Get The App

દેશનો બીજો સૌથી મોટો એક્સપ્રેસ હાઇવે : અમૃતસરથી જામનગર

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
દેશનો બીજો સૌથી મોટો એક્સપ્રેસ હાઇવે : અમૃતસરથી જામનગર 1 - image


- એક્સપ્રેસ હાઇવેના કોન્સેપ્ટને લોકોએ આવકાર્ર્યો છે

- ઇનસાઇડ સ્ટોરી

- વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનો છે કારણ કે તે બઠીંડા, બાડમેર અને જામનગરની ત્રણ મોટી રિફાઇનરીઓને જોડે છે

એક્સપ્રેસ હાઇવેના કોન્સેપ્ટે મોટા શહેરો વચ્ચેનું અંતર ઘટાડી દીધું છે.  કેન્દ્ર સરકાર નવા એક્સપ્રેસ હાઇવે માટે અગોતરું પ્લાનીંગ કરી રહી છે. લોકોને પણ હવે એક્સપ્રેસ હાઇવે માફક આવી ગયા છે.  ભરૂચથી શરૂ થયેલો નવા એક્સપ્રેસ હાઇવે પર જોવા લોકો જઇ રહ્યા છે. અમદાવાદના કઠલાલથી ઇન્દોરના હાઇવેના કારણે લોકો અવાર નવાર ઉજ્જૈન જતાં થઇ ગયા છે. અમદાવાદથી ઉદેપુર થઇને નાથદ્વારા જતા માર્ગની લોકો  મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા છે. અમૃતસર-જામનગર એક્સપ્રેસ વે  રણને  ચીરીને બની રહ્યો છે. 

દેશનો સૌથી મોટો એક્સપ્રેસ વે દિલ્હી અને મુંબઈ વચ્ચે બની રહ્યો છે, પરંતુ દેશનો બીજો સૌથી મોટો એક્સપ્રેસ વે એવા બે શહેરોને જોડે છે જેની વચ્ચે સેંકડો કિલોમીટરનું રણ છે. આ એક્સપ્રેસ વેની ખાસ વાત એ છે કે તેને રણમાંથી કાપીને બનાવવામાં આવી રહ્યો છે અને આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં તે પૂર્ણ થશે. પંજાબના અમૃતસરથી ગુજરાતના જામનગર સુધી બની રહેલા આ એક્સપ્રેસ વે ઉપર એકવાર મુસાફરી શરૂ થઈ જશે, પછી જે સમય લાગશે તે ઘટીને માત્ર અડધો થઈ જશે. એટલું જ નહીં આ બંને વ્યાપારી રીતે મહત્વપૂર્ણ શહેરો વચ્ચે આવવા-જવાનો ખર્ચ પણ ઘટી જશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું અંતર ૧,૩૫૦ કિલોમીટર છે, જ્યારે અમૃતસર-જામનગર એક્સપ્રેસ વેનું અંતર ૧,૩૧૬ કિલોમીટર છે. નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) એ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં તેને તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ એક્સપ્રેસ વેનો મોટો ભાગ તૈયાર પણ થઈ ગયો છે. ઔદ્યોગિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતો આ એક્સપ્રેસ વે રાજસ્થાનનું સેંકડો કિલોમીટરનું રણ પાર કરશે. સામાન્ય માણસની સાથે વેપારીઓને પણ આનો ફાયદો થશે. અમૃતસરની આસપાસના ઘણા ઔદ્યોગિક શહેરો સીધા ગુજરાતના ઔદ્યોગિક શહેરો સાથે જોડાયેલા હશે. અમૃતસરથી જામનગરનું વર્તમાન અંતર ૧,૫૧૬ કિલોમીટર છે, જે પૂર્ણ થવામાં લગભગ ૨૬ કલાક લાગે છે. નવા એક્સપ્રેસ વેના નિર્માણથી અંતર પણ ૨૦૦ કિલોમીટર જેટલું ઘટશે અને મુસાફરીનો સમય પણ અડધો ઘટીને માત્ર ૧૩ કલાક થઈ જશે. તેનું સૌથી મોટું કારણ સ્પીડમાં વધારો હશે, કારણ કે એક્સપ્રેસ વે પર વાહનો ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે. અમૃતસર-જામનગર એક્સપ્રેસ વેનો લાભ દિલ્હી-એનસીઆરમાં લોકોને પણ મળશે. આનાથી પંજાબ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતના લોકોને સીધી કનેક્ટિવિટી મળશે. આ એક્સપ્રેસ વેને દિલ્હી-કટરા એક્સપ્રેસ વે સાથે પણ જોડવામાં આવશે. આ એક્સપ્રેસ વેથી અમૃતસર, ભટિંડા, મોગા, હનુમાનગઢ, સુરતગઢ, બિકાનેર, નાગૌર, જોધપુર, બાડમેર, રાધનપુરઅને જામનગર શહેરોને ફાયદો થશે. આ હાઇવેનો ૯૧૫.૮૫ કિમી ગ્ર્રીનફિલ્ડ એલાઇનમેન્ટ પર બાંધવામાં આવશે, જ્યારે બાકીના હાલના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને અપગ્રેડ કરીને બનાવવામાં આવશે. તેના ગ્રીનફિલ્ડ વિભાગ પર બાંધકામનું કામ ૨૦૧૯ માં નૂર હેરફેરની કાર્યક્ષમતા સુધારવા અને નિકાસને વેગ આપવાના પ્રાથમિક લક્ષ્ય સાથે શરૂ થયું હતું. આ પ્રોજેક્ટ ભારતમાલા પરિયોજના તબક્કા-૧ કાર્યક્રમ હેઠળ વિકસાવવામાં આવી રહ્યો છે.તે બઠીંડા, બાડમેર અને જામનગરની ત્રણ મોટી રિફાઇનરીઓને જોડે છે. ઉપરાંત, તે ગુરુ નાનકદેવ થર્મલ પ્લાન્ટ (બઠીંડા) અને સુરતગઢ સુપર થર્મલ પાવર પ્લાન્ટને પણ જોડે છે. લગભગ ૬૫ ટકા એટલે કે ૮૫૮ કિમી જેટલો એક્સપ્રેસવે રાજસ્થાનમાંથી પસાર થાય છે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ લગભગ ૮૦,૦૦૦ કરોડ રૂપિયા છે.


Google NewsGoogle News