ખોટું બોલી રજા લેતાં લોકોને હોય છે આ માનસિક બીમારી, WHOએ કરી સ્પષ્ટતા
નવી દિલ્હી, 3 જૂન 2019, સોમવાર
કામથી બચવા માટે અને ઓફિસ ન જવા માટે જો તમે થોડા થોડા સમયે બોસને અલગ અલગ બહાના બતાવી રજા લેતા હોય તો સાવધાન થઈ જાઓ. કારણ કે આમ કરવું એક માનસિક બીમારી હોય શકે છે. આ બીમારીની પુષ્ટિ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ પણ કરી છે. WHOએ તાજેતરમાં એક યાદી જાહેર કરી છે જેમાં વિવિધ બીમારીઓ વિશે જણાવાયું છે, આ યાદીમાં આ બીમારીનો પણ ઉલ્લેખ છે.
WHOના રીપોર્ટ અનુસાર કામના ભારણના કારણે લોકોને આ બીમારી થઈ જાય છે. આ બીમારીને બર્નઆઉટ નામ આપવામાં આવ્યું છે. નિષ્ણાંતો અનુસાર કામના વધારે પડતા બોજના કારણે આ બીમારી થાય છે. આ બીમારી થયા બાદ લોકો કોઈપણ બહાના કરી કામથી બચવાનો પ્રયત્ન કરે છે. તેમની કાર્યકુશળતામાં પણ ઘટાડો થાય છે. સંસ્થાએ આ બીમારીનો સમાવેશ પોતાની ઈંટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીસની યાદીમાં કર્યો છે. ડબલ્યુએસઓની યાદી અનુસાર બર્નઆઉટ સિંડ્રોમ એક પ્રકારની માનસિક બીમારી છે.
રીપોર્ટ અનુસાર ભારતમાં રજા લેનાર કર્મચારીની સંખ્યા ઓછી છે. રજા લેવાની બાબતે સરકારી કરતાં પ્રાઈવેટ કંપનીના કર્મચારીઓ આગળ હોય છે. તેનું કારણ છે કે કંપની કર્મચારી પાસેથી એક સપ્તાહમાં 50 કલાકથી વધારે કામ લેતી હોય છે. ભારતમાં કામ કરનાર અંદાજે 42 ટકા ભારતીય કર્મચારી ડીપ્રેશન અને એનઝાઈટીથી પીડિત હોય છે. કારણ કે લોકો ઓફિસથી ઘરે આવ્યા બાદ પોતાના પરીવાર સાથે ન તો વાત કરી શકે છે ન તો તેની સાથે સમય પસાર કરે છે. આ સ્થિતીના કારણે તેઓ પોતાના મિત્રોથી પણ દૂર થઈ જાય છે.
બર્નઆઉટ સિંડ્રોમના લક્ષણ
1. માનસિક થાક અને એનર્જીની ખામી
2. ઓફિસમાં ઉત્સાહ સાથે કામ ન કરી શકવું.
3. કામથી કંટાળી જવું.
4. કામ કરતી વખતે નકારાત્મક ભાવના થવી
5. કાર્યકુશળતામાં ઘટાડો થવો.