Get The App

એશિયાના સૌથી મોટા સ્લેમ વિસ્તાર ધારાવીમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 22 થઇ

1 એપ્રિલે કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ નોંધાયો હતો

સાંકળી ગલીઓ અને ગીચતાના પગલે સોશિયલ ડિસ્ટન્સિંગ પડકાર બન્યું

Updated: Apr 10th, 2020

GS TEAM

Google News
Google News
એશિયાના સૌથી મોટા સ્લેમ વિસ્તાર ધારાવીમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 22 થઇ 1 - image


મૂંબઇ, 10  એપ્રિલ, 2020, શુક્રવાર

ધારાવીનું નામ પડે એટલે તરત જ માનસપટ પર મુંબઇમાં આવેલો એશિયાનો સૌથી મોટો સ્લમ વિસ્તાર યાદ આવે છે. 613 હેકટર વિસ્તારમાં ફેલાયેલા આ સ્થળે 15 લાખ લોકો વસવાટ કરે છે જેમાંના મજૂરો, મહેનતું અને નાના કારોબારીનો સમાવેશ થાય છે. 1 એપ્રિલના રોજ  ધારાવી સ્લમ એરિયામાં 56 વર્ષની વ્યકિતને કોરોના સંક્રમણ થયું હોવાનો પ્રથમ કેસ નોંધાયો હતો.

આજે શુક્રવારે 5 નવા કેસ નોંધાતા કુલ આંકડો વધીને  22 થયો છે જે ગંભીર ચિંતાનો વિષય માનવામાં આવે છે. 5 નોંધાયેલા નવા કેસોમાં 2 દિલ્હીના મરકજ કાર્યક્રમ સાથે સંકળાયેલા હતા. કારણ કે આ એરિયા અત્યંત ગીચ હોવાથી બીજા વિસ્તારની સરખામણીમાં સંક્રમણ થવાની શકયતા વધારે રહે છે. ગલીઓ ખૂબજ સાંકળી હોવાથી આવતા જતા લોકો એક બીજાને ટચ થઇ જાય છે. જે વિસ્તાર સીલ કરવામાં આવ્યા છે કે કવોન્ટીન કરવામાં આવ્યા છે ત્યાં પણ નિયમોનું પાલન થતું નથી. લોકો ઘરની બહાર નિકળીને અનાજ,કરિયાણા તથા દુધ પાર્લર પર ભીડ કરતા રહે છે. આમ ભૌગોલિક સ્થિતિના લીધે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન એક પડકાર બની ગયું છે.

એશિયાના સૌથી મોટા સ્લેમ વિસ્તાર ધારાવીમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 22 થઇ 2 - image

ઘારાવીમાં કોરોના વાયરસના વધતા જતા કેસથી ચેકિંગ ઘનિષ્ઠ બનાવાયું છે. સંવેદનશીલ વિસ્તારમાં ફળો અને શાકભાજીની દુકાનો અને લારીઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ધારાવીનો સાક્ષરતા દર 69 ટકા છે જે ભારતના કોઇ પણ સ્લમ કરતા વધારે છે. અહીંયા ભારતના વિવિધ ક્ષેત્રના ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા ગ્રામીણો રહે છે.  આ વિસ્તાર મુંબઇની બે મુખ્ય ઉપનગરીય રેલવે લાઇનો, પશ્ચિમી અને મધ્ય રેલવેની વચ્ચે આવેલો છે. ધારાવીની પશ્ચિમમાં માહિમ  અને બાંદ્રા છે જયારે ઉત્તરમાં મીઠી નદી આવેલી છે. મીઠી નદી માહિમ ક્રિકના માધ્યમથી અરબસાગરને મળે છે. વરસાદની સિઝનમાં ગટર અને જળ નિકાસની નબળી સુવિધાના કારણે તે પૂરનો ભોગ બનતી રહી છે.

 મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ 1365 નોંધાયા છે જેમાં મુંબઇમાં સૌથી વધારે છે. ધારાવી જેવા સ્લમ વિસ્તારમાં કોરોના સંક્રમણ ખતરાની ઘંટી સમાન છે. અત્યાર સુધી કોરાના સંક્રમણને વિદેશયાત્રા કરીને આવેલા પ્રવાસીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવતું હતું પરંતુ હવે તે સ્થાનિક લોકોમાં પણ જોવા મળી રહયો છે. છેલ્લા કેટલાક સમયથી જેની વિદેશ પ્રવાસની કોઇ હિસ્ટ્રીના હોય એવા લોકોમાં પણ કોરોના સંક્રમણ જોવા મળી રહયું છે. કોરોના વાયરસના સંક્રમણની આ પેર્ટનને તોડીને તેનો નાશ કરવા માટે દેશમાં લોકડાઉન અમલમાં છે પરંતુ છેલ્લા એક સપ્તાહથી કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહયો છે.

Tags :