World Oral Health Day 2026: ગુજરાતમાં મોઢાના કેન્સર (Oral Cancer)નું જોખમ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. વિશ્વ ઓરલ હેલ્થ ડે(20 માર્ચ) નિમિત્તે સામે આવેલા આંકડાઓ દર્શાવે છે કે, અમદાવાદ સ્થિત ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ(GDCH) ખાતે વર્ષ 2025 દરમિયાન સ્ક્રિનિંગમાં હજારો લોકોના મોઢામાં કેન્સરના શરૂઆતના લક્ષણો જોવા મળ્યા છે. ખાસ કરીને પ્રી-મેલિગ્નન્ટ ડિસીઝ(PMDs)ના કેસોમાં થઈ રહેલો વધારો રાજ્યમાં ઓરલ હેલ્થની ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરે છે.
કેસમાં સતત વધારો: 2024ની સરખામણીએ જોખમ વધ્યું
સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ, કેન્સરના ગંભીર સ્ટેજ પર પહોંચતા પહેલાના એટલે કે 'પ્રી-કેન્સર' તબક્કાના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
વર્ષ પ્રી-કેન્સર કેસોની સંખ્યા (PMDs)
2024 2,617
2025 3,023
આ આંકડા સ્પષ્ટ કરે છે કે, એક જ વર્ષમાં કેન્સરના શરૂઆતી લક્ષણો ધરાવતા દર્દીઓમાં 400થી વધુનો વધારો નોંધાયો છે. જો આ કેસોની ઓળખ સમયસર ન થઈ હોત, તો આ 3,000થી વધુ દર્દીઓ આવનારા સમયમાં જીવલેણ ઓરલ કેન્સરનો શિકાર બની શક્યા હોત.
OPDમાં દર્દીઓનો ધસારો: 2.24 લાખથી વધુ લોકો સારવાર હેઠળ
અમદાવાદની આ ડેન્ટલ હોસ્પિટલમાં માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ પડોશી રાજ્યોમાંથી પણ દર્દીઓ આવી રહ્યા છે. વર્ષ 2025ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો,
કુલ OPD દર્દીઓ: 2,24,130 થી વધુ
જાન્યુઆરી 2026: 17,788 દર્દીઓ
ફેબ્રુઆરી 2026: 17,564 દર્દીઓ
સતત વધી રહેલી આ સંખ્યા દર્શાવે છે કે મોઢાના રોગો હવે સામાન્ય નથી રહ્યા અને તે કેન્સર જેવી ગંભીર બીમારી તરફ વળી રહ્યા છે.
મિશન મોડ સ્ક્રિનિંગ: 12,000 થી વધુ લોકોની તપાસ
ઓરલ હેલ્થ મંથ દરમિયાન રાજ્યના 33 જિલ્લાઓમાં 282 ડેન્ટિસ્ટ દ્વારા એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન 12,915 લોકોનું સઘન સ્ક્રિનિંગ કરવામાં આવ્યું. 94 સ્થળોએ 'તમાકુ નિષેધ' માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી, જે સૂચવે છે કે તમાકુનું સેવન હજુ પણ ઓરલ કેન્સરનું મુખ્ય કારણ છે. જેલના કેદીઓ, સગર્ભા મહિલાઓ અને દિવ્યાંગ બાળકો સહિત 4,980 લાભાર્થીઓ માટે 45 વિશેષ આઉટરીચ કેમ્પ યોજવામાં આવ્યા હતા.
પ્રી-કેન્સરના લક્ષણો
મોઢામાં પડતા ચાંદા જે લાંબા સમય સુધી રૂઝાતા ન હોય, સફેદ કે લાલ ડાઘા પડવા અથવા મોઢું ખુલવામાં તકલીફ થવી એ પ્રી-કેન્સરના લક્ષણો હોઈ શકે છે. 2025 માં ઓળખાયેલા 3,023 કેસો એ વાતનો પુરાવો છે કે જો સમયસર તપાસ કરાવવામાં આવે તો કેન્સરની સર્જરી કે મૃત્યુના જોખમથી બચી શકાય છે.


