ઠંડીમાં કસરત કર્યા વિના ઘટાડવું છે વજન ? તો આ વસ્તુનું કરો સેવન
નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2020, સોમવાર
આપણા શરીર માટે ફણગાવેલા કઠોળ ખૂબ ફાયદાકારક છે. ચણા, બદામ, મગ વગેરેને ફણગાવી તૈયાર કરેલા સ્પ્રાઉટ્સમાં અનેક પોષક તત્વો હોય છે. તેનું સેવન જો સવારના નાસ્તામાં કરવામાં આવે તો તે ફાયદાકારક સાબિત થાય છે.
સ્પ્રાઉટ્સ ખાવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેને ખાવાથી તમે તમારું વજન સરળતાથી ઘટાડી શકો છો? આ ઉપરાંત ગેસ અને કબજિયાત જેવી સમસ્યા પણ દૂર થાય છે. તો ચાલો તમને જણાવીએ કે શિયાળામાં ફણગાવેલા કઠોળ ખાવાથી કયા લાભ થાય છે.
ભૂખ વધે છે અને સરળતાથી પચે છે
ફણગાવેલા અનાજમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, વિટામિન એ અને વિટામિન કે હોય છે. જો તમે દરરોજ તેનું સેવન કરશો તો શરીરના અનેક રોગ દૂર થાય છે. અનાજને પાણીમાં પલાળી અને સ્પ્રાઉટ્સ બનાવવાથી તેમાં રહેલા એંટી ન્યૂટ્રિએંટ્સ જેવા તત્વો દૂર થાય છે. આ કઠોળ ભૂખ વધારે છે અને સાથે જ પાચનક્રિયા પણ સુધારે છે.
કબજિયાત અને ગેસની સમસ્યાથી છુટકારો
કઠોળનું સેવન કરવાથી શરીરમાંથી ટોક્સિન દૂર થાય છે. તેને સવારના નાસ્તામાં ખાવાથી દિવસભર શરીરને ઊર્જા મળતી રહે છે. તેનું સેવન કરવાથી કુપોષણ પણ દૂર થાય છે. ફણગાવેલા અનાજમાં પોષક તત્વો અનેકગણા વધી જાય છે. તેના કારણે તે કબજિયાત અને ગેસની સમસ્યાઓથી પણ રાહત આપે છે. જેમને કબજિયાત અને ગેસથી પરેશાની હોય તેમણે નિયમિત રીતે ફણગાવેલા અનાજનું સેવન કરવું જોઈએ. સ્પ્રાઉટ્સમાં કેલરી ઓછી હોય છે અને પ્રોટીન વધારે હોય છે તેથી તે વજનને નિયંત્રણમાં રાખે છે.
આંખનું તેજ વધારે છે
કઠોળ સગર્ભા સ્ત્રીઓ માટે પણ તે ફાયદાકારક છે. ફણગાવેલા કઠોળ ખાવાથી તેમનું સ્વાસ્થ્ય અને બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેમાં જે એન્ટીઓકિસડન્ટ હોય છે જે વૃદ્ધત્વના લક્ષણો ઘટાડે છે. તેમાં ફાઇબર, પ્રોટીન તેમજ વિટામિન એ હોય છે જે આંખોનું તેજ વધારવામાં મદદગાર છે.