Rising Cervical Cancer Cases in India: ગર્ભાશયના મુખના કેન્સરના કેસમાં થઈ રહેલો સતત વધારો ચિંતાનો વિષય બન્યો છે. ભારતમાં દર ચાર મિનિટે એક મહિલાને ગર્ભાશયના મુખના કેન્સરનું કેસનું નિદાન થાય છે અને સાત મિનિટે એક મહિલા તેના કારણે મૃત્યુ પામે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓમાં આ કેન્સરનું વધુ પ્રમાણ જોવા મળે છે.
સરળ સારવારથી કેન્સર થતું અટકાવી શકાય
ડૉક્ટરોના મતે, આ કેન્સરનું મુખ્ય કારણ હ્યુમન પેપિલોમા વાયરસ (એચપીવી) છે, જે મુખ્યત્વે જાતીય સંપર્ક દ્વારા ફેલાય છે. જો વાયરસ લાંબા સમય સુધી રહે તો તે ગર્ભાશયના મુખના કોષોમાં અસામાન્ય ફેરફાર કરે છે અને વર્ષો પછી કેન્સર વિકસી શકે છે. ગર્ભાશયના મુખનું કેન્સર અચાનક થતું નથી. તેના પહેલા વર્ષો સુધી સર્વાઇકલ ઈન્ટ્રાએપિથેલિયલ નીઓપ્લેઝિયાની પૂર્વ અવસ્થા રહે છે. આ અવસ્થામાં ગર્ભાશયના મુખના કોષોમાં અસામાન્ય ફેરફાર છે. સામાન્ય રીતે સર્વાઇકલ ઈન્ટ્રાએપિથેલિયલ નીઓપ્લેઝિયામાંથી કેન્સર બનવામાં 10 વર્ષ લાગી શકે છે. આ તબક્કામાં યોગ્ય તપાસ દ્વારા રોગ પકડાઇ જાય તો સરળ સારવારથી કેન્સર થતું અટકાવી શકાય છે. જેના કારણે નિયમિત તપાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સિવિલની કેન્સર હોસ્પિટલ દ્વારા વર્ષ 2022થી નિઃશુલ્ક કેન્સર સ્ક્રીનિંગ ઓપીડી ચલાવવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધી 50 હજારથી વધુ સ્વસ્થ નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ પૈકી 18 દર્દીઓમાં કેન્સર વહેલા તબક્કે શોધાઈ આવ્યું છે. આ ઉદાહરણ સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે સમયસર તપાસ અને સ્ક્રીનિંગથી જીવન બચાવી શકાય છે.
આ પણ વાંચો: ભારતમાં 3 વર્ષથી રેબિઝની નકલી વેક્સિન વેચાઈ રહી છે, ઓસ્ટ્રેલિયાએ ચેતવણી જાહેર કરી
સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું કે, 'એચપીવી રસી ગર્ભાશયના મુખના કેન્સર સામે સૌથી અસરકારક હથિયાર માનવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાનની માર્ગદર્શિકા પ્રમાણે 9થી 14 વર્ષની છોકરીઓને 1 અથવા 2 ડોઝ, 15થી 20 વર્ષની યુવતીઓને 1 અથવા 2 ડોઝ જ્યારે 21થી વધુ ઉંમરની મહિલાઓને 6 મહિનાના અંતરે બે ડોઝ લેવાની ભલામણ કરાય છે. આ રસી સુરક્ષિત છે અને સામાન્ય રીતે કોઈ ગંભીર આડઅસર કરતી નથી. સિવિલની કેન્સર હોસ્પિટલ દ્વારા અત્યારસુઝી બે હજાર જેટલી છોકરી-યુવતીઓને એચપીવી વેક્સિન આપવામાં આવી છે.'
ગર્ભાશયનું કેન્સર થવાનું કારણ શું હોય છે?
વહેલાં લગ્ન, નાની ઉંમરે જાતીય જીવનની શરૂઆત, વારંવાર પ્રસુતિ, પ્રજનન અંગોની અસ્વચ્છતા, જાતીય ચેપી રોગ, એકથી વધુ જાતીય સાથી, તેમજ તમાકુ અને દારૂનું સેવન જેવા પરિબળો પણ આ કેન્સરના જોખમને વધારે છે.
ગર્ભાશયના મુખના કેન્સરના લક્ષણો શું હોય છે?
ગર્ભાશયના મુખનું કેન્સર શરૂઆતમાં ઘણી વખત સ્પષ્ટ લક્ષણો આપતું નથી, જેના કારણે મહિલાઓ સમયસર આ તકલીફને ઓળખી શકતી નથી. અલબત્ત, કેટલીક ચેતવણીરૂપ નિશાનીઓ ઘ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. સંભોગ પછી રક્તસ્ત્રાવ, માસિક દરમિયાન વધુ અથવા અનિયમિત રક્તસ્ત્રાવ, મેનોપોઝ પછી રક્તસ્ત્રાવ, યોનિમાર્ગમાંથી દુર્ગંધયુક્ત સ્ત્રાવ, પેઢું કે કમરમાં દુઃખાવો, માસિક સિવાય રક્તસ્ત્રાવ, ગર્ભાશયના મુખ પર ઘા થવા જેવા લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ લક્ષણો કેન્સરની પૂર્વ અવસ્થાનું પણ સંકેત હોઈ શકે છે.
એસિટિક એસિડ લગાવી ગર્ભાશયના કેન્સરની તપાસ
વિઝ્યુઅલ ઈન્સ્પેક્શન વિથ એસેટિક એસિડ ટેસ્ટ એક સરળ અને ઓછી ખર્ચાળ પદ્ધતિ છે, જેમાં એસેટિક એસિડ લગાવીને ગર્ભાશયના મુખની તપાસ કરવામાં આવે છે. પેપ સ્મિયર ટેસ્ટમાં કોષોનો નમૂનો લઈને માઇક્રોસ્કોપ હેઠળ તપાસ થાય છે, જેથી કેન્સરની પૂર્વ અવસ્થા ઓળખી શકાય છે. 30 થી 65 વર્ષની દરેક મહિલાઓએ દર 3થી 5 વર્ષે નિયમિત રીતે તપાસ કરાવવી જોઈએ.


