Inside Story

આરાધના અને ઇમરાન મસૂદ યુપી કોંગી સંગઠનમાં ફેરફાર..

By GS Team
7 Oct 20263 mins read
TukuTouch Logo
કોંગ્રેસે ઉત્તરપ્રદેશમાં સંગઠન મજબૂત કરવા આરાધના મિશ્રાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. પૂર્વ યુપીમાં તેમનું, જ્યારે પશ્ચિમ યુપીમાં ઇમરાન મસૂદનું વર્ચસ્વ છે. આરાધનાના પિતા પ્રમોદ તિવારીના સમાજવાદી પક્ષ સાથેના સારા સંબંધો કોંગ્રેસને વધુ બેઠકો અપાવી શકે છે. કોંગ્રેસ આગામી ચૂંટણીઓમાં વધુ બેઠકો મેળવવા આશાવાદી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આરાધના અને ઇમરાન મસૂદ યુપી કોંગી સંગઠનમાં ફેરફાર..
  • ઇનસાઇડ સ્ટોરી
  • કોંગ્રેસે પાયો મજબૂત બનાવવા પ્રયાસ કર્યો છે..
  • આરાધના મિશ્રા નું પૂર્વ યુપીમાં જ્યારે ઇમરાન મસૂદનું પશ્ચિમ યુપીમાં વર્ચસ્વ છે

ઉત્તર પ્રદેશના પ્રમુખ તરીકે આરાધના મિશ્રાને નિમીને કોંગ્રેસ મોવડી મંડળે સૌને ચોંકાવી દીધા છે. કોંગ્રેસે અજય મિશ્રાની જગ્યાએ આરાધનાને નિમિને સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદની રેસમાં અજય રાય-રાજેન્દ્ર પાલ વચ્ચે સ્પર્ધા હતી. ઉત્તરપ્રદેશ માં ચૂંટણી પહેલાં કોંગ્રેસ માળખામાં ફેરફાર કરીને વધુ બેઠકો કેવી રીતે મળી શકે તેનો ચાન્સ શોધવા મથી રહી છે.
સમાજવાદી પક્ષ સાથે કોંગ્રેસનું જોડાણ શક્ય છે પરંતુ સમાજવાદી પક્ષ કોંગ્રેસને કેટલી બેઠકો આપશે તે મુદ્દે કોકડું ગુંચવાયેલું છે. આરાધના મિશ્રા પાકા રાજકીય ખેલાડી છે. તેમના પિતા અને સાંસદ પ્રમોદ તિવારીના જોરે તે આગળ આવેલા છે એવું નથી. તે પોતે પણ વિધાનસભ્યનો અનુભવ ધરાવે છે.
હવે આરાધના મિશ્રા ઉત્તરપ્રદેશના સંગઠનને વધુ મજબૂત બનાવવાના કામમાં જોડાઇ જશે. કોગ્રેસના વર્તુળોમાં આરાધના મિશ્રાને કોઇ જવાબદારી સોંપવાની વાત છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી પરંતુ મહત્વના એવા ઉત્તરપ્રદેશમાં તેમને નિમીને લોકોને નવો ચહેરો આપ્યો છે.
આરાધનાના પિતા પ્રમોદ તિવારી નવ વાર વિધાનસભ્ય તરીકે ચૂંટયા છે. બહુ ઓછા રાજકારણીઓ પાસે નવ વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાવાની સિધ્ધિ રહેલી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ નવ વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાયેલા છે. હવે ખડગે અને તિવારી બંને રાજ્યસભાના સભ્ય છે. ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે તે તિવારી ડેપ્યુટી લીડર છે.
અજય રાયનું નામ પણ બહુ ચર્ચામાં હતું. તેમની સિદ્ધિ એ હતી કે વારાણસીમાં તે વડાપ્રધાનની સામે ઉભા રહ્યા હતા અને તાજેતરમાં યુપીના મુખ્ય પ્રધાન સામે બદનક્ષીનો દાવો કરી ચર્ચામાં છે. અજય રાય ભૂમિહાર છે તો આરાધના મિશ્રા બ્રાહ્મણ ચહેરો છે.
આરાધનાના પિતા સ્ટ્રીટ ફાઇટર જેવા છે. કોંગ્રેસ પક્ષની સામેની અનેક કટોકટી વખતે તે મોવડીમંડળની વ્હારે રહ્યા છે. આરાધનાની નિમણૂકથી અજ્ય રાય કેવા પ્રત્યાધાત આપશે તેની રાહ જોવી પડશે. અજય રાય ઉત્તરપ્રદેશમાં મહત્વનો અને કામનો ચહેરો છે. તેમને કોંગ્રેસે રાષ્ટ્રીય ફલક પર જગ્યા આપીને તેમની નારાજગી દુર કરવી પડશે.
રાજકીય સમિક્ષકો કહે છે કે ૫૨ વર્ષના આરાધના મિશ્રાના પિતા અને સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ વચ્ચે સારા સંબંધો છે અને એેટલે કોંગ્રેસને વધુ સીટ મળી શકે છે જેનો જશ આરાધનાને મળશે. બીજી તરફ કોંગ્રેસે શહરાનપુરના સાંસદ ઇમરાન મસૂદને વર્કીંગ પ્રેસિડેન્ટ તરીકે નિમીને વધુ એક ગેમ રમી છે એમ કહી શકાય. મસૂદે અનેક વાર સમાજવાદી પક્ષની વાતોનો વિરોધ કર્યો છે. બીજી તરફ આરાધના મિશ્રા બ્રાહ્મણ ચહેરો છે તો મસૂદ મુસ્લિમ ચહેરો છે.
કોંગ્રેસે ઉત્તરપ્રદેશની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ફેેરફાર કર્યા છે. આરાધના મિશ્રા મોનાનું પૂર્વ ઉત્તર પ્રદશનના મતદારો પર નોંધપાત્ર વર્ચસ્વ છે. જ્યારે ઇમરાન મસૂદનું પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં વર્ચસ્વ છે. આ ઉપરાંત કોંગ્રેસે ઉત્તરપ્રદેશમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે દવેન્દ્ર નિશાદ અને આલોક પ્રસાદને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમ્યા છે. જ્યારે ચૌધરી વિરેન્દ્રસિંહને કેંાગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે નિમ્યા છે.
ઉત્તરપ્રદેશમાં કોંગ્રસ પાસે માત્ર બે બેઠક છે. દેશના આ સૌથી જુના પક્ષને સમાજવાદી પક્ષનો સહારો લેવો પડે છે. કોંગ્રેસે સંગઠનમાં ફેરફાર કરીને પોતાના પાયો મજબૂત બનાવવા પ્રયાસ કર્યો છે.