For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ.બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભૂલ કેન્દ્ર નહીં કરે

Updated: Feb 21st, 2024

પ.બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભૂલ કેન્દ્ર નહીં કરે

- લોકસભાની ચૂંટણી સામે આવી રહી છે

- ઇનસાઇડ સ્ટોરી

- સંદેશખાલીમાં મમતા સરકાર બદનામ થઇ રહી છે ગુનેગારોની પક્ષમાંથી હકાલપટ્ટી પણ નથી કરાઇ

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રસના કાર્યકરોની મનમાનીના મુદ્દે મમતા બેનરજીની સરકાર બદનામ થઇ રહી છે. ભાજપના મહિલા નેતાઓ  સેહિત વિવિધ મહિલા સંગઠનો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છે એવીજ રીતે ટીવી ચેનલો પણ આ વિસ્તારો ખૂંદી રહી છે. દરેક અસરગ્રસ્ત મહિલાઓને શોધીને તેમના ઇન્ટરવ્યૂ બતાવી રહ્યા છે.  

તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સાથે પોલીસને રાખીને રાત્રે ઘરના બારણા ખખડાવીને યુવાન પરિણિતાઓને ઉઠાવી જાય તે મમતા માટે શરમ જનક કહેવાય. સામે છેડે મમતાએ કેટલાંકને પકડયા છે જ્યારે મૂળ ગુનેગારો ભાગી ગયા છે. શરમની વાત એ છે કે આ વિસ્તારના તૃણમૂલના કોઇ હોદ્દેદારોને મમતાએ પક્ષમાંથી હકાલપટ્ટી નથી કરી.

જેમ જેમ વિગતો બહાર આવતી જાય છે એમ એમ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ બળવત્તર બનતી જાય છે. સંદેશખાલીની વિગતો રોજ બહાર આવી રહી છે અને લોકોમાં મમતા વિરૂધ્ધની ધૃણામાં વધારો થઇ રહ્યો છે. 

મમતાના રાજમાં રાષ્ટ્પતિ શાસન લાદવાની  માંગણીમાં વધારો થઇ રહ્યો છે. એક માહિતી અનુસાર ૧૯૫૦થી અત્યાર સુધીમાં દેશમાં ૨૯ રાજ્યોમાં ૧૩૪ વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે.

 ક્યાંક તોફાનો કરાણભૂત હતા તો ક્યાંક રાજકીય ઉથલપાથલો જવાબદાર બની હતી. જમ્મુ કાશ્મીર અને પંજાબમાં સૌથી વધુ વર્ષો રાષ્ટ્રપતિ શાસન રહ્યું છે. કાશ્મીરમાં ૪૬૬૮ દિવસ(૧૨ વર્ષ નવ મહિના) અને પંજાબમાં ૩૮૭૮ દિવસ(૧૦ વર્ષ ૭ મહિના) સુધી રાષ્ટ્રપતિ શાસન લદાયું હતું. 

હાલમાં ત્રણ જગ્યાએ રાષ્ટ્રપતિ શાસન માટેની માંગણી થઇ રહી છે તેમાં મણીપુર, પંજાબ અને હવે પ.બંગાળનો સમાવેશ થાય છે. પંજાબમાં મુખ્યપ્રધાન અને રાજ્યપાલ વચ્ચેની કોલ્ડવોર ગમે ત્યારે ભભૂકી શકે એમ છે. મણિપુરમાં મેઇટીસ અને કૂકીસ વચ્ચે ચાલતી મીનીયુધ્ધ જેવી વેારમાં ૧૫૦ લોકોના મોત થયા છે. 

જેથી ત્યાં પણ વહેલું મોડું રાષ્ટ્રપતિ શાસન આવી શકે છે. પંજાબમાં પહેલીવાર ૧૯૫૦માં રાટ્રપતિ શાસન લદાયું હતું. રાષ્ટ્રપતિ શાસન સામે અનેક રાજ્ય સરકારો જંગે ચઢી ચૂકી છે. હતા. કેટલીક સરકારો માટે તે સત્તાધારી પક્ષ તરફથી સરકાર ઉથલાવવાના પેંતરા સમાન હોય છે. ૧૯૬૦ અને ૭૦ના દાયકામાં છાશવારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. 

૧૯૯૨માં સૌથી વધુ વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. આ કાળ બાબરી મસ્જીદ ધ્વંસનો હતો. ત્યારે છ વાર ઉત્તરપ્રદેશમાં અને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હિમાચલમાં પણ રાષ્ટ્રપતિ શાસન લદાયું હતું. પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ સામે કેન્દ્ર સરકાર ત્વરીત પગલાં લઇ શકે એમ નથી કેમકે સામે લોકસભાની ચૂંટણીઓ આવી  રહી છે. 

મમતા બેનર્જી ભલે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ સાથે જોડાણ ના રાખે પણ વિપક્ષી જોડાણના તે મહત્વનું પાસું છે. આમ પણ, કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ શાસન લાદવાની તરફેણમાં હોય એમ લાગતું નથી. મોદી સરકાર સામે સંદેશખાલીનો આતંક મહત્વનો મુદ્દો છે કેમકે હિન્દુ મહિલાઓનું શારિરીક શોષણ કરાતું હતું. સામે લોકસભાની ચૂંટણીઓ હોઇ મોદી સરકાર કોઇ આકરા પગલાં ભરતા સો વાર વિચારશે.

Gujarat