'દહીં' ખાઈને મારિયા 117 વર્ષ જીવ્યાં, વિજ્ઞાનીઓએ રિસર્ચ કરી તો રસપ્રદ તારણો સામે આવ્યા
Know The Secret of Oldest Women on Earth: વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ગણાતી મારિયા બ્રાન્યાસ મોરેરાનું ઓગસ્ટ 2024માં 117 વર્ષની વયે મૃત્યુ થયું હતું. જીવનના અંતિમ વર્ષોમાં તેમણે વિજ્ઞાનીઓને પોતાના શરીર અને જિનેટિક્સ પર અભ્યાસ કરવાની મંજૂરી આપી હતી. આ રિસર્ચના પરિણામો એક જાણીતી જર્નલ Cell Reports Medicineમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં તેમની લાંબી ઉંમર વિશેની માહિતી આપવામાં આવી છે.
દુર્લભ જીન્સ અને રોગપ્રતિકારક શક્તિ
વિજ્ઞાનીઓએ શોધ્યું કે મારિયાના શરીરમાં એવા દુર્લભ જિનેટિક વેરિઅન્ટ્સ હતા, જે ચરબીનું પ્રોસેસિંગ વધુ અસરકારક રીતે કરતા અને કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રાખતા. આ કારણે તેમને હૃદયરોગ, અલ્ઝાઇમર્સ કે કેન્સર જેવા ગંભીર રોગો થવાની શક્યતા ઓછી રહી હતી. આ રિપોર્ટ અનુસાર મારિયાની બાયોલોજિકલ ઉંમર (જૈવિક ઉંમર) તેમની વાસ્તવિક ઉંમર કરતાં આશરે 23 વર્ષ ઓછી હતી.
મેડિટેરેનિયન ડાયેટ અને રોજના દહીંનો ઉપયોગ
મારિયા જીવનભર મેડિટેરેનિયન ડાયેટ પર નિર્ભર રહી હતી. એટલે કે શાકભાજી, ફળો, દાળ, ઓલિવ તેલ અને દહીંનો નિયમિત સમાવેશ કરવામાં આવતો હતો. ખાસ કરીને તેઓ રોજ ત્રણ વખત દહીં ખાતા હતા. દહીં ખાવાથી તેમના આંતરડામાં સારા બેક્ટેરિયા સક્રિય રહ્યા હતા અને એના કારણે શરીરમાં સોજા ઓછા રહ્યા હતા.
લાંબી ઉંમરે પણ એક્ટિવ રહ્યાં
મારિયાએ વૃદ્ધાવસ્થામાં પણ ચાલવાનું, વાંચવાનું અને પરિવાર-મિત્રો સાથે સમય વિતાવવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે ક્યારેય ધુમ્રપાન કે દારૂનો સેવન કર્યો નહોતો. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ આ તેમની આ એક્ટિવ રહેવાની જીવનશૈલી અને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાવવાનું લાંબી ઉંમરમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થયું હતું.
વિજ્ઞાનીઓનું શું કહેવું છે?
અભ્યાસના મુખ્ય સંશોધક ડૉ. મેનલ એસ્ટેલરે જણાવ્યું કે મારિયાના શરીરમાં એક “અદ્ભુત તત્વ” જોવા મળ્યું હતું. એક તરફ વૃદ્ધાવસ્થાના સંકેતો, તો બીજી તરફ લાંબી ઉંમરના મજબૂત લક્ષણો તેમનામાં હતા. ટૂંકા ટેલોમિયર્સ (chromosomeના અંતે રહેલા DNAના ભાગ) હોવા છતાં તેઓને કેન્સર કે ગંભીર રોગો થયા નહોતા, જે વિજ્ઞાનીઓ માટે આશ્ચર્યજનક છે.
આ પણ વાંચો: દુબઈ જતા પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, પાવર બેન્કને લઈને એમિરેટ્સનો નવો નિયમ
મહત્ત્વની બાબત:
- મારિયા 1907માં સાન ફ્રાન્સિસ્કોમાં જન્મેલા અને જીવનનો મોટો ભાગ સ્પેનના કતાલોનિયામાં પસાર કર્યો હતો.
- તેમણે બે વિશ્વયુદ્ધ, સ્પેનિશ ફ્લૂ અને કોવિડ-19 મહામારીનો સામનો કર્યો.
- 2023થી મૃત્યુ સુધી તેઓ વિશ્વની સૌથી વૃદ્ધ જીવંત વ્યક્તિ તરીકે ઓળખાતાં હતાં.
- રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે દુર્લભ જીન્સ + સ્વસ્થ આહાર + એક્ટિવ જીવનશૈલી = લાંબા જીવન માટેનું ટોનિક.