લોકસભાનો જંગ નજીક છતાં વિપક્ષી જોડાણમાં અનેક ડખા
- બધા વિપક્ષો પત્તા છાતી સરસાં ચાંપીને બેઠા છે
- ઇનસાઇડ સ્ટોરી
- વડાપ્રધાન પદના ઉમેદવારની પસંદગી છેલ્લે ફરતી ફરતી રાહુલ ગાંધીની સામે આવીને ઊભી રહેશે
૨૦૨૪ના લોકસભાના જંગ માટે વિપક્ષોનું જોડાણ ઇન્ડિયા હજુ સુધી લોકોનો વિશ્વાસ જીતી શકાય એવા કોઇ પગલાં ભરી શક્યું નથી. તેમના આંતરીક ડખા વારંવાર સપાટી પર આવે છે તે જોઇને લોકો એમ કહેતા થયા છે કે આ સંધ કાશીએ જાય એમ લાગતું નથી. એક સમય હતો કે જ્યારે બેઠકો બંધ બારણે થતી હતી અને બેઠકોમાં થયેલી ચર્ચા ભાગ્યે જ બહાર આવતી હતી. પરંતુ હવે તો સમાચાર માધ્યમોમાં વિપક્ષના જોડાણની બેઠક પહેલાંજ સંભવીત ચર્ચાની વિગતો બહાર આવી જાય છે.
વિપક્ષનું જોડાણ શું કરવા માંગે છે અને તેનો વડાપ્રધાન પદનો ચહેરો કોણ હશે તે જાણવા દરેકને રસ હોય તે સ્વભાવિક છે. હવે એટલું તો સ્પષ્ટ થતું જાય છેે કે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ગાંધી પરિવારનું કોઇ નહીં હોય. જો કે કોંગ્રેસના સિનીયર નેતાઓ ગાંધી પરિવાર સિવાયના કોઇ ચહેરા માટે દિલ દઇને ચૂંટણીમાં કામ કરવા તૈયાર નથી તે પણ હકીકત છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખરગેનું નામ ભલે આગળ કર્યું હોય પરંતુ તેની સાથે મમતા બેનરજી કે અખિલેશ યાદવ જેવા નેતાઓ સંમત હોય તેમ લાગતું નથી. એક આંગળીના વેઢે ગણાય એટલા લોકો વિપક્ષમાં વડાપ્રધાન પદ માટે લડી શકે એમ છે જેમાં રાહુલ ગાંધી મોખરે છે અને બીજા નંબરે પ્રિયંકા ગાંધી આવે છે. જ્યારે ત્રીજા નંબરે મલ્લીકાર્જુનના નામ અને નિતીશ કુમારના નામ વચ્ચે સ્પર્ધા છે. ચોથા નંબરે અખિલેશ યાદવને મુકી શકાય. નિતીશ કુમાર અને તેમના સાથીઓ નારાજ ચાલે છે કેમકે વિપક્ષોની બેઠકમાં નિતીશકુમારને જોઇતું સન્માન નથી મળતું.
વિપક્ષોના સંગઠનમાં વડાપ્રધાન પદના ઉમેદવાર બાબતે ચર્ચાથી આગળ વધાતુંજ નથી જેના કારણે ચૂંટણી જંગના મુદ્દા અને કેન્દ્ર સરકારને ભીંસમાં લેવાની કોઇ ચર્ચાજ થતી નથી.
લોકસભાની ૧૫૪ જેટલી બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ફાઇટ છે. આ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારની સામે વિપક્ષી ગઠબંધનના સાથી પક્ષ પોતાનો ઉમેદવાર નહીં ઉતારે એવું કશું નક્કી નથી. દરેક પ્રાદેશિક પક્ષ જાણે છે કે લોકસભામાં પોતાના જેટલા વધુ સભ્ય હશે એટલોજ ગઠબંધનમાં પ્રભાવ વધશે.
એટલેજ અરવિંદ કેજરીવાલ દિલ્હી અને પંજાબમાં સાથી પક્ષને કોઇ બેઠક આપવા તૈયાર નથી. પંજાબની ૧૩ અને દિલ્હીની ૭ બેઠકો એમ કુલ ૨૦માંથી એક પણ બેઠક તે વિપક્ષને આપવા તૈયાર નથી. એવીજ રીતે એમ કહેવાય છે કે પ.બંગાળની ૪૨ બેઠકોમાંથી એક પણ બેઠક મમતા બેનર્જી કોંગ્રેસ કે ડાબેરી પક્ષને આપવા તૈયાર નથી.
અખિલેશ યાદવ પણ મોટા રાજકીય ખેલાડી સાબિત થઇ રહ્યા છે. આ એ નેતાઓ છે કે જે એક સમયે કોંગ્રેસના દરબારમાં પ્રવેશવા બે-ત્રણ દિવસ રાહ જોઇને બેસી રહેતા હતા આજે તે લોકો કોંગ્રસના સિનીયર નેતાઓને ડરાવી રહ્યા છે. ટૂંકમાં વિપક્ષના જોડાણમાં બેઠકોની ફાળવણીનું કોકડું ગૂંચવાયેલું છે. કોઇ નેતા ખુલીને વાત નથી કરતું. બધા પોતાના પત્તા છાતી સરસાં ચાંપીને બેઠા છે.
દરેક વિપક્ષ જાણે છે કે એક બીજા સાથે હાથ મિલાવ્યા સિવાય છૂટકો નથી છતાં તેમની અકડાઇ ઓછી નથી થતી. નિતીશ કુમારે વિપક્ષોને એક તખ્તા પર લાવવનું કામ કર્યું હતું આજે તેમને હાંસીયામાં ધકેલી દેવાયા છે. વિપક્ષો પાસે સમય ઓછો છે. ૨૦૨૪નો જંગ નજીક આવી ગયો છે.
પહેલાં વિપક્ષી જોડાણે આંતરીક ખુલાસાનું સમાધાન કરવું પડશે પછી મત માંગવા ઉતરવું પડશે. એમ લાગે છેકે વડાપ્રધાન પદના ઉમેદવારની પસંદગી છેલ્લે ફરતી ફરતી રાહુલ ગાંધીની સામે આવીને ઉભી રહેશે. રાજકારણ એ વિચિત્ર ખેલ છે. સત્તા પર હોય ત્યારની જાહોજલાલીથી તદ્દન વિપરીત સત્તા વિનાની સ્થિતિમાં હોય છે.