આવા લાલ ચટ્ટક સફરજનથી લિવર અને કિડનીનું કેન્સર થવાનું જોખમ
ફરીદાબાદ, 20 સપ્ટેમ્બર 2019, શુક્રવાર
ફ્રૂટ માર્કેટમાં હવે બારે માસ લાલ ચટ્ટક સફરજન જોવા મળે છે. આ ચમકદાર સફરજન પર કેમિકલ વેક્સનું પડ ચઢાવેલું હોય છે. તેથી જે લોકો સફરજનને બહારથી જોઈ તેને ખરીદતા હોય તેમણે સાવધાન થઈ જવું. કારણ કે આવા સફરજન ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
સફરજન પર કરવામાં આવતી આ વેક્સ કોટિંગના કારણે લિવર અને કિડની પર અસર થાય છે. તેનાથી કેન્સર જેવી જીવલેણ બીમારી પણ થઈ શકે છે. આ પ્રકારના કેમિકલયુક્ત સફરજનનું વેચાણ અટકે તે માટે અનેકવાર અભિયાનો પણ ચલાવાયા છે પરંતુ થોડા જ દિવસોમાં આ બીમારી ફેલાવતા સફરજન ફરીથી વેંચાવા લાગે છે અને તેના જોખમથી અજાણ લોકો તેને ખરીદે પણ છે.
ફૂડ સેફ્ટ એન્ડ સ્ટેંડર્ડ ઓથોરિડી ઓફ ઈંડિયાના ડીઓએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે વેજિટેબલ વેક્સનો ઉપયોગ ફળ અને શાક પર કરી શકાય છે. નિયમાનુસાર નેચરલ વેક્સ તેમજ વેજિટેબલ વેક્સનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ મોટાભાગના દુકાનદાર કેમિકલ વેક્સનો ઉપયોગ કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ફળ વેંચનાર વેપારીઓનું કહેવું છે કે ફળ ખરાબ ન થાય તે માટે તેના પર વેક્સ કોટિંગ કરવામાં આવે છે.
આ અંગે ડોક્ટરનું કહેવું છે કે જે ફળ અને શાક પર વેક્સ હોય તે શરીરને નુકસાન કરે છે. તેનું સેવન કરવાથી પેટ, લિવર, કિડનીનું કેન્સર થઈ શકે છે. લોકો વેક્સ લગાવેલા ફળ અને શાકનું સેવન કરે છે ત્યારબાદ વેક્સ શરીરની અંદર જઈ અંગોમાં જામી જાય છે. આવા શાક અને ફળનો ઉપયોગ કરતા પહેલા તેને 15થી 20 મિનિટ સુધી ગરમ પાણીમાં રાખઈ અને સારી રીતે ધોયા બાદ જ તેનો ઉપયોગ કરવો.