Get The App

ચીન સાથે યુધ્ધના ભણકારા અર્થતંત્ર પણ પરીક્ષા લે છે

- કૃષિક્ષેત્ર માંથી રાહતજનક અહેવાલો

- ઇનસાઇડ સ્ટોરી- વીરેન્દ્ર કપૂર

Updated: Jul 1st, 2020

GS TEAM

Google News
Google News
ચીન સાથે યુધ્ધના ભણકારા અર્થતંત્ર પણ પરીક્ષા લે છે 1 - image


સરહદે ચીન સાથે યુધ્ધ જેવી સ્થિતિના કારણે દરેક અખબારોના ફ્રન્ટ પેજ પર યુધ્ધ સંબંધિત અહેવાલો જોવા મળે છે પરંતુ તેનો અર્થ એ નથી કે દેશની આર્થિક સમસ્યા હળવી થઇ ગઇ છે. હકીકત તો એ છે કે તે વધુ વણસી છે. લશ્કરની બે ટુકડીઓને દક્ષિણ લડાખ ખાતે ખસેડાઇ છે પરંતુ યુધ્ધ જેવી સ્થિતિ અંગે ચોક્ક્સ કહી શકાય એમ નથી. આશા રાખીએ કે ભારત અને ચીન વચ્ચેનો સરહદી વિવાદ મંત્રણાઓથી ઉકલે. અણુ શસ્ત્રો ધરાવતા પોડોશીઓ માટે યુધ્ધજ એક માત્ર વિકલ્પ ના હોવો જોઇએ. વિશ્વની સૌથી વધુ વસ્તિ આ બંને દેશો પાસે છે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ ભારતનો ગ્રોથ રેટ નીચો આંકેલો છે. હવે એ પણ દેખીતું છે કે વર્તમાન ખાધ ૪.૫ ટકાની રહેશે. તેમ છતાં કેન્દ્રીય પ્રધાનો એવો દાવો કહે છે કે આર્થિક તંત્ર ખીલી રહ્યું છે. જોઇએ હવે તેમના ખીલી રહેલા આર્થિક તંત્ર પર ફૂલો ક્યારે બેસે છે. પ્રધાનો જે આંકડા આપે છે તે ગેરમાર્ગે દોરનારા છે.

રેલ્વે એવો દાવો કરે છે કે લોકડાઉનના મહિનાઓ પછી રેલ્વેને ભાડાની આવક ૨૬ ટકા વધી છે. પરંતુ આ દાવા પાછળના કોઇ ચોક્ક્સ કારણો નથી દર્શાવાયા. એપ્રિલમાંતો લોકડાઉનના કારણે કોઇ કામકાજ નહોતું થયું બધું ઠપ્પ થઇ ગયું હતું.મે માસમાં ધીરે ધીરે મુવમેન્ટ જોવા મળતી હતી. જેના કારણે ફ્રેઇટમાં પણ મુવમેન્ટ હતી.

એવીજ રીતે પેટ્રોલ ડિઝલના વપરાશ બાબતે હતું. મે મહિના કરતાં એપ્રિલમાં બહુ ઓછો વપરાશ હતો. મોટા બજારોમાં પણ ડિમાાન્ડ જોવા નહોતી મળી. ૧૦૦ દિવસના લોકડાઉનના કારણે બજારો સાવ બંધ જેવી હાલતમાં આવી ગયા હતા.

લોકો કોરોના વાઇરસના ડરના કારણે વપરાશ ઓછો કરતાં થયા હતા કે કરકસરના કારણે ઓછું ખરીદતા થયા હતા. રેલ્વેના દાવા તરફ પાછા ફરીએ તો ગયા વર્ષના મે માસ સાથે સરખાણી કરી હોત તો તે દાવો યોગ્ય ગણી શકાય પણ તેમણે તો ગયા મહિના સાથે સરખામણી કરી છે. એવીજ રીતે પેટ્રોલના વપરાશ બાબતે પણ છે.

૨૦૧૯ના મે માસના આંકડા સાથે સરખાણી કરો તો ખરા પરંતુ લોકડાઉનના મે માસ સાથે સરખામણી કરીને લોકોને ગેર માર્ગે દોર્યા છે. પ્રધાનોના દાવા પરથી ગ્રોથ નક્કી ના કરી શકાય.

સાચી વાત એ છે કે અર્થ તંત્ર સાવ ખાડે ગયેલું છે. આઇએમએફે આગાઉના વર્ષ કરતાં વિકાસ દર ઓછો આંક્યો છે. તેને અને કોરોના વાઇરસના ભયને કોઇ નિસ્બત નથી.મેન્યુફેક્ચરીંગ હજુ સામાન્ય થઇ શક્યું નથી. ડિમાન્ડના અભાવે જીવન જરૂરી ચીજો વેચતા વેપારીઓને ત્યાં ધરાકી ખુલી નથી.

ઉડ્ડયન અને હોસ્પિટાલીટી સેક્ટર આશા ગુમાવી બેઠા છે તો ઓટો સેક્ટરમાં ડિમાન્ડ જોવા મળતી નથી. એવીજ સ્થિતિ ટુ વ્હીલર ક્ષેત્રની છે.સમાચાર માધ્યમો અને મનોરંજન ક્ષેત્ર પોતાની ગાડી ફરી પાટા પર ચઢાવવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તે જાણે છે કે આગામી દિવસો આકરાં આવી રહ્યા છે.

આ ઉપરાંત સરહદે અશાંત સ્થિતિએ અચોક્ક્સ વાતાવરણ ઉભું કર્યું છે. જેના કારણે દેસના રોકાણો પર અસર પડશે અને લશ્કરી દળો માટે પહેલાં કરતાં વધુ નાણા ફાળવવા પડશે. લોકડાઉનની સ્થિતિના કારણે જીએસટીનું કલેક્શન અડધું થઇ ગયું છે.  

 કૃષિ ક્ષેત્ર વહારે આવ્યું

રાહત આપે એવા અહેવાલો કૃષિ ક્ષેત્ર આપી રહ્યું છે. રવી પાક મબલક ઉતર્યો છે. નવા પાક માટેની વાવણી શરૂ થઇ ગઇ છે. ખાતર માટેની ડિમાન્ડ શરૂ થઇ ગઇ છે તે બતાવે છે કે ખેતીના કામકાજ શરૂ થઇ ગયા છે.પરંતુ કૃષિ ક્ષેત્રનો  જીડીપીમાં માંડ ૧૫ ટકા ફાળો છે.માત્ર કૃષિ ક્ષેત્ર પોઝીટીવ હોય તો તેનાથી ઓવરઓલ ગ્રેાથની આશા રાખી શકાય નહીં.મેન્યુફેક્ચરીંગ અને એક્સપોર્ટ જેવા ક્ષેત્રો મંદીની પકડમાં આવી ગયા છે. વૈશ્વિક મંદીના કારણે એક્સપોર્ટ ક્ષેત્રને ગંભીર અસર થઇ છે.

આવી સ્થિતિમાં સરકારના પ્રધાનો આર્થિક ક્ષેત્રે લીલોતરી ખીલી છે એમ કહે ત્યારે એમ પૂછવાનું મન થાય છે કે તો પછી આ લીલોતરીને ફૂલ ક્યારે બેસશે?

Tags :