For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાપા, અમે અહીં શિંગડાં મારતા શીખવીએ છીએ!

Updated: Oct 13th, 2022


- ગાંધીજીનો વિચારબોધ અને ટાગોરનો સૌંદર્યબોધ 'દર્શક'માં સમન્વય પામે છે!

કત્લ ઉજાલે ભી કર દેતે હૈ લેકિન,

સબ ઇલ્જામ અંધેરોં કે સર પર આતે હૈ.

ગુજરાતના ચિંતક, સર્જક, કેળવણીકાર, સ્વાતંત્ર્યના લડવૈયા, લોકસેવક, સંસ્થાસર્જક અને રાજકીય ક્ષેત્રે પદાર્પણ કરનાર મનુભાઈ પંચોળી 'દર્શક'નો આગામી ૧૫મી ઓક્ટોબરે જન્મદિવસ આવી રહ્યો છે, ત્યારે એમનો સિત્યાસી વર્ષનો આખોય જીવનકાળ સ્મરણમાં ઝળુંબી રહ્યો. એક એવી પ્રતિભા કે જે ક્ષેત્રમાં જાય ત્યાં એમની મૌલિકતાથી આગવી ભાત પાડે અને ઉત્કૃષ્ટ શક્તિથી એ ક્ષેત્રને ન્યાલ કરી દે. આજે એમનું વિશિષ્ટ સ્મરણ એ માટે થાય છે કે એમણે સર્જેલી શિક્ષણ સંસ્થાઓ એમની ભાવનાને સાંગોપાંગ પ્રગટ કરે છે. જ્યારે સામે પક્ષે શિક્ષણ, સમાજ, ગાંધીવિચાર, લોકસેવા અને રાજકારણમાં પ્રવર્તતી આજની દુ:ખદ પરિસ્થિતિ મનમાં સવાલો જગાડે છે કે હજી ૨૦૦૧માં આપણી વચ્ચેથી વિદાય પામેલા દર્શકની ચેતનાને આપણે કેટલી બધી વિસારી દીધી છે.

એમના જીવનકાર્યનું સિત્તેર ટકા કામ ગ્રામ પુનરુત્થાનનો અને ત્રીસ ટકા ભાગ એમના સર્જનકાર્યનો ગણાય. સર્જક 'દર્શક' એમની સર્જનાત્મકતાથી નવી ભાત પાડતા તો મનુભાઈ પંચોળી તરીકે એ જ વ્યક્તિ ગામડાઓમાં લોક કેળવણીની ધૂણી ધખાવીને બેઠી હતી. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોનો જીવન અને તેની આમૂલ કેળવણી સાથે ઔચિત્યપૂર્ણ અનુબંધ રચીને બુનિયાદી શિક્ષણનો પ્રયોગ કર્યા કરતા હતા. 'દક્ષિણામૂર્તિ' નાનાભાઈ ભટ્ટ સાથે ગૃહપતિ તરીકે કામ કરીને આનો પ્રારંભ કર્યો. એ પછી આંબલા, સણોસરા અને મણારમાં રહીને સંનિષ્ઠ અને બહુશ્રુત શિક્ષક મનુભાઈએ શિક્ષણનો મહાન પ્રયોગ કર્યો. એ પ્રયોગને પરિણામે ગ્રામ કેળવણીને અજવાળતા કેટલાય તેજસ્વી શિષ્યોનું એમણે ઘડતર કર્યું.

'દર્શક' એક એવા સર્જક હતા કે જેમણે ગાંધીજીના રચનાત્મક કાર્યને ક્રિયામાં રૂપાંતરિત કરી આપ્યું. ગાંધીવિચારણા એમની દ્રઢતા એવી હતી કે સમાજ કે રાજકારણના કોઈ પણ અનિષ્ટ સામે અવિરત જંગ ચલાવતા, કટોકટી સમયે તામ્રપત્ર પાછું વાળ્યું હતું. એટલું જ નહીં, પણ વિનોબા ભાવેને વિચાર સ્વાતંત્ર્યનાના આગ્રહી 'દર્શકે' નિ:સંકોચ લખ્યું:

'માની લઈએ કે આપને જે. પી. આંદોલન વિશે મતભેદ હોય, માની લઈએ કે આપ ઇન્દિરાજીનાં પગલાંને ટેકો આપવાના અભિપ્રાયના હો, તો પણ વિચારશાસનને વિસ્તૃત કરવા મથતા મહાન મનીષી તરીકે, અહિંસાની મર્યાદામાં રહીને, લોકસંગ્રહ અર્થે જો અહિંસક રીતે વિચાર, પ્રચાર કે સંગઠિત આંદોલન ચલાવવા હોય તો તેમને પણ તેવો અધિકાર છે અને તેમાં આડે આવનારાં આજનાં કટોકટી, કાનૂન કે નિયમનો અનુચિત છે તેવું કેમ આપ કેમ કહેતા નથી ?'

પોતાની વાત દ્રઢતાથી કહેતા 'દર્શક' સાહિત્ય અને કલાની માફક સમાજ અને રાજકારણના એમના વિચારો સહુ આદરપૂર્વક સાંભળતા. એમનો સત્યનો રણકો સહુ કોઈને સ્પર્શી જતો. ગાંધીજીની પ્રેરણાથી એમણે આંબલામાં નિશાળ શરૂ કરી ત્યારે એમની સામે અનેક પ્રશ્નો હતા. ગામડાં ભાંગી શહેરો બંધાય તેવી કેળવણી અધૂરી છે, એ વિચારથી વિદ્યાર્થી ગામડામાં રહેવા, ગામડાંને સુધારવા અને ગામડાંની વકીલાત કરવા પ્રેરાય તેવી કેળવણી આપવી જોઈએ તેમ 'દર્શક' માનતા હતા. ગામડાંને માટે વિદ્યાર્થીઓમાં પ્રેમ અને ગૌરવ જાગે અને ગામડાને ધોવાતા અટકાવવા માટે જરૂરી યુયુત્સુવૃત્તિ કેળવાય તે આવશ્યક હતું. એ સમયની પરિસ્થિતિ અંગે 'દર્શક' લખે છે:

'કોઈ વાર ભણનાર બાળકોના વાલીઓ મને પૂછતા, 'મારા છોકરાને નોકરી મળશે ?'

હું કહેતો, 'મળે પણ ખરી, ન પણ મળે; પણ અમે નોકરી માટે ભણાવતા નથી.'

'તો પછી એ શું કામ ભણે ! ખેતી તો અમારે ઘેર રહીને ય જોતાં જોતાં શીખી જાય.'

'ના બાપા, નવી ખેતીની તમને ખબર નથી. એ નવી ખેતી શીખશે.'

'નવી કે જૂની ભાઈ, અમારે તો છોકરો ધંધે ચડે એવું જોઈએ.'

'તે થઈ જશે, તમારે માથે એ નહીં પડે. પોતાનો રસ્તો કરી લેશે.'

'પણ તમે બીજું શું શીખવો છો? ખેતી તો ઠીક મારા ભાઈ, અહીં ઢેફાં ભાંગ્યા કે ઘેર, બધુંય સરખું છે.'

'જો બાપા, અમે શું શીખવીએ છીએ તે કહું ?' પછી તેવાની સામે આંખ નોંધી હું કહેતો, 'શીંગડાં માંડતા શીખવીએ છીએ.'

અને પછી પેલા બકરાના બચ્ચાની વાત કહેતો કે એ બચ્ચું બ્રહ્મા પાસે જઈને પોતાને કૂતરાં, નાર, માતાજી બધા ખાઈ જાય છે, તેમાંથી બચવું કેમ તે અંગે કાકલૂદી કરવા લાગ્યું. તે વાત કહેતો અને બ્રહ્માએ આપેલા જવાબથી તેના કાન ભરાઈ જાય તેમ કહેતો.

'બાપા', બ્રહ્માએ તેને કહ્યું, 'હું તો તારો દાદો છું ને? એ છતાંય તારું આ કૂણું કૂણું રાંકડું મોઢું જોઈને મનેય તને એક બટકું ભરી લેવાનું મન થાય છે. જરા શીંગડાં માંડતાં શીખ્ય. તને મેં શીંગડાં શા સારું આપ્યા છે ? બાપા, અમે શીંગડાં માંડતા શીખવવાના છીએ.'

'દર્શકે' કરમશી મકવાણા, દુલેરાય માટલીયા, સવશીભાઈ મકવાણા, મગનલાલ જોશી જેવા કેટલાય તેજસ્વી શિક્ષકો તૈયાર કર્યા. જેમણે દર્શકની નયી તાલીમની જ્યોત ગામેગામ જગાડી, જેણે આજે પણ અંધારઘેરા શૈક્ષણિક વાતાવરણમાં પોતાનો અલાયદો પ્રકાશ જાળવી રાખ્યો છે.

સર્જક 'દર્શક'નો વિચાર કરીએ તો ગાંધીયુગના આ નવલકથાકારનાં સત્યકામ અને રોહિણી, રમણલાલ દેસાઈના નાયક-નાયિકા કરતાં સરસ્વતીચંદ્ર અને કુમુદની વધુ નજીક છે. નવલકથાકાર દર્શક સોક્રેટિસને બોલતો રાખીને પોતાના જમાનાને ગાંધીનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરતા જણાય છે. ભૂતકાલીન ઘટનાઓને વર્તમાનમાં પ્રત્યક્ષ કરતા તેઓ તેમાંથી સાચી લોકશાહી અને માનવતાના મૂલ્યોને ઉદ્દાત પાત્રચિત્રણ ને ઉત્કૃષ્ટ કથારસ દ્વારા ફલિત કરી બતાવે છે.

'દર્શક' અમેરિકાના પ્રવાસ દરમિયાન સતત સર્જન કરતા રહેતા. એમના સ્નેહીઓ-ચાહકોનો આગ્રહ રહેતો કે 'દર્શક' એમને ત્યાં આવે અને નિરાંતે લેખનકાર્ય કરે. એકવાર ન્યૂ જર્સીમાં રહેતા ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસી શ્રી મધુસૂદન કાપડિયાને ત્યાં રહ્યા હતા. ભોજનનો સમય થયો. દર્શકને બોલાવ્યા, પણ આવ્યા નહીં. બીજી વાર બોલાવ્યા. ન આવ્યા. ત્રીજી વાર બોલાવ્યા અને 'દર્શક' આવ્યા, ત્યારે એમની આંખમાંથી આંસુની ધારા વહેતી હતી. આ જોઈને બધા ડઘાઈ ગયા. એકાએક થયુ શું?

'દર્શકે' કારણ દર્શાવતા કહ્યું, 'અભિમન્યુનું મૃત્યુ થયું.' આમ પોતાના સર્જનમાં 'દર્શક' કેટલા એકરૂપ થઈ જતા એનો આ દાખલો છે. 'દર્શક' ઉપનામ અંગે તેઓ કહેતા કે સકળ સૃષ્ટિમાં જે કંઈ બને છે, એનું માત્ર હું દર્શન કરું છું અને સાક્ષીભાવ તરીકે 'દર્શક' ઉપનામ રાખવાની પ્રેરણા મળી છે. પરંતુ સાક્ષીભાવ ધરાવતા મનુભઈ દર્શક નહી પણ સર્જક તરીકે ગાઢ તાદાત્મ્યભાવ ધરાવતા હતા. સર્જન પૂર્વે એ વિષયનાં પ્રાપ્ય પુસ્તકો વાંચતા. પ્રવાસ કરતા. એ માટે જુદી જુદી વ્યક્તિઓને મળતા પણ ખરા.

'દર્શકે' લેખનનો પ્રારંભ તો નાટયરચનાથી કર્યો. રામાયણ અને મહાભારતના આ મર્મદ્રષ્ટાએ પોતાની રીતે આ કૃતિઓને જોઈ. એમણે એકાંકીઓ લખ્યા. 'પરિત્રાણ'માં મહાભારતનું કથાવસ્તુ અને 'અંતિમ અધ્યાય'માં હિટલરના આત્મહત્યા પૂર્વેના દિવસોનું દર્શકે નિરૂપણ કર્યું.

સર્જક 'દર્શક'ના આંતરવ્યક્તિત્વની છબી એમના 'સદ્ભિ:સંગ:' અને 'ચેતોવિસ્તારની યાત્રા'માં મનોરમ ઝિલાઈ છે. 'સદ્ભિ:સંગ'માં આલેખાયેલી એમની જીવનયાત્રા અને એમના જીવનસંઘર્ષની અનુપમ કથા છે. 'દર્શક'ના સાહિત્યસર્જનમાં ઇતિહાસ, વિવેચન, ચરિત્ર અને ધર્મતત્ત્વદર્શનને આલેખતાં પુસ્તકો મળે છે. ગુજરાતના સમર્થ સાક્ષર રઘુવીર ચૌધરી કહે છે તેમ એમના ચિંતનાત્મક ગદ્યમાં પણ સૌંદર્યમંડિત રસવૃત્તિ પ્રગટ થાય છે. ગાંધીજીનો વિચારબોધ અને રવીન્દ્રનાથ ટાગોરનો સૌંદર્યબોધ 'દર્શક'માં સમન્વય સાધે છે. કાળી પ્રજાના હક્ક માટે અવિરત જંગ ખેલનાર અબ્રાહમ લિંકનના જીવનનું 'દર્શક'ને આકર્ષણ હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક 'પરબ'માં 'મુક્તિ મંગલા' નામે એનાં પાંચેક પ્રકરણો પણ પ્રગટ થયાં, પણ એ નવલકથા અધૂરી રહી.

'બંદીઘર', 'દીપ નિર્વાણ', 'ઝેર તો પીધા છે જાણી જાણી', 'સોક્રેટિસ', 'કુરુક્ષેત્ર' જેવાં સર્જનો એમની સમાજના શીલ સાથે ભાવિ સંસ્કૃતિની નિસબત બતાવે છે. એમાં પણ સોક્રેટિસ નવલકથા દ્વારા દર્શકે ગ્રીક પરિવેશમાં ભારતીય સહિષ્ણુતાનો પરિચય આપ્યો છે અને સોક્રેટિસના પાત્ર દ્વારા લોકશાહીના સંદર્ભમાં સાંસ્કૃતિક મૂલ્યો ઉપસાવવા પ્રયત્ન કર્યો છે. આજના સમયને દર્શકની ચિંતનાત્મક શક્તિએ આપેલા દર્શનની કેટલી તાતી જરૂર છે.

આજની વાત

બાદશાહ : બીરબલ ભારતના શા ખબર છે?

બીરબલ : જહાંપનાહ, ચૂંટણી આવતા દેવલોકમાં ઘણો ખળભળાટ મચી ગયો છે.

બાદશાહ : બાત ક્યા હૈ?

બીરબલ : જહાંપનાહ, પક્ષોની સાઠમારીમાં પ્રભુના નામનો સામસામે ઉપયોગ થાય છે. ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી પૃથ્વીલોકની માફક દેવલોકમાં પણ ટેન્શન પ્રવર્તતું હોય છે!

પ્રસંગકથા

સનસનાટીના શોખમાં ખોવાયેલું સત્ય!

રમણલાલે ડૉક્ટરને ફોન કર્યો : 'અરે ડૉક્ટર સાહેબ! જલદી આવો, જલદી આવો. હું મરી જઈશ.'

અનુભવી ડૉક્ટરે રમણલાલને કહ્યું, 'જરા શાંત થાઓ. એવું કશું નહીં થાય.'

કંજુસ રમણલાલથી રહેવાયું નહીં. એમણે કહ્યું, : 'અરે સાહેબ, પેટમાં એટલી પીડા ઉપડી છે કે ન પૂછો વાત! એમ થાય છે કે હમણાં જ જીવ નીકળી જશે.'

'ના, ના. ફિકર કરશો નહીં. હું હમણાં આવી જાઉં છું.'

કંજૂસ રમણલાલે કહ્યું : 'અરે, તમને આવતાં તો હજી દસ મિનિટ થશે ત્યાં સુધી હું કરું શું?'

ડૉક્ટરે કહ્યું : 'ત્યાં સુધીમાં મારી ફીના પૈસા ગણીને તૈયાર કરી રાખો.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે, પેલા ડૉક્ટરે જેમ ફીની ગણતરી કરી તે રીતે આજે ટીવી ચેનલ એની ટીઆરપીની સતત ચિંતા કરે છે. એને માટે સારા- ખોટા, તમામ માર્ગો અપનાવે છે. વર્તમાન સમયમાં મીડિયામાં આવતી ચર્ચાઓ જ જુઓને!

આ ચર્ચાને પરિસ્થિતિની ગંભીરતા સાથે સ્નાન-સૂતકનો સંબંધ રહ્યો નથી. એક નાનો મુદ્દો લઈને એને ચગવવામાં આવે અને સામસામા પક્ષો કે કોમની વચ્ચે દ્વેષની દીવાલ ખડી કરે છે. એમાં પણ આત્યંતિક વિચારધારા ધરાવનારની મહિમા થાય છે અને સામે પક્ષે એવું જ ઝનૂન ધરાવનારા વિરોધમાં આક્ષેપબાજી કરે છે.

'કોનું રિપોર્ટિંગ પહેલું' અથવા તો 'કોનું રિપોર્ટિંગ શ્રેષ્ઠ' એની સ્પર્ધા જામે અને એ સ્પર્ધામાં ક્યારેક ઉતાવળથી રજનું ગજ કરી નાખવામાં આવે અથવા તો કાચું કાપી નાખવામાં આવે. રિપોર્ટિંગમાં બિનજરૂરી નાટયાત્મકતા લાવવામાં આવે અથવા તો સીધા-સાદા સમાચારની સનસનાટીભરી રજૂઆત કરવામાં આવે છે.

જો એમ નહીં થાય તો કોઈ પણ મુદ્દે બંને પક્ષોને સામસામે રાખીને વિરોધની આગમાં ઘી હોમવામાં આવશે. મીડિયાના વલણ, ટોન કે રજૂઆતમાં સત્યને બદલે સનસનાટી સર્જવાનો ભાવ વધુ જોવા મળે છે. ટેલિવિઝન પર આવતી ડિબેટ રાષ્ટ્રને લાભદાયી છે કે નુકસાનકર્તા - એનો ગંભીર રીતે વિચાર કરવાનો સમય પાકી ગયો છે.

Gujarat