| (IMAGE - ENVATO) |
World Sleep Day: ઘણી વખત રાત્રે ઊંઘમાં નસકોરાં બોલાવતી વ્યક્તિની મજાક ઉડાવવામાં આવતી હોય છે, પરંતુ વાસ્તવમાં આ મજાકનો નહીં પણ ચિંતાનો વિષય છે. રાત્રે ઊંઘમાં આવતા નસકોરાં હાઈ બ્લડપ્રેશર અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનું જોખમ દર્શાવે છે. ડૉક્ટરોના મતે, ઓબ્સટ્રેક્ટિવ સ્લીપ એપનિયા એટલે કે જ્યારે વ્યક્તિ ઊંઘમાં મોટેથી નસકોરાં બોલે, ત્યારે તે દરમિયાન તેના મગજ, કિડની અને હૃદયને પૂરતું ઓક્સિજન મળતું નથી.
વર્લ્ડ સ્લીપ ડે: અનિદ્રા અને સ્લીપ એપનિયાનો વધતો ખતરો
દર વર્ષે 13 માર્ચની ઉજવણી ‘વર્લ્ડ સ્લીપ ડે’ તરીકે કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર અનિદ્રા જ નહીં, પરંતુ સ્લીપ એપનિયાના વધતા દર્દીઓ પણ ચિંતાનો વિષય બન્યા છે. ડૉક્ટરોના મતે સ્લીપ એપનિયા એક ગંભીર પ્રકારની બીમારી છે, જેમાં ઊંઘ દરમિયાન શ્વાસ વારંવાર ચાલુ-બંધ થાય છે. શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થવાને લીધે જુદા-જુદા લક્ષણો જોવા મળે છે, જેમાં નસકોરાં બોલવા, દિવસે ઊંઘ આવવી, ચીડિયાપણું, બ્લડપ્રેશર વધવું અને હૃદયરોગના જોખમનો સમાવેશ થાય છે.
બાળકો અને વયસ્કોમાં અલગ લક્ષણો
સ્લીપ એપનિયા પુખ્ત વયના લોકો અને બાળકો બંનેમાં જોવા મળે છે, પરંતુ બંનેમાં તેનાં લક્ષણો અલગ-અલગ હોય છે. જો કોઈ વયસ્ક વ્યક્તિને રાત્રે 7થી વધુ વખત એપનિયાના એપિસોડ, એટલે કે શ્વાસ અટકી જવાની સમસ્યા સર્જાય, તો તેમને દિવસે વધુ ઊંઘ આવવી, ચપળતા અને સ્ફૂર્તિમાં ઘટાડો થવો, માથું દુઃખવું તેમજ બ્લડ પ્રેશર વધવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, સ્લીપ એપનિયા ધરાવતી વ્યક્તિ માટે કાર ચલાવતી વખતે પણ અકસ્માતનું જોખમ વધી જાય છે, કારણ કે ઊંઘ પર તેમનો કોઈ કન્ટ્રોલ રહેતો નથી.
સ્લીપ એપનિયાના બે મુખ્ય પ્રકારો
સોલા સિવિલ હોસ્પિટલના ઈએનટી (ENT) વિભાગના પ્રોફેસર અને હેડ ડૉ. નીના ભાલોડિયાએ જણાવ્યું કે, સ્લીપ એપનિયાના મુખ્ય બે પ્રકાર છે: સેન્ટ્રલ અને ઓબ્સ્ટ્રક્ટિવ. સેન્ટ્રલ સ્લીપ એપનિયા માટે શરીરના ચેતાતંત્રને લગતા ફેરફારો જવાબદાર હોય છે, જેનું નિદાન ન્યુરોલોજિસ્ટ દ્વારા કરવામાં આવે છે. જ્યારે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા માટે મસ્તિષ્ક અને ગરદનના ભાગમાં રહેલા અવરોધો જવાબદાર હોય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ માટે મેદસ્વિતા, ગરદનની આસપાસ ચરબીનો જમાવડો, જડબાના હાડકાની અસામાન્ય રચના, બાળકોમાં ટોન્સિલ તેમજ નાકની પાછળના મસા અને નાકનો પડદો વાંકો હોવો જેવા કારણો જવાબદાર હોય છે.
સ્લીપ એપ્રિયાના લક્ષણો
- શ્વાસ લેવામાં તકલીફ: રાત્રે ઊંઘતી વખતે શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી અને તેના કારણે અચાનક ઊંઘમાંથી જાગી જવું.
- નસકોરાં બોલવા: ઊંઘ દરમિયાન સતત અને મોટેથી નસકોરાં બોલાવવા.
- દિવસ દરમિયાન થાક: રાત્રે ઊંઘ પૂરી ન થવાને કારણે દિવસ દરમિયાન સતત થાકનો અનુભવ થવો.
- વધુ પડતી ઊંઘ: દિવસના સમયે સામાન્ય કરતાં વધુ પડતી ઊંઘ આવવી.
- એકાગ્રતાનો અભાવ: અપૂરતી ઊંઘને લીધે દિવસ દરમિયાન કોઈ પણ કામમાં એકાગ્રતા જાળવવામાં મુશ્કેલી પડવી.
આ પણ વાંચો: ગુજરાતના શહેરોમાં વ્યંધત્વની સમસ્યા ચિંતાજનક, તણાવ-બેઠાડું જીવન અને જંકફૂડે સમસ્યા સર્જી
સ્લીપ એપ્રિયાનું નિવારણ કઇ રીતે લાવવું?
- બેઠાડુ જીવન છોડીને જીવનશૈલીમાં ફેરફાર કરવો.
- વજન ઘટાડવું, વ્યાયામ કરવો, વ્યસન છોડવું.
- ઈએનટી સર્જન દ્વારા સર્જરી કરીને નાક, કંઠનળી, તાળવાના ભાગમાં અવરોધ ઉત્પન્ન કરતા ભાગને દૂર કરાય છે. જેમ કે, નાકનો પડદો-મસા-કાકડા વગેરે. જેનાથી વ્યક્તિને શ્વાસ લેવામાં સરળતા રહે.




