For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મારે મારા સ્વપ્નની શાળા સર્જવી છે

Updated: Feb 8th, 2024

મારે મારા સ્વપ્નની શાળા સર્જવી છે

- પ્રેમની ભાષાને જાતિ, ધર્મ કે ગરીબી અવરોધી શકતા નથી 

- સિસ્ટર ઝેફ : રિફ્ત આરિફ              

- સિસ્ટર ઝેફે  પોતાની વાર્તાઓ ઓનલાઈન શેર કરવાનું શરૂ કર્યું. આને કારણે આસપાસના સમાજમાં ખળભળાટ મચી ગયો. ૨૦૦૬માં તો બંદૂકધારીઓએ એના ઘર પર હુમલો કર્યો

- તુમ કહો અબ મેં ક્યા જવાબ દૂં ઉનકો,

ચાંદ તારે ભી હમ સે સવાલ કરતે હૈ.

આઝાદી માટે જીવ સાટે ઝઝૂમનારાઓની કથા આપણે જાણીએ છીએ. શોષણ, દમન કે સરમુખત્યારશાહી સામે જંગ માંડીને જાનની કુરબાની આપનારા વિરલાઓની કથા આપણે જાણીએ છીએ, પણ જમાનાનું રૂખ એવું બદલાયું છે કે હવે શિક્ષણને કાજે જાનનું જોખમ હોવા છતાં પોતાની જાત સમર્પિત કરનારાની કહાની પ્રેરણાદાયી બની રહી છે.

આ જગતમાં એવા પણ વિસ્તારો છે કે જ્યાં એટલો અંધકાર છે કે જ્ઞાાનનું અજવાળું તો શું, પરંતુ શિક્ષણનું એક કિરણ પણ પહોંચતું નથી. અંધકારના શોખીન લોકોને શિક્ષણનું મહત્ત્વ નથી અને એના ઠેકેદારોને શિક્ષણ માટેનો નાનોશો પ્રયાસ કરે તે મહાઅપરાધ લાગે છે.

પાકિસ્તાનના ગુજરાનવાલામાં જન્મેલી રિફ્ત આરિફ આજે તો વિશ્વમાં સિસ્ટર ઝેફના નામે જાણીતી છે. એના પરિવારના તમામ સભ્યો નિરક્ષર હતા. એના પરિવારમાં માત્ર એ એક જ વ્યક્તિ એવી હતી કે જેને ભણવાની ધગશ હતી. એ નિશાળમાં દાખલ થઈ. મનમાં તો કામયાબ વકીલ બનવાની ખેવના હતી, પરંતુ સાતમા ધોરણ પછી નિશાળમાં જાતિ ભેદભાવ જોવા મળ્યો. આથી એણે નિશાળ છોડી દીધી અને ઘેર અભ્યાસ ચાલુ રાખ્યો. આખરે દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પસાર કરી. એ તેર વર્ષની હતી, ત્યારે પાકિસ્તાનના અગ્રણી અખબાર 'જંગ'માં મહિલાના અધિકારો પર એનો પહેલો લેખ છપાયો.

એણે પોતાની આસપાસની અન્ય છોકરીઓને શિક્ષણ આપવા માટે નિર્ધાર કર્યો અને પોતાના પડોશીઓમાં છોકરીઓને મફત શિક્ષણની જાહેરાત કરતા ફ્લાયર્સનું વિતરણ કર્યું. એણે પોતાની વાર્તાઓ ઓનલાઈન શેર કરવાનું શરૂ કર્યું. આને કારણે આસપાસના સમાજમાં ખળભળાટ મચી ગયો. ૨૦૦૬માં તો બંદૂકધારીઓએ એના ઘર પર હુમલો કર્યો. આસપાસની છોકરીઓને ભણાવવાની ભૂલ કરી હતી તે માટે. આને પરિણામે ભયનું વાતાવરણ સર્જાયું. એનો પરિવાર પણ પરેશાન થઈ ગયો. એમને ગુજરાનવાલા ગામમાંથી ભાગી જવું પડયું અને છ-છ મહિના સુધી છુપાયેલા રહેવું પડયું.

પરંતુ એ પછી પાછા ફર્યા બાદ એણે કહ્યું કે, 'એ એના વિદ્યાર્થીઓને ક્યારેય એકલા છોડશે નહીં અને હવે તો કહે છે કે જ્યાં સુધી હું જીવીત છું, ત્યાં સુધી વિશ્વનાં બાળકોને શિક્ષિત કરવાનું કામ ચાલુ રાખીશ.' એ ખુલ્લા છતવાળા મકાનમાં પોતાની વિદ્યાર્થિનીઓને અભ્યાસ કરાવતી અને સાથોસાથ સિસ્ટર ઝેફે પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. ૨૦૧૦માં પાકિસ્તાનની પંજાબ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી અને ૨૦૧૩માં ઈતિહાસના વિષયમાં ફરી અનુસ્નાતક ડિગ્રી મેળવી.

વંચિત સમુદાયોના ઉત્થાન માટે સિસ્ટર ઝેફ સતત પ્રયત્નશીલ હતી અને બન્યું પણ એવું કે શિક્ષણનાં ક્ષેત્રમાં એના અથાગ પ્રયત્નોએ આસપાસની વ્યક્તિઓનાં જીવનને બદલી નાખ્યું અને એથીયે વધુ તો સુવિધાનો અભાવ, કેળવણી વિરોધી વાતાવરણ અને રૂઢિચુસ્ત સમાજની વચ્ચે એણે એનું કામ ચાલુ રાખ્યું. એણે શાળા ખોલી હતી, તેમાં સ્થાનિક વિદ્યાર્થીઓને સવારે ચાર કલાક અને સાંજે ચાર કલાક અભ્યાસ કરાવતા હતા. આ રીતે પહેલા દિવસથી તેઓ આઠ-આઠ કલાક સુધી શિક્ષણકાર્ય કરતા હતા. આ સમયે ભાડાના મકાનમાં એની સ્કૂલ ચાલતી હતી. સિસ્ટર ઝેફનો શિક્ષણ વિચાર એવો છે કે કરુણા અને પ્રેમથી શિક્ષણ આપવું જોઈએ અને જો શિક્ષક બાળકો પ્રત્યે સ્નેહ દાખવે છે, તો બાળકો એક પ્રકારની સુરક્ષિતતા અનુભવે છે. બાળકોને લાગે છે કે તેઓ ઘરથી દૂર નથી. માત્ર તેઓ બીજી માતા સાથે છે.

આ ભાવ સાથે સિસ્ટર ઝેફ કહે છે કે મને પોતાને બાળપણનો આનંદ માણવા મળ્યો નથી, પણ હું ઈચ્છું છું કે બાળકો લાડથી ઉછરે, એમને પૂરતો પ્રેમ મળે, તેમજ એમના બાળપણનો ભરપૂર ેઆનંદ માણે અને આથી જ સિસ્ટર ઝેફ કે એના શિક્ષકો વિદ્યાર્થીઓને કદી શારીરિક સજા કરતા નથી. બીજી બાજુ એ કામ કરતા બાળકોનાં પરિવાર સુધી પણ પહોંચી ગઈ અને એમણે મજૂરી કરતાં બાળકોનાં માતા-પિતાને સમજાવ્યું કે શિક્ષણ એ યોગ્ય આહાર અથવા સારા ઘર કરતાં વધુ મહત્ત્વની બાબત છે.

૨૦૧૪માં સિસ્ટર ઝેફને લીન સિમ્સ પુરસ્કાર મળ્યો, જેમાં એને સમાજનું પાયાનું કામ કરનાર તરીકે ઈનામની મોટી રકમ મળી. એણે આ ઈનામની રકમમાંથી શાળાની સારી ઈમારત બનાવવાનો વિચાર કર્યો. પછીનાં વર્ષે એક ડોક્યુમેન્ટરી તૈયાર થઈ જેનું નામ 'ફ્લાઈટ ઓફ ધ ફાલ્કન્સ' હતું. આ ડોક્યુમેન્ટરીમાં સિસ્ટર ઝેફ અને તેના ત્રણ વિદ્યાર્થીઓનાં જીવનની વાત કરવામાં આવી છે. બાળલગ્ન, શારીરિક સજા અને સામાજિક દબાણ સામે શિક્ષણ દ્વારા છોકરીઓ કઈ રીતે સંઘર્ષ ખેલે છે, તે દર્શાવવામાં આવ્યું છે. સિસ્ટર ઝેફને એની શાળાની દસ્તાવેજી ફિલ્મના ખર્ચ માટે મલાલા ફંડે એને સહાયની ઓફર કરી અને આ ડોક્યુમેન્ટરીએ જુદા જુદા ફિલ્મોત્સવમાં ઉત્તમ ડોક્યુમેન્ટરીનો સુવર્ણચંદ્રક પણ હાંસલ કર્યો.

એ સમય પૂર્વે સિસ્ટર ઝેફે બાળપણમાં ભેદભાવનો સામનો કર્યો હતો. પાકિસ્તાનમાં શિયા, અહમદી, હિંદુ અને ખ્રિસ્તીઓ એ લઘુમતી કોમ છે અને એને પરિણામે સિસ્ટર ઝેફને જે અવમાનના સહન કરવી પડી, તેને કારણે એને નિશાળને તિલાંજલિ આપી હતી. પણ સાથોસાથ એ સમજતી હતી કે આ એકમાત્ર એની જ આપવીતી નથી, બલ્કે આ આપવીતી એવી છે કે જે વંચિત સમુદાયના તમામ લોકોની છે અને એથી જ એણે પોતે શાળા ખોલી. શરૂઆતમાં તો માત્ર એની પાસે ઘર સામેનું નાનકડું રમતનું ક્ષેત્ર હતું, પુસ્તક કે કોઈ નોટબુક નહોતી. માતા-પિતા પણ મદદ કરી શકે તેમ નહોતા. આથી એણે ભરતકામ કરવાનું શરૂ કર્યું અને એ ભરતકામમાંથી જે કંઈ કમાણી થઈ તેના દ્વારા પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. રોજ પોતાના વિદ્યાર્થીઓને આઠ-આઠ કલાક ભણાવતી. સિસ્ટર ઝેફે ક્યારેય એક દિવસ પણ રજા લીધી નથી. ક્યારેય કોઈને મિત્ર બનાવી શકી નથી. એનું કારણ એ કે એને માત્ર પોતાના ધ્યેયને સિદ્ધ કરવું હતું.

ઈન્ટરનેટમાં પોતાની વાર્તાઓને ઓનલાઈન શેર કરીને વૈશ્વિક સ્પર્ધામાં વીસ હજાર ડોલરનું પારિતોષિક મળ્યું, એનો ઉપયોગ એણે શાળા સ્થાપવા અને પુખ્ત વયના લોકો માટે વ્યવસાયિક કેન્દ્ર શરૂ કર્યું. એણે જોયું કે આસપાસની સ્ત્રીઓ લાચાર અને બેસહારા હતી. આને પરિણામે એમને માનસિક અને શારીરિક હિંસા સહેવી પડતી. એનાથી બચવા માટે એમણે કૌશલ્યની તાલીમ આપીને આજીવિકા મેળવવાના રસ્તાઓ બતાવ્યા. એમનાં બાળકોને અભ્યાસને માટે મદદ કરી. સાથે સ્ટીચિંગ, આઈટી અને ડિજીટલ સાક્ષરતા અને અંગ્રેજી ભાષા શીખવી, જેથી ઈન્ટરનેટ દ્વારા જ્ઞાાન પ્રાપ્ત કરી શકે. તો કોઈ સ્ત્રીને હેર ડ્રેસિંગ કે મેકઅપ શીખવે છે, જેથી તેઓ બ્યુટી સલૂન ખોલી શકે. વળી અહીં સ્ટીચિંગ શીખતી મહિલાઓ માટે રોજગારીનું સર્જન કરવાનો પ્રયત્ન કર્યો. આજે ત્રીસેક મહિલાઓ એની સાથે કામ કરે છે.

પોતાના શહેર ગુજરાનવાલામાં બે હજારથી વધુ બાળમજૂરો છે. તેઓ એમના પરિવાર માટે મજૂરી કરે છે. સિસ્ટર ઝેફ હવે એમના માતા-પિતાને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને એ પરિવારને સમજાવે છે કે ભલે તેઓને પૂરતું ભોજન મળતું ન હોય, એમનું ઘર ભલે બિસ્માર હોય, પણ શિક્ષણ મહત્ત્વનું છે. એના દ્વારા તમે પરિવર્તન સાધી શકશો.

આ સઘળું સિસ્ટર ઝેફ પ્રેમ દ્વારા કરે છે. એ કહે છે કે પ્રેમ એ એવી ભાષા છે કે જે દરેક વ્યક્તિ સમજી શકે છે. એને જાતિ, ધર્મ કે અમીર ગરીબની કોઈ પૃષ્ઠભૂમિની જરૂર હોતી નથી. પ્રેમ દરેક જગાએ છે અને દરેકને પ્રેમની જરૂર છે. આજે સિસ્ટર ઝેફના વિદ્યાર્થીઓએ એના ફાઉન્ડેશન દ્વારા મહિલા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની અનુકૂળતા કરી આપી છે અને ઘણી વિદ્યાર્થિની તો માસ્ટર્સ ડિગ્રી મેળવી ચૂકી છે. છ હજારથી વધુ મહિલાઓનું વ્યવસાયકેન્દ્ર ધરાવે છે, બસો-પંદર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ પ્રદાન કરે છે. એટલું જ નહીં, પણ પોતાના 'ધ ઝેફનિયા ફ્રી એજ્યુકેશન એન્ડ વિમેન્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન' દ્વારા છવીસ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને રોજગારી આપે છે. તાજેતરમાં શિક્ષકોને અપાતું વિશ્વનું અત્યંત પ્રસિદ્ધ ગ્લોબલ ટીચર પારિતોષિક સિસ્ટર ઝેફને એનાયત કરવામાં આવ્યું. એકસો ત્રીસ દેશોમાંથી સાતસોથી વધુ નામાંકનોમાંથી એણે આ ગ્લોબલ ટીચરનું પારિતોષિક મેળવ્યું, જે અગાઉ ભારતના રણજિતસિંહ ડિસેલને મળ્યું હતું.

વિશ્વભરમાં મહિલા અધિકારો અને બાળકોનાં શિક્ષણ માટે સાચા પરિવર્તનનાં નિર્ણાયક અને હિમાયતી તરીકે એક મિલિયનનું આ પારિતોષિક એનાયત થયું, ત્યારે થોડી ક્ષણોની સ્તબ્ધતા પછી સિસ્ટર ઝેફે કહ્યું, 'હવે હું જમીનનો ટુકડો ખરીદીશ અને એના પર મારા સ્વપ્નની શાળા બનાવીશ.'

પ્રસંગકથા

આધુનિક ગપ્પીદાસોની બોલબાલા

બે ગપ્પીદાસ. એકબીજાને આંટે એવા.

વાતો ઘણી મોટી કરે. ગપ્પાં લગાવવા, તો પછી નાના શા માટે લગાવવા?

એક ગપ્પીદાસે કહ્યું, 'એકવાર અરબસ્તાનના રણમાં સાગર કિનારે હું ઘૂમી રહ્યો હતો.'

બીજાએ કહ્યું, 'અરે હા, એ સાગરમાં તો હું કલાકો સુધી સ્નાન કરતો હતો.'

પહેલા ગપ્પીદાસે પોતાની વાત આગળ વધારતા કહ્યું, 'હા, તો એવી જ રીતે રણના એ સાગરમાં હું સ્નાન કરતો હતો અને એકાએક ખૂંખાર વાઘ મારા તરફ ધસી આવ્યો. આ જોઈને હું મૂંઝાઈ ગયો. મને કશું જ સૂઝ્યું નહીં, તેથી વાઘ તરફ જોરથી પાણીની છાલક લગાવી. એવી તો છાલક લગાવી કે વાઘ જીવ મુઠ્ઠીમાં લઈને નાસવા લાગ્યો.'

બીજા ગપ્પીદાસે કહ્યું, 'તારી વાત સાવ સાચી છે, કારણ કે જ્યારે હું બાજુમાંથી સ્નાન કરીને નીકળ્યો, ત્યારે આ વાઘ મારી નજીકથી પસાર થયો હતો. મેં એને પાસે બોલાવ્યો. બહુ ગભરાયેલો હતો તેથી હિંમત આપી. હેતથી એના ચહેરાને પંપાળવા ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે એની મૂછ ભીની હતી.'

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે સોશિયલ મીડિયાએ નવા પ્રકારના ગપ્પીદાસોને મોકળું મેદાન આપ્યું છે. કેટલાકને 'લાઈક' મેળવવાની એવી લત લાગી છે કે એને માટે પ્રાણ 'ન્યોછાવર' કરવા પણ તૈયાર થઈ જાય છે. લાઈક ન મળે તો એમના પર નિરાશાનો પહાડ તૂટી પડે છે. લોકોનું ધ્યાન ખેંચવાની ઘેલછામાં એ ગમે તે હદે પહોંચી જાય છે.

બત્રીસ વર્ષની મોડેલ પૂનમ પાંડેએ લોકોનું ધ્યાન ખેંચવા મીડિયા પર પોતાના મૃત્યુને ખોટી ખબર ફેલાવી. બે દિવસ પહેલાં સાજી-નરવી દેખાતી મોડેલ એકાએક કેમ સર્વાઈકલ કેન્સરથી મૃત્યુ પામી? કિંતુ એની મેલી મથરાવટીને કારણે આ સમાચારને લોકોએ પ્રમાણભૂત ન માન્યા. એ પછી એણે પાંગળો બચાવ કર્યો કે સર્વાઈકલ કેન્સર તરફ લોકોનું ધ્યાન ખેંચવા માટે એણે આવું તરકટ અજમાવ્યું હતું, જોકે હકીકતમાં એ ખોફનાક બહાનાથી પોતાના તરફ સહુનું ધ્યાન ખેંચવા માંગતી હતી.

સોશિયલ મીડિયાના મોકળા મેદાનને કારણે મોટો ખતરો ઊભો થયો છે. આવા સમાચાર અશાંતિ, અરાજકતા અને કોમી તંગદિલી પણ ફેલાવી શકે. તેથી આવી પ્રવૃત્તિ પર અંકુશ મુકવાનો સમય આવી ચૂક્યો છે.

Gujarat