કોરોનાની સારવારમાં હાઈડ્રોક્સિક્લોરોક્વીનની ટ્રાયલ ફરી શરૂ થશેઃ WHO
એક રિપોર્ટમાં આ દવાથી ફાયદો થતો હોવાના કોઈ પુરાવા નથી તેવો ઉલ્લેખ હોવાથી ટ્રાયલ બંધ કરાયેલી
સ્વિત્ઝરલેન્ડ, તા. 4 જૂન 2020, ગુરૂવાર
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) મેલેરીયાની સારવારમાં વપરાતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાને કોરોનાની સારવારમાં ફરીથી ટ્રાયલ તરીકે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ગૈબરેયેસસે બુધવારે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ ફરી શરૂ કરવામાં આવશે તેવી જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છેકે અગાઉ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સ્વાસ્થ્યને નુકસાન થતું હોવાનું જણાવીને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ રોકી દીધી હતી. એક વર્ચ્યુઅલ ન્યૂઝ બ્રીફીંગ દરમિયાન ટેડ્રોસે જણાવ્યું કે, 'ઉપલબ્ધ મૃતકઆંકને ધ્યાનમાં રાખીને એક્ઝિક્યુટિવ ગ્રુપ પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર્સને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ ફરી શરૂ કરવા અંગે જણાવશે.'
ગત સપ્તાહે સુરક્ષાનો હવાલો આપીને આ દવાની ટ્રાયલ રોકી દેવામાં આવી હતી. એક રિપોર્ટમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી ફાયદો થતો હોવાનો કોઈ પુરાવો નથી તેમ જણાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્વાસ્થ્ય સંગઠને તેના પર રોક લગાવી હતી.
હાઈડ્રોક્સીક્લોરોક્વીન નામની આ દવા મેલેરીયાની સારવારમાં વપરાય છે. આ દવાનું ઉત્પાદન કરતી મોટાભાગની કંપનીઓ ભારતમાં આવેલી છે. ગત મહીને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિનંતીને માન આપીને ભારતે આ દવાની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કર્યો હતો.