Get The App

રાજકીય પક્ષોની હૂંસાતૂંસીમાં રેપનો મુદ્દો હાંસિયામાં ધકેલાશે

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
રાજકીય પક્ષોની હૂંસાતૂંસીમાં રેપનો મુદ્દો હાંસિયામાં ધકેલાશે 1 - image


- કોલકત્તાની હોસ્પિટલમાં વધુ એક છેડતી

- ઇનસાઇડ સ્ટોરી

- કોલક્ત્તામાં આંદોલન કરતા ડૉક્ટરો અને મમતા સરકાર બંનેને એકબીજા પર ભરોસો નથી

કોલકત્તામાં મહિલા ડોકટર પરના બળાત્કારના કિસ્સામાંથી મુખ્ય પ્રધાન મમતા બેનરજી છૂટવા મથતા હોય એમ લાગી રહ્યું છે. કહે છે કે આંદોલન કરનારા પાછળ ભાજપના નેતાઓનું ભેજું કામ કરી રહ્યું છે. જોકે આવા આક્ષેપો સત્તાધારી અને  વિપક્ષ હંમેશા સામસામે કરતા આવ્યા છે.  હકીકતતો એ છે કે ઇન્ડી ગઠબંધનના નેતાઓની પ્રશંસા એટલા માટે થવી જોઇએ કે એક પણ નેતા મમતાના શાસનની વિરૂધ્ધમાં બોલવા તૈયાર નથી. વિપક્ષી નેતાઓ સમજી ગયા છે કે મમતાની વિરૂધ્ધમાં બોલવાથી તે છંછેડાઇ શકે છે અને તેથી ગઠબંધનને મુશ્કેલી પડી શકે છે.

આશ્ચર્યતો એ વાતનું છે કે પ.બંગાળના ડાબેરી પક્ષો પણ મમતાની વિરૂધ્ધમાં બોલવા તૈયાર નથી. મમતાની વિરૂધ્ધમાં બોલવું એટલે વિપક્ષી એકતાના પાયા પર હથોડા મારવા એવો મેસેજ દરેક વિપક્ષી નેતાઓને પહોંચાડી દેવાયો  છે. બળાત્કારની ઘટનાના અહેવાલોની શરૂઆતના દિવસોમાં મમતાની સરકાર ઘટના પર ઢાંક પિછોડાનો પ્રયાસ કરતાં મેડિકલ આલમ છંછેડાઇ હતી.

હવે જ્યાં બળાત્કાર થયો હતો તે  હોસ્પિટલના કૌભાંડના પોપડા એક પછી એક ખુલી રહ્યા છે. સીબીઆઇની તપાસ ચાલુ છે. દેશભરના ડોક્ટરોએ કોલક્તાના ડોક્ટરોને ટેકો આપ્યો હોઇ આંદોલન વધુ તીવ્ર બની રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આંદોલન કરતા ડોક્ટરોને કામ પર ચઢી જવાનું કહ્યું હોવા છતાં કોઇ ટસ ના મસ થતા નથી. આંદોલન કરતા ડોક્ટરે અને મમતા સરકાર વચ્ચે અવિશ્વાસનો અભાવ છે. 

મમતા સરકારની હોસ્પિટલોનો સ્ટાફ સરકારથી ડરતો હોય એમ લાગતું નથી. બે દિવસ અગાઉ કોલકત્તાની સરકારી હોસ્પિટલમાં ૨૬ વર્ષની મહિલાની હેલ્થ વર્કરે છેડતી કરતા ઉહાપોહ થયો હતો.

 કોલકત્તાની ઈન્સ્ટીટયુટ ઓફ ચાઇલ્ડ હેલ્થમાં પોતાના સંતાનની સારવાર માટે આવેલી ૨૬ વર્ર્ષની મહિલા પોતાના બિમાર બાળક સાથે સૂતી હતી ત્યારે એક નરાધમ ૨૬ વર્ષના હેલ્થ વર્કર(વોર્ડબોય) તાન્યા પલે તેની છેડતી કરી હતી. આ છેડતીનો વિડિયો પણ તેણે ઉતાર્યો હતો.  પોતાના બિમાર બાળક સાથે સૂતેલી માની સાથે તેણે સૂઇ જવાનો પ્રયાસ કર્યો હતો એમ ફરિયાદમાં જણાવાયું છે.

 કોલક્તા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. અહીં ઉલ્લેખનીય છેકે કોલક્તાની આર.જી કેર હોસ્પિટલમાં જે બળાત્કારીને પકડવામાં આવ્યો છે તે સંજય રોય પણ દવાખાનામાં કામ કરતો હતો અને ચાઇલ્ડ હોસ્પિટલમાં છેડતીના કેસનો આરોપી વોર્ડબોય તરીકે કામ કરતો હતો.

આ અગાઉ પ.બંગાળના વીરભૂમ જીલ્લામાં એક સરકારી હોસ્પિટલમાં નર્સની છેડતીની ઘટના નોંધાઇ છે. મમતા સરકાર બળાત્કારના કેસમાં ઢાંક પિછોડા કરવાની લ્હાયમાં અન્ય હોસ્પિટલોમાં કડક સિક્યોરિટી ગોઠવવાનું ભૂલી ગઇ છે. ડોક્ટર અને તેમના સ્ટાફને ભગવાન તરીકે માનતા લોકોએ હવેઆ સ્ટાફ પર શંકાથી જોવાની જરૂર છે. આંદોલન કરતા લોકો બૌધ્ધિકો છે પરંતુ બંને પક્ષને એક બીજા પર ભરોસો નથી. એટલેજ દરેક મિટીંગનું વિડીયો રેકોર્ડીંગ થાય તેવો આગ્રહ રાખવામાં આવે છે.

મમતા ભલે હાર માને એવા નથી પરંતુ ડોક્ટરોના નોન સ્ટોપ આંદોલનથી ભાજપને સીધો લાભ મળે તે મમતાને પસંદ નથી. અહીં કમનસીબી એ વાતની છે કે રાજકીય પક્ષોની હૂંસાતૂંસીમાં બળાત્કાર જેવા મહત્વના મુદ્દાને સાઇડ ટ્રેક કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.


Google NewsGoogle News