For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાક મતદારોને કાશ્મીરમાં નહીં પણ વિકાસમાં વધુ રસ

Updated: Feb 14th, 2024

પાક મતદારોને કાશ્મીરમાં નહીં પણ વિકાસમાં વધુ રસ

- પાકિસ્તાનમાં કેટલીક બેઠકો પર ફરી મતદાન

- ઇનસાઇડ સ્ટોરી

- પીઓકેનો મુદ્દો હાથમાં લેતા પહેલાં પાક.માં કોની સરકાર આવશે તે પર ભારતની નજર 

પાકિસ્તાનના લોકોને હવે ખબર પડી છે કે ઇલેકટ્રોનિક વોટીંગ મશીન (ઇવીએમ) કેટલા મહત્વના સાબિત થઇ શકે છે. મતદાનના અનેક સ્થળે ગુંડાગીરી અને મતપેટીઓ ઉઠાવી જવાના કિસ્સા બન્યા છે. જેના કારણે દરેક રાજકીય પક્ષ પોતાની હારને શંકાથી જોઇ રહ્યો છે. 

અપક્ષ ઉમેદવારોની જીત શંકાસ્પદ ગણાતા હવે આવતીકાલે ગુરૂવારે અનેક સ્થળો પર ફરી મતદાનના આદેશ અપાયા છે. જાણકારો કહે છે કે જો ફરી મતદાનમાં નવાઝ શરીફની પાર્ટી જીતશે તેા ઇમરાનખાનની પાર્ટી વાંધો ઉઠાવશે. મતપેટીઓની ઘાલમેલ કરી શકાય એટલે ભારતનો ચોક્કસ વર્ગ ઇવીએમની જગ્યાએ મતપત્રકની ભલામણ કરી રહ્યો છે.

પાકિસ્તાનના લોકોને શું જોઇએ છે અને તેમને શું પસંદ છે તે તેમણે મતદાન પેટીઓ મારફતે સમજાવી દીધું છે. કાશ્મીર હમારા હૈ એવું કહેતા નેતાઓને પાકિસ્તાનના પ્રજાને ફેંકી દીધા છે. પાકિસ્તાનના લોકોને હવે દુનિયાના વિકાસની હરોળમાં ઉભા રહેવું હોય એમ લાગી રહ્યું છે. 

ચૂંટાયેલી સરકારનો વહિવટ પડદા પાછળથી પાકિસ્તાનનું લશ્કર અને ત્રાસવાદીઓ કરતા હોય તે પાકિસ્તાનની પ્રજાને પસંદ નથી તે દેખાઇ આવે છે. ઇમરાનખાનને જેલમાં પુરવાથી ચૂંટણી જીતી શકાશે એવો ભ્રમ નવાઝ શરીફને બહુ મોંઘો પડયો છે.

પાકિસ્તાનની ચૂંટણી પર ડોળો રાખીને બેઠેલું ચીન પણ માથું ખંજવાળે એવા પરિણામો આવ્યા છે. ચીનના હાથનું રમકડું બની ગયેલો ઇમરાન જેલમાં છે પરંતુ તેનો પક્ષ વધુ બેઠકો જીત્યો હોવા છતાં સત્તા રચી શકે એમ નથી.  

વિશ્વના તખ્તા પર પાકિસ્તાનની ઇમેજ તેના રાજકારણીઓની નીતિના કારણે ખરડાયેલી છે પાકિસ્તાનના લોકોને વિશ્વમાં સન્માન જોઇએ છે પરંતુ તેના કપાળે ત્રાસવાદી રાષ્ટ્રની કાળી ટીલી ચોંટેલી છે. વિશ્વમાં ખાસ કરીને અમેરિકા અને લંડનમાં રહેતા પાકિત્સાનીઓને કેવી રીતે તેમની ઉપેક્ષાનો ભોગ બને છે  તેની ખબર છે.

પાકિસ્તાનની ચૂંટણી પર નજર રાખી રહેલા દેશો પણ માનતા થઇ ગયા છે કે પાકિસ્તાનની ચૂંટણીમાં વિજય મેળવવા અને ઇમરાનખાનને હરાવવા લશ્કર અને ત્રાસવાદી સંગઠનો પ્રયાસ કરી રહ્યા છે. પહેલી વાર એવું થયું છે કે પાકિસ્તાનમાં કાશ્મીરનો મુદ્દો ઉછાળ્યા વિના ચૂંટણી લડાઇ છે. પાક્સ્તિાનનો દરેક રાજકીય પક્ષ જાણી ગયો છે કે ભારત સાથે શિંગડા ભરાવવાથી હાર અને બદનામી બંને મળવાના છે. 

ભારત હવે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર લેવાના પ્રયાસ કરી રહ્યું છે તે પણ ત્યાંના લોકોની નજરમાં આવી ગયું છે. પાકિસ્તાનના લોકો એ પણ જાણી ગયા છે કે ચીનના ખોળે માથું મુકાય એમ નથી કેમકે ચીને પાકિસાતાનમાં ઘૂસણખોરી શરૂ કરી છે .

ભારતની સીધી નજર પાકિસ્તાનમાં આવી રહેલા નવા શાસકો પર છે. કહે છે કે પીઓકેનો મુદ્દો હાથમાં લેતા પહેલાં ભારત પાકિતાનમાં કોની સરકાર આવશે તે પર નજર રાખીને બેઠું છે. કેટલાક મત મથકો પર ફરી મતદાન કરાશે. પાકિસ્તાનના કાયદા અનુસાર જીતેલા અપક્ષો ભેગા થઇને સરકાર બનાવી શકે એમ નથી.  

તેમને કોઇ રાજકીય પક્ષ સાથે જોડાવું પડે છે. ચીન પાકિસ્તાનની ચૂંટણીમાં સીધો ચંચુપાત કરે છે જ્યારે ભારત પણ પડદા પાછળ રહીને પાકિસ્તાનની રાજકીય ઉથલપાથલો પર નજર રાખી રહ્યું છે.

Gujarat