રેક્ષક તલ્લીન થઈ જાય છે. એ કહે છે કે જે બને છે તે બનતા બનાવોને લીધે બને છે. એ ક્ષણે એ જ બનવું જોઈએ, એવી બનાવની સાંકળ રચાય છે. આથી પ્રેક્ષકો માને છે કે આ વામન આદમી પ્રેક્ષકની લાગણી દુભવવા અશક્ત છે અને એ જ રીતે એ અન્ય પ્રત્યે ક્રતા દાખવા અસમર્થ છે. એ જે કાંઈ કરે છે, તે સ્વયં બુદ્ધિથી કરતો નથી. કરવાનું હોય છે એટલે કરે છે, આથી બનાવો એને જેમ દૌરી જાય છે, એમ એ દોરાતો રહે છે, એથી એ સારા-નરસાથી પર છે.

ચાર્લી ચેપ્લિનની ચાલવાની રીત અનેક અદાકારો માટે તાલીમશાળા બની ગઈ. એમાં કેટકેટલા ધ્વનિ અને કેટકેટલી શૈલી જોવા મળે છે! એ ચાલતા ચાલતા ખભા ઉછાળે છે ત્યારે, નસીબની વાગતી ઠોકરો પ્રત્યેની એની લાપરવાહી સૂચવે છે. પ્રારબ્ધ ફળે કે ન ફળે, એની ઝાઝી પરવા કરતો નથી. સ્વતંત્ર મિજાજે મસ્ત આ આદમી ભયને નમવાનું શીખ્યો નથી એને તેથી જ 'ડરવું નહીં અને યુદ્ધ કરવું સર્વદા' એ એનો મુદ્રાલેખ લાગે છે. હાથમાં વીંઝાતી સોટી અને પગનું ચાપલ્ય લહેરીલાલાના મિજાજને દર્શાવે છે. આ બધી બાબતો ચેપ્લિનના વ્યક્તિત્વની અભિવ્યક્તિ કરે છે અને એ જ એના હાસ્યરસની ઉત્પત્તિનું કારણ છે.

એના પાત્રમાં વિરોધી ગુણોની કેવી વિલક્ષણતા પ્રગટે છે! એ ઠીંગણો આદમી વિચારે છે કે આમ કરવાથી બીજાને હરાવીને પોતે ફાયદો મેળવી શકશે. એ આને માટે પ્રયાસ કરે છે, પણ જો એમાં નિષ્ફળ થાય તો એની ઉદ્ધતાઈ નિર્માલ્યતામાં પરિવર્તિત  થઈ જાય છે. આ રીતે એનું પાત્ર કાં તો મસ્ત હોય છે અથવા તો સાવ રાંક હોય છે. કાં તો શાહોનો શાહ હોય છે. નહીં તો બદતમીઝ ગુલામ હોય છે, પરંતુ એ બરોબરીયો તો ક્યારેય હોતો નથી. આ રીતે એના પાત્રમાં ક્યાંય મધ્યમ સ્થિતિ હોતી નથી. આ પાત્ર પોતાની વેદના, પોતાને પડેલ ઘા, સફળતા અને નિષ્ફળતા અદ્ભુત સફાઈથી વ્યક્ત કરે છે. નિષ્ફળતાના વિપુલ ઢગ વચ્ચે એ સફળ થવા માટે સતત પ્રયત્નોે કર્યેે જ જાય છે.

આમ ચાર્લી ચેપ્લિનનું પાત્ર દુનિયાના માનવીઓથી અનોખું છે. આ જગતમાં એને માટે કોઈ સ્થાન નથી અને તેને કોઈ સ્થાન જોઈતું પણ નથી. આમ છતાં આવું સ્થાન પ્રાપ્ત કરવા એ મરણિયો પ્રયાસ કરે છે અને આ જ વિધિની વિચિત્રતા તરફનું માનવીનું હાસ્ય છે! એનો આ આશાવાદ જડતામાંથી આવ્યો નથી, પરંતુ એને બનાવોની વિચિત્રતામાં શ્રદ્ધા છે તેથી જ પોતાના પ્રયત્નોમાં નિષ્ફળ જાય, તો ય એ હતાશ થઈને બેસી રહેતો નથી. 

એની એક ફિલ્મમાં એને સુવા માટે આરામદાયક જગા મળી જતાં એ ઉત્સાહ અનુભવે છે. એ જગ્યા છે બગીચાનો બાંકડો. આ બાંકડા પર ગુલાબી મિજાજથી પગ લંબાવી અખબારનું પાનું ઓઢી લઈ, નિરાંતે સૂવા જાય છે. ત્યાં પોલીસ એને ઉઠાડીને હાંકી કાઢે છે. ત્યાંથી એ ભાંગેલા તૂટેલા કચરા તરીકે ફેંકાયેલા પાટિયાના ઢગલામાં અડ્ડો જમાવે છે - વસ્લની રાત્રે માશૂક સાથે આશિક સૂતો હોય એવી છટાથી! અહીં સૂતો હોય છે, ત્યાં પોલીસ આવી એને હટાવે છે. વિના વાંકે જેલના સળિયા પાછળ ધકેલી દે છે. આ રીતે ચાર્લી ચેપ્લિનની ફિલ્મમાં વિધિની વક્રતા સાથે કરુણાની છાંટ પણ અનુભવાય છે. રખડુ, દરિદ્ર, બેઘર, દુઃખી પણ મનમોજી યુવક નિષ્ઠુર દુનિયાની આપખુદી સામે માનુષી તાકાતથી લડતો રહે છે અને તે જ ચાર્લી ચેપ્લિનની ઘણી કથાઓનું કેન્દ્રબિંદુ છે.

ચાર્લી ચેપ્લિનના જીવનમાં પણ આવી કેટલીય ઘટનાઓ બની હતી. એનાં વિધાનોએ વિવાદ સર્જ્યો હતાં. એનાં સાહજિક દ્રશ્યોેમાંથી કેટલાયે ગેરસમજ ઊભી કરી હતી. ઈટલી અને જર્મનીમાં એની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને એના પર સામ્યવાદી હોવાનો આરોપ પણ મૂકાયો હતો, આમ છતાં આ કલાસ્વામી આજે પણ અ-દ્વિતીય છે.

ચાર્લી ચેપ્લિને માત્ર પાંચ વર્ષની ઉંમરથી સ્ટેજ પર અદાકારી દાખવી હતી. એની પાછળ એના જીવનની એક ઊંડી પીડા છુપાયેલી છે. એ પાંચ વર્ષનો હતો ત્યારે તોફાની સૈનિકોની ભીડની સામે એની માતાનો અવાજ ચાલ્યો ગયો, ત્યારે આયોજકોએ ચેપ્લિનને એની માતાની જગાએ ગાવા માટે મોકલ્યો હતો. પાંચ વર્ષના ચાર્લીએ 'જેક જ્હોન્સ' નામનું એક લોકપ્રિય ગીત પ્રસ્તુત કર્યું અને દર્શકોએ ખૂબ પસંદ કર્યું. એના પર નાણાંનો વરસાદ વરસ્યો. આ ચાર્લી ચેપ્લિન સામ્યવાદી વિચારધારા ધરાવતો હોવાની શંકાથી અમેરિકાએ એને નાગરિકત્વ આપ્યું નહોતું. અમેરિકામાં ચાલીસ વર્ષ રહ્યો, છતાં એને અમેરિકાનું નાગરિકત્વ મળ્યું નહીં. બલ્કે તેને દેશ છોડવાનું કહેવામાં આવ્યું હતું. 

આ ચાર્લી ચેપ્લિન મૂક ફિલ્મોનો બાદશાહ હતો. હાસ્ય-અભિનેતા, દિગ્દર્શક, લેખક, નિર્માતા અને સંગીતકાર જેવી અનેક જુદી જુદી જવાબદારીઓ એણે કુશળતાથી બજાવી હતી, પણ એ સહુમાં એણે રમૂજી પાત્ર તરીકેની એની અદાકારીએ આ ક્ષેત્રને એક નવી ઊંચાઈ આપી. કોમિક એક્ટિંગમાં આજ સુધી કોઈ એની બરાબરી કરી શક્યું નથી. એની અદાકારીની ઘણી નકલ કરવામાં આવી. રાજ કપૂરની અદાકારીમાં એની ઝલક જોવા મળતી હતી.

ચાર્લી ચેપ્લિનને જયારે ઓસ્કાર એવોર્ડ એનાયત થયો, ત્યારે દર્શકોએ સતત બાર મિનિટ સુધી ઊભા રહીને તાળીઓથી એને વધાવ્યો હતો અને ઓસ્કાર એવોર્ડમાં આ સૌથી લાંબું સ્ટેન્ડિંગ ઓડિશન માનવામાં આવે છે. ચાર્લી ચેપ્લિન એમ કહેતો કે, 'મારી જિંદગીમાં પારાવાર મુશ્કેલીઓ આવી છે, પરંતુ મારા હોઠને એની ખબર નથી. એ તો માત્ર હસી-મજાક જ જાણે છે.' એ કહે છે ઃ 'તમે જો માત્ર જમીન પર જ જોતા રહેશો તો ક્યારેય ઇન્દ્રધનુષ જોઈ શકશો નહીં.'

ચાર્લી ચેપ્લિનનું બાળપણ ગરીબીમાં વીત્યું. અનેક સ્ત્રીઓ સાથના સંબંધને કારણે એના જીવનમાં ઘણા ચડઉતાર આવ્યાં. જિંદગીમાં ઘણી સંપત્તિ અને કીર્તિ પામ્યો હોવા છતાં જીવનભર એકલવાયો અને બેચેન કલાકાર રહ્યો અને વિધિની વક્રતા તો એવી કે ૧૯૭૭ની ૨૫મી ડિસેમ્બરે અવસાન પામેલા ચાર્લી ચેપ્લિનને દફનાવ્યા પછી ત્રણ મહિના બાદ એની કબરમાંથી એના શબની ચોરી કરવામાં આવી. ચોરી કરનારાઓએ એના પરિવાર પાસે ચાર કરોડ રૂપિયાની માગણી કરી હતી. પોલીસે બલ્ગેરિયાનાં બે મિકેનિકની શબચોરી માટે ધરપકડ કરી. આવી ઘટના પુનઃ સર્જાય નહીં, તે માટે ચાર્લી ચેપ્લિનના શરીરને એના ઘરથી નજીક દોઢ કિલોમીટર દૂર કોંક્રેટીની નીચે દફનાવવામાં આવ્યું. અજોડ હાસ્યકારના જીવનની કેવી ટ્રેજેડી!

પ્રસંગકથા

હવે આવ્યો છે દિલની દિલાવરીનો સમય 

૧૯૪૮માં દિલ્હીની મેઇડન હોટલમાં મુંબઇ નગરપાલિકાના અગ્રણી કોંગ્રેસી નગરસેવક નરીમાને સરદાર વલ્લભભાઇ પટેલને હોટલમાંથી ફોન કરીને મુલાકાત માગી. અગાઉ નરીમાનને કારણે સરદાર પટેલ પર ઘણા આક્ષેપો થયા હતા અને મુંબઇનાં અખબારોએ એમની ખૂબ ટીકા કરી હતી. આમ છતાં સરદાર પટેલે દિલ્હીના ૧, ઓરંગઝેબ રોડ પરના મકાનમાં નરીમાનનું પ્રેમથી સ્વાગત કર્યું અને બંને વચ્ચે વાતચીત થઇ. એ પછી થોડા દિવસ બાદ ૧૯૪૮ના ઓકટોબરની ચોથી તારીખે દિલ્હીની મેઇડન હોટલમાં નરીમાન પર હૃદયરોગનો જીવલેણ હુમલો થયો અને તેઓ અવસાન પામ્યા. નરીમાનની કર્મભૂમિ અને ચાહનાક્ષેત્ર મુંબઇ હતું. 'મુંબઇનો બેતાજ બાદશાહ' કહેવાત!

નરીમાનના મૃતદેહને લઇ જવા માટે સરદારે ભારતી હવાઇદળની ચાર્ટર્ડ ફલાઇટની વ્યવસ્થા કરી. સમય જતાં એનું સાત હજાર રૂપિયાનું બિલ ઇન્ડિયન એરફોર્સની કચેરીમાંથી સરદાર પર આવ્યું. આ બિલ કોણ ચૂકવે?

સરદારે પૂછ્યું કે આ બિલ ક્યા ખાતામાંથી આપવું છે? આ સમયે નરીમાન કોંગ્રેસ પક્ષના કોઇ ઉચ્ચ હોદ્દા પર નહોતા કે જેથી કોંગ્રેસ પક્ષ એમનું આ ખર્ચ આપે. સરકારમાં પણ તેઓ કોઇ હોદ્દો ધરાવતા નહોતા કે જેથી સરકાર આ રકમ ચૂકવી શકે. સરદારે બિલ જોયું અને તત્ક્ષણ જાતે જ ચૂકવી દીધું. નરીમાનનાં સગાંઓને આ બિલ મોકલવાનો ક્ષણિક વિચાર પણ એમના મનમાં જાગ્યો નહીં. પોતાના પ્રખર વિરોધી પ્રત્યે પણ કેવી દિલની દિલાવરી!

આ વાત અમને એટલા માટે યાદ આવી કે લોકસભાની ચૂંટણી સમયે સામસામા ખૂબ આક્ષેપો થયા. કેટલાકે તો હદ વટાવી દીધી, પરંતુ હવે જેમ જેમ ચૂંટણીનાં પડઘમ શાંત થતા જશે, તેમ તેમ આ આક્ષેપોની કડવાશ ભૂલીને દેશની પ્રગતિની આગેકૂચ માટે કટિબદ્ધ બનવાની નેતાઓ અને પક્ષોએ જરૂર છે. આ સમયે સરદાર વલ્લભભાઇ પટેલની શત્રુને મિત્ર બનાવનારી દિલની દિલાવરીને યાદ કરીએ!

Gujarat