Infertility Rising in Gujarat : ગુજરાતમાં વ્યંધત્વના કેસમાં છેલ્લા એક-બે દાયકામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને શહેરી અને પેરી-અર્બન વિસ્તારોમાં. આધુનિક જીવનશૈલી, મોડા લગ્ન, કારકિર્દીને પ્રાથમિકતા આપવી, તણાવભર્યું જીવન, સેડિમેન્ટરી લાઇફસ્ટાઇલ, જંક ફૂડનું વધુ સેવન, ધૂમ્રપાન-દારૂ, પર્યાવરણીય પ્રદૂષણ તેમજ મહિલાઓમાં PCOS જેવી હોર્મોનલ સમસ્યાઓ અને RTI/STI ઈન્ફેક્શન જેવા કારણોને લીધે વ્યંધત્વના કેસ વધ્યાં છે.
પાંચ વર્ષમાં IVF સેન્ટરોની સંખ્યા પણ બમણી થઈ
અમદાવાદ જેવા શહેરોના પેરી-અર્બન વિસ્તારના તાજેતરના અભ્યાસમાં 7.4% વ્યંધત્વનો દર જોવા મળ્યો છે. જ્યારે ભારતમાં સામાન્ય રીતે 13થી 15% યુગલો વ્યંધત્વથી પીડાય છે અને શહેરી વિસ્તારોમાં આ આંકડો વધુ છે.
IVF સેન્ટરોની સંખ્યા પણ બમણી થઈ
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(NFHS)-5 વર્ષ 2019-21 અનુસાર, ભારતમાં લગ્નના 5 વર્ષ પછી પણ વ્યંધત્વનો દર 18.7 પ્રતિ 1000 મહિલાઓ છે, તેની સામે ગુજરાતમાં પણ શહેરી મહિલાઓમાં 10.7% જેટલો વધુ દર જોવા મળે છે. 2025માં આ આંકડો 8થી 12 ટકાએ છે, જે ચિંતાજનક કહી શકાય. શિક્ષિત અને કામ કરતી મહિલાઓમાં આ સમસ્યા વધુ પ્રચલિત છે, કારણ કે તેઓ મોડી ઉંમરે બાળકની યોજના બનાવે છે. આ વધારો માત્ર આરોગ્ય સમસ્યા જ નહીં, પરંતુ યુગલો પર માનસિક, આર્થિક અને સામાજિક દબાણ પણ વધારે છે. જો કે, તેની સામે અમદાવાદ જેવા શહેરોમાં IVF સેન્ટરોની સંખ્યા પણ બમણી થઈ છે.
આ પણ વાંચો: મહિલાઓએ થાઈરોઈડ બાદ શું-શું ન ખાવું જોઈએ? આવી રીતે રાખો સ્વાસ્થ્યનું ધ્યાન
આ અંગે અમદાવાદના સિનિયર ગાયનેકોલોજિસ્ટ જણાવે છે કે, હાલમાં મોડા લગ્ન અને ઘણી હાઈપ્રોફાઈલ કોર્પોરેટ મહિલાઓમાં વ્યસનોનું વધુ પડતું પ્રમાણ પણ જવાબદાર છે. લાંબા કાઉન્સેલિંગ બાદ પણ અનેક મહિલાઓના ચહેરાઓ જોઈને અમને ખ્યાલ આવી જાય છે અને શરુઆતમાં તો વાત ના કરે પરંતુ વધુ પૂછવામાં આવતાં પાછળથી જાણવા મળે છે કે તેઓ સિગારેટ કે દારૂના વ્યસનના આદી છે. મોટાભાગે નવી પેઢીની મહિલાઓમાં કસરતના અભાવની સાથે ચરબીવાળો ખોરાક અને બેઠાડું જીવન જવાબદાર છે.


