mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું, 'તમે કત્લેઆમ કરનારા મિરજાખાન નથી, પણ મહાન કવિ રહીમ છો'

Updated: Jan 4th, 2024

ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું, 'તમે કત્લેઆમ કરનારા મિરજાખાન નથી, પણ મહાન કવિ રહીમ છો' 1 - image


- શત્રુઓનાં કપાયેલાં મસ્તકનો મિનાર રચનાર હવે ફૂલ ચૂંટતા અચકાતો હતો

'જય જય ગોસ્વામી, આપને પાય લાગુ, આપના કદમ ચૂમું.' અવાજમાં ઉર્દૂનો સાહજિક લહેકો હતો અને ભાવ ભારતીયતાથી ભીંજાયેલા હતા.

'આવો ભાઈ! કયા કામે અહીં રામદરબારમાં આવ્યા છો?' ગોસ્વામી તુલસીદાસજીએ પૂછ્યું.

'ગોસ્વામીજી! તલવારની છાયામાં મોટો થયો છું. એના ભરોસે મારી સાત પેઢી બાદશાહી માટે લડતી રહી છે. કોઈવાર બાદશાહી હાંસલ થઈ, તો કોઈ વાર બરબાદી સાંપડી. મારી કથા વિગતે સાંભળો. આપને એ વૈરાગ્યનું મહાકાવ્ય લાગશે.'

ગોસ્વામીએ શિષ્યોને હાક મારીને બોલાવ્યા અને સરયૂતટે સમિધ એકત્ર કરતા સહુ છાત્રો ચારે તરફથી દોડી આવીને એકઠા થયા અને આગંતુકે પોતાની વાત શરૂ કરી. એણે કહ્યું:

'ગોસ્વામીજી! હું વીરવર બહેરામખાનનો પુત્ર છું. એકવાર અકબર બાદશાહના પાલક પિતા જેવા, પરંતુ એ જ અકબર બાદશાહે એમને ગુનામાંથી ઉગારવા માટે હજ કરવા મોકલી દીધા હતા અને એક સમી સાંજે પઠાણના એક નાચીજ છોકરાએ બહેરામખાનને હણી નાખ્યા. એ બહાદુર બહેરામખાનના ચાર વર્ષના પુત્રને બાદશાહ અકબરે પોતાની સાથે મહેલમાં રાખ્યો અને હિંમત આપતાં કહ્યું, 'તું વીર બહેરામખાનનો પુત્ર! મારા પાલકપિતાનો પુત્ર. તારા પિતાની હાકે ભૂમંડલ ધૂ્રજતું. વાઘનો દીકરો વાઘ. બેટા! તલવાર પકડી લે. હુંકાર કર. તારું બિરુદ મિરજાખાન!'

અને આ મિરજાખાન એક પછી એક મુલક જીતવા લાગ્યો. એના સિક્કા પડવા લાગ્યા. ગોસ્વામીજી! જીતનો પણ એક નશો હોય છે એ નશામાં મેં મેવાડ પર ચડાઈ કરી અને ફતેહ મેળવી, પણ વનવગડાનો કેસરીસિંહ રાણા પ્રતાપ અમારે હાથ ન આવ્યો.

'ગોસ્વામીજી! એ કરતાં ય મારા એ દાના દુશ્મને મને એક મોટી વાત શીખવી. સમય સારો હોય કે ખોટો હોય, માણસે એના ચારિત્ર્ય અને ઈમાનને આંચ આવવા દેવી જોઈએ નહીં. મારા અંતરના તાર માત્ર એક ગતમાં બજતા હતા. તલવારનો પ્રયોગ અને ખૂબસૂરતીનો ઉપયોગ - એ બેમાં મિરજાખાન મહારાજા હતો. મન-બહેલાવ માટે લડાઈના મેદાનમાં પણ સુંદર બેગમો અને ખૂબસૂરત નાચનારીઓ સાથે ને સાથે હાજર રહેતી.'

રાણા પ્રતાપની હાલત ભયંકર કરી હતી. એને ખાવા રોટી રહી નહોતી. વને વને ને પહાડે પહાડે ભટકવું પડતું હતું. પથ્થરનાં ઓશીકાં ને ધૂળનાં બિછાનાં હતાં. અચરજ તો જુઓ, આ બેહાલીની સામે શાહી સરકાર લાખો-કરોડોની ભેટ લઈને ખડી હતી. જરાક ગરદન ઝુકાવી લો, ને લઈ જાઓ સાત પેઢીએ પણ ખાધે ખૂટે નહીં તેટલું ધન! શાનશૌકત બઢે તેવું અમીર-ઉમરાવનું પદ.

પણ વાહ રે પ્રતાપ! નેક-ટેક તે આનું નામ! એ દિવસે મિરજાખાન કવિ બની ગયો એને ખબર મળી કે સુંદર બેગમો રાણા પ્રતાપને હાથ પડી હતી, એ ધારે તો મોજ લૂંટી શકતો હતો, શાહી સલ્તનતનું અપમાન કરી શકતો હતો, પણ એણે કહ્યું કે તમારો પતિ મારો શત્રુ છે, તમે તો મારી દીકરીઓ છો! તમારો લાજમલાજો તમને બક્ષિસ!

આહ! એ દિવસે મહાન મિરજાખાન ઘવાયેલા બાજની જેમ તરફડી રહ્યો. સંસારમાં કેવા કેવા માણસો ખુદાએ પેદા કર્યાં છે!

મિરજાખાનના પાતાળ જેવા હૃદયમાંથી એ દિવસે કવિતાનું ઝરણું ફૂટયું, ને ત્યારથી એ સાચો કવિ બની ગયો. રાજકાજમાં વેરાન રણમાં કવિતાની એ પળો એને માટે શીતળ કુંજવાડી બની રહી.

મુઘલ શહેનશાહ કાજે ફતેહ પર ફતેહ મેળવનારો મિરજાખાન ક્રમે ક્રમે દરબારમાં મોટા હોદ્દા પર ચડતો ગયો. લોભામણા વૈભવની છોળો અને ડરામણા અધિકારોની આંધી એની આજુબાજુ વહેવા લાગી. બાદશાહે મીર અર્જ પદ આપ્યું. અકબરી દરબારમાં એ ઊંચામાં ઊંચો હોદ્દો હતો. એક દિવસ આકાશમાં ફૂલ ઊગ્યાં. બાદશાહ સ્વયં એને ઘેર આવ્યા ને એને શાહજાદા સલીમનો શિક્ષક નીમ્યો.

મિરજાખાનના હાથમાં આજનો શહેનશાહ હતો અને હવે તો ભાવિનો બાદશાહ પણ આવી ગયો. એની બોલબાલા થઈ રહી. ગુજરાત ધીરે ધીરે તોફાની સુબો બની રહ્યું હતું. જીવતી માખ ગળવી અને એને તાબે કરવું સરખું હતું. બાદશાહે મિરજાખાનને મોટું લશ્કર આપી અમદાવાદ પર ફતેહ મેળવવા મોકલ્યો.

ગુજરાતના બળવાખોરો જબરા હતા. એમણે લશ્કરની ભારે કત્લેઆમ કરી. છતાં મિરજાખાને માત્ર ત્રણસો સૈનિકો અને સૌ હાથીની મદદથી ફતેહ મેળવી. એ સ્થાને ફતેહબાગ (આજની ફતેહવાડી) નામનું ઉદ્યાન બનાવ્યું.

પણ મિરજાખાન પોતાના ભવ્ય વિજયોમાં હવે પરાજયનાં દર્શન કરી રહ્યો હતો. નીતિ-રીતિ ને નેક-ટેક તરફ વલણ વધતું જતું હતું. તુલામિનાર (શત્રુનાં કપાયેલાં મસ્તકનો મિનાર)નો જે શોખીન હતો, એ હવે બાગના પુષ્પને ચૂંટતાં પણ અચકાતો હતો. રાજકાજના લોહિયાળ ખેલ અને વીંછીના ડંખ જેવા લાગતા હતાં. તલવારને બદલ કલમ ચાલવા લાગી. કાવ્ય-કવિતાની રચના અને આશાયેશ આપતી હતી. બાદશાહે એક દિવસ મિરજાખાનને મહામંત્રી ટોડરમલ અવસાન પામતાં જતાં મહામંત્રી બનાવ્યો. અધિકારનું સર્વોચ્ચ શિખર હવે આવી ગયું હતું.

એક નવી મૂંઝવણ એની સામે આવીને ઊભી રહી. મહામંત્રી થઈને તલવારના બળે ન્યાય ચૂકવવો સહેલો હતો, પણ શિક્ષક થઈને શિષ્યને મદ્યપી બનવા દેવો મુશ્કેલ હતો. શાહજાદા સલીમને દારૂની ભારે લત પડી હતી. મિરજાખાન ગુરુની અદાથી એને દારૂથી પાછા વળવા સમજાવતો. કોઈવાર કડક થઈને સુંવાળી સજા પણ કરતો! નેક, ટેક અને ચારિત્ર્ય જ જગતમાં સાચી મૂડી છે એમ એ વાત કરતો. ભગવાન જેને મોટો બનાવવા માગે છે, એણે મોટા ગુણો કેળવવા તરફ લક્ષ આપવું જોઈએ.

શાહજાદો સલીમ બાપના મોતની રાહ જોતાં બંડખોર બની બેઠો હતો. બાદશાહ થઈને મિરજાખાનની ખબર લેવાનો મનમાં પાકો ઈરાદો રાખ્યો. મિરજાખાનનું હૈયું એક દિવસ ઓર ભાંગી ગયું. પોતાનો સગો પુત્ર શાહજાદાની સંગતે ચડી ગયો ને અતિ દારૂ પીવાથી એનું કલેજું ફાટી ગયું. રે! ઘરના દીવાથી ઘરમાં જ આગ લાગી.

આ આગના શોલા પ્રબળ બને એ પહેલાં શહેનશાહ અકબરનું મૃત્યુ થયું. શાહજાદો સલીમ જહાંગીરના નામે ગાદીએ બેઠો. મિરજાખાન દક્ષિણમાં હતો. શાહજાદા પરવેજ અને ખુર્રમે ગાદી માટે કાવતરાં શરૂ કર્યા. મિરજાખાનના પાણીપોચા હૈયાને ઘડીમાં અહીં ન્યાય લાગતો, ઘડીકમાં ત્યાં ન્યાય લાગતો ને ગંગાજમની લોટાની જેમ ઘડીકમાં આને, તો ઘડીકમાં તેને મદદ કરવા દોડવા લાગ્યો.

એક દિવસ નવા બાદશાહ જહાંગીરે એમને નમકહરામનું બિરુદ ભેટ મોકલ્યું. મિરજાખાનનું હૈયું કવિતાપ્રેમી બન્યું હતું. એમણે અન્ય બિરુદો જે હેતથી સ્વીકાર્યા હતા, તે હેતથી એ દિવસ એ બિરુદને પણ સ્વીકાર્યું. માણસની નિમકહલાલી તરફ નફરત છૂટી ને ખુદાતાલાની નિમકહલાલી તરફ મન દોડયું. રાજકુળો સર્પકુળ જેવાં હોય છે. મિરજાખાને એ દિવસે એની ખબર પડી, જે દિવસે દિલ્હીના નવા મુઘલ બાદશાહ તરફથી એને તરબૂચ ભેટ મળ્યું. ખોલીને જોતાં પોતાના પુત્ર દરાબખાનનું કપાયેલું મસ્તક હતું.

આટલાથી સંતોષ ન પામતાં જહાંગીરે મિરાજખાનને ગધેડાના ચામડામાં સીવીને આખા શહેરમાં ફેરવ્યો. મોતના ઘાટ પર હતો, પણ મિત્રની આજીજીથી બચી ગયો. એ દિવસે મિરજાખાનનું મન દિલની શાંતિની ખોજ કરવા બેતાબ બન્યું, પણ એ શોધી રહે તે પહેલાં એને શાહી કારાગારમાં લોખંડની જંજીરોથી બાંધી દેવામાં આવ્યો.

મિરજાખાનને સુંવાળી સોડમાં જે સુખ ન મળ્યું, મહાન વિજયોમાં જે આશ્વાસન નહોતું સાંપડયું, ઊંચા પદોએ જે આસાયેશ આપી નહોતી, એ સુખ ને સમજ લોખંડી કારાગારમાં મળ્યાં. ઓહ! સંસારને સમજવાની ચાવી અહીં કૃષ્ણભવનમાં મળી. ખુદ કવિતાદેવીએ આવીને એ સંતપ્ત જીવને ગોદમાં લીધો અને હાલરડાં ગાયા, દોહા લખાવ્યા.

'ગોસ્વામીજી! એક દિવસ મિરજાખાન કેદમાંથી મુક્ત થયો, પણ એને સલ્તનત યાદ ન આવી. સરયૂનો કાંઠો સાંભર્યો. શાહી ગુંબજા ને મિનારાઓ ન રુચ્યા, આશ્રમની ઝૂંપડીઓ સાદ કરી રહી. મેં ઈલ્કાબો તજ્યા, મિરજાખાન નામ પણ તજ્યું. મારું મૂળ નામ 'રહીમ' ધારણ કરી દીધું. મને કોઈ મિરજાખાનના નામે બોલાવશો મા. હું રહીમ છું. કવિતાનો ચાહક છું. ગોસ્વામીજી! કવિતાના માળામાં કાગ અને કોયલ સાથે ઉછરે છે. તમારા પવિત્ર હૃદયમાં અને આ ચિત્રકૂટની આ ધન્ય ધરા પર મને કાગને નાનકડો માળો આપો!'

પ્રવાસી નમ્યો, પણ એ પહેલાં ગોસ્વામી તુલસીદાસે એને બાથમાં લઈ લીધો હતો. ગદ્ ગદ્ કંઠે ઋષિવાણી પ્રગટતી હતી.

'ઓળખ્યો તાત તને! તું મિરજાખાન નહીં, પણ મહાન કવિ રહીમ! દાની, માની ને જ્ઞાાની અબ્દુલરહીમ ખાનખાના! કવિઓને લાખો કરોડોના દાન કરનાર તને કેમ ન જાણું? બ્રાહ્મણ હોય કે ફકીર-કોઈ યાચક તારા દરવાજેથી પાછો ફર્યો નથી. તારી કવિતાઓમાં તો સંસાર સમજવાની ચાવીઓ છુપાયેલી છે. તારી કવિતાઓ ગલીએ ગલીએ ગવાતી મેં સાંભળી છે. મહાન કવિ રહીમ! આ આશ્રમ તમારો છે. આ ભૂમિ તમારી છે.'

'હીમ થઈને થીજી ગયેલું હૃદય આપ જેવા સૂર્યના રશ્મિઓની ઉષ્માથી ફરી ઓગળવા દો, ગોસ્વામીજી! હું છું માત્ર રહીમ!'

'મારા મોંઘેરા મહેમાન! ચિત્રકૂટ તમારું સ્વાગત કરે છે. તમે અમારા છો, અમે તમારા છીએ. તમારી અનુભવવાણીને સરયૂના સ્વચ્છ પ્રવાહની જેમ અહીં વહેવા દો.'

'ચિત્રકૂટમેં રમી રહે, 

રહીમ અવધનરેશ,

જા પર વિપદા પડતી હૈ, 

સો આવત યહી દેશ.

અબ રહીમ મુશ્કિલ પડી, 

ગાઢે દોઉં કામ,

સાંચેસે તો જગ નહીં, 

જૂઠે મિલે ન રામ!'

સરયૂનો પ્રવાહ એનો એ વહી રહ્યો હતો, પણ એના જળમાં કોઈ મહાન કવિનું નિર્મળ હૈયું પ્રતિબિંબિત થઈ નર્તન કરતું હતું.

પ્રસંગકથા

પ્રદૂષણમાં ભારતનો ભયજનક 'વિકાસ'!

હૉસ્પિટલમાં પ્રવેશતાં જ દર્દી ડૉકટર તરફ ધસી ગયો અને રડતાં-રડતાં બોલ્યો, 'ડૉક્ટરસાહેબ, બહુ હેરાન-પરેશાન થઈ ગયો છું. મને બચાવો.'

ડૉકટરને આશ્ચર્ય થયું. એ કીંમતીલાલને ઓળખતા હતા. આવી પ્રસિદ્ધ વ્યક્તિ આમ ચીસો પાડે એ ડૉકટરને સમજાયું નહીં એટલે ડૉકટરે કહ્યું, 'કીંમતીલાલ, ગભરાશો નહીં. ધીરે ધીરે બધું બરાબર થઈ જશે. દર્દથી ગભરાવાને બદલે થોડી ધીરજ રાખો.'

પણ કીંમતીલાલનું રડવું અટકે જ નહીં. ડૉકટરે એમને સ્વસ્થ થવા માટે કહ્યું, પાણી મંગાવ્યું. એ પાણી પીધા બાદ કીંમતીલાલે હિબકાં ભરતાં ભરતાં કહ્યું, 'સાહેબ, આ પીડા તો મને આખી રાત ઊંઘવા દેતી નથી, રાતોની રાત જાગવું પડે છે. એક મટકું પણ મારી શકતો નથી. હવે તમે જ કહો, હું કરું શું?'

ડૉકટર કીંમતીલાલની વાતથી જરા અકળાઈ ગયા અને બોલ્યા, 'તમે એક કામ કરો. કોઈ જગાએ ચોકીદારની નોકરી શોધી લો.'

આ વાત એમને એટલા માટે યાદ આવી કે ડૉ. કીંમતીલાલના નિદાનના જેવું જ દેશમાં વ્યાપકપણે ફેલાયેલા પ્રદૂષણનું નિદાન થાય છે. અનિદ્રાનો ભોગ બનેલા દર્દીને ડૉ. કીંમતીલાલે ચોકીદાર બનવાનું કહ્યું. એ જ રીતે આજે પ્રદૂષણનાં ગંભીર ખતરાના ઈલાજ તરીકે ચર્ચાસભાઓ યોજાય છે અને પર્યાવરણ સુરક્ષાનાં પરિસંવાદો થાય છે અને જ્યારે આફત વધુ ગંભીર બને છે, ત્યારે કોઈ ઉપાય શોધવાને બદલે સ્કૂલ-કૉલેજો બંધ રાખવામાં આવે છે.

ખોટા નિદાનને કારણે દેશમાં પ્રદૂષણ બેફામ વધતું જાય છે. ૨૦૨૦માં દુનિયાનાં સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં ભારત આઠમા ક્રમે હતું અને આમાં 'વિકાસ' સાધતા એક વર્ષમાં પાંચમા ક્રમે આવી ગયું છે. દેશમાં સલામત મર્યાદા કરતા દસ ગણું વધુ પ્રદૂષણ છે અને રાજધાની દિલ્હીમાં તો એનાથી બમણું, વીસ ગણું વધારે છે.

બીજાં મહાનગરોની તો ક્યાં વાત કરવી, પણ અમદાવાદમાં જ સ્વદેશમાં શિયાળો ગાળવાની ભાવનાથી મકાનો બાંધનારા હવે પ્રદૂષણને કારણે મકાન વેચવા લાગ્યાં છે. આ ઝેરી હવા દમ, કૅન્સર અને ડાયાબિટીસના દર્દીના સ્વાસ્થ્યને માટે જોખમી બનતી જાય છે. હવે આને માટે કોઈ નક્કર અને કડક કાર્યવાહીની વેળા આવી ચૂકી છે!

Gujarat