નવી દિલ્હી, તા. 01 જૂન 2020, સોમવાર
દૂધ પીવાથી થતા ફાયદા તો આપણે બધા જાણીએ છીએ. કેલ્શિયમ, આયોડીન, પોટેશિયમ, ફૉસ્ફરસ અને વિટામિન ડીના ગુણોથી ભરપૂર દૂધ આપણા શરીર માટે ઘણું ફાયદાકારક છે. આ સાથે જ દૂધના સેવનથી શરીરમાં પાણીની ઉણપ સર્જાતી નથી. વૈશ્વિક ખાદ્ય પદાર્થ તરીકે દૂધના મહત્ત્વ વિશે જાગરૂકતા ફેલાવવા માટે દર વર્ષે 1 જૂનને વિશ્વ દૂધ દિવસ મનાવવામાં આવે છે. દૂધમાં રહેલા પોષક તત્ત્વ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. પરંતુ આ બધી વસ્તુઓ જાણવા છતા પણ મનમાં એક મૂંઝવણ હંમેશા રહે છે કે આપણા સ્વાસ્થ્ય માટે ગાય, ભેંસ અથવા બકરી કોનું દૂધ ફાયદાકારક છે.
રૉયલ મેલબર્ન ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં અલગ-અલગ પ્રકારના દૂધથી થતા ફાયદા પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. નિષ્ણાંતો અનુસાર ગાય, બકરી અને ભેંસનું દૂધ સમાન નથી હોતું. આરએમઆઇટીના આ અભ્યાસમાં બકરીના દૂધને લઇને કેટલાય પ્રકારના આશ્ચર્યજનક તથ્ય પણ જાણવા મળ્યા છે. બકરીનું દૂધ મનુષ્યને જોખમી વાયરસથી બચાવે છે અને મોટાપાથી પણ છૂટકારો અપાવે છે. જાણો, અલગ-અલગ પ્રકારના દૂધથી થતા ફાયદાઓ વિશે...
ગાયના દૂધથી થતા ફાયદાઓ :
- ગાયના દૂધમાં વિટામિન B-2 અને B-12 ભરપૂર માત્રામાં હોય છે.
- જિમ જતા લોકો માટે ગાયનું દૂધ વધારે ફાયદાકારક હોય છે, કારણ કે ગાયનું દૂધ મસલ્સ અને માંસપેશીઓના મજબૂત કરવામાં મદદ કરે છે.
- ગાયનું દૂધ પીવાથી કેન્સર, એચઆઇવી, હાઇ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત બીમારીઓથી બચાવે છે.
- ગાયના દૂધના સેવનથી સ્કિનના છિદ્રો ઓછા થઇ જાય છે, જેનાથી ગ્લો વધી જાય છે.
- ગાયના દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, એન્ટી ઑક્સીડેન્ટ્સ અને ઝિંક જેવા પોષક તત્વ હોય છે.
ભેંસનું દૂધ પીવાના ફાયદા :
- ભેંસનું દૂધ ઘટ્ટ હોય છે અને તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે.
- આ દૂધમાં કોલેસ્ટ્રોલ નહિવત પ્રમાણમાં હોય છે.
- ભેંસના દૂધમાં પ્રોટીન વધારે હોવાને કારણે વૃદ્ધ લોકોએ ન પીવું જોઇએ. વૃદ્ધ લોકોને ભેંસનું દૂધ પચાવવું અઘરું હોય છે.
- ભેંસનું દૂધ બાળકો માટે ફાયદાકારક હોય છે. કારણ કે તેમાં પોટેશિયમ તેમજ સોડિયમ ઓછા પ્રમાણમાં હોય છે.
- પીસીઆડી, હાઇપરટેન્શન, કિડનીના રોગથી બચવા માટે ભેંસનું દૂધ ખૂબ જ ફાયદાકારક હોય છે.
બકરીના દૂધથી થતા ફાયદા :
- ગાય અને ભેંસના દૂધની સરખામણીમાં બકરીનાં દૂધમાં વિટામિન-Aનું પ્રમાણ વધારે હોય છે.
- નાના બાળકો માટે બકરીનું દૂધ ઘણું ફાયદાકારક હોય છે. આ દૂધમાં નાના ફેટ પાર્ટિકલ હોય છે જેનાથી બાળક સરળતાથી દૂધ પી શકે છે.
- બકરીના દૂધનું સેવન નવજાત શિશુ પણ કરી શકે છે.
- બાળકોના માનસિક વિકાસ માટે બકરીનું દૂધ ઘણું જ ફાયદાકારક છે.
- બકરીના દૂધમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે. તેના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે.


