For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટૂંક સમયમાં જ સર્વાઈકલ કેન્સર, ટાઈફોઈડ માટે વેક્સિનેશનની થશે શરૂઆત

Updated: Jun 29th, 2022

Article Content Image

- સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની વિષય નિષ્ણાત સમિતિએ ત્યારબાદ 15 જૂને રસીના માર્કેટિંગ માટે મંજૂરીની ભલામણ કરી હતી

નવી દિલ્હી, તા. 29 જૂન 2022, બુધવાર

દેશમાં સર્વાઈકલ કેન્સર અને ટાઈફોઈડની વેક્સિન ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ શકે છે. સરકારના સલાહકાર જૂથ NTAGIએ મંગળવારે તેમની રસી સંબંધિત ડેટાની તપાસ કર્યા બાદ વેક્સિનેશન શરૂ કરવાની ભલામણ કરી છે. અહેવાલ અનુસાર, સર્વાઈકલ કેન્સર સામે દેશની આ પ્રથમ qHPV વેક્સિન હશે. સર્વાઈકલ કેન્સર ભારતમાં 15થી 44 વર્ષની વયની મહિલાઓમાં બીજું સૌથી સામાન્ય કેન્સર છે. આવી સ્થિતિમાં આ વેક્સિનેશન ઘણી મદદગાર સાબિત થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રસીકરણ પર નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઇઝેશન (NTAGI)ના HPV કાર્યકારી સમુહે 8 જૂને પોતાની બેઠકમાં ઉપયોગીતાની તપાસ કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં સમાવેશ કરવાના હેતુથી આ રસીઓના ક્લિનિકલ ટ્રાયલના ડેટાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની વિષય નિષ્ણાત સમિતિએ ત્યારબાદ 15 જૂને રસીના માર્કેટિંગ માટે મંજૂરીની ભલામણ કરી હતી. જોકે, ડ્રગ કંટ્રોલર ડીસીજીઆઈની મંજૂરીની હજુ રાહ જોવાઈ રહી છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સરકારી અને નિયમનકારી બાબતોના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે આ રસીની મંજૂરી માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને અરજી કરી છે. તેમણે બાયોટેક્નોલોજી વિભાગના સમર્થન સાથે તબક્કો 2/3 ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થયા બાદ દેશમાં તેની વહેલી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે માર્કેટમાં લોન્ચ કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે.

આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, CERVAVAC નામની આ વેક્સિનથી એન્ટિબોડીની સારી પ્રતિક્રિયા દર્શાવી છે. જે અન્ય HPV પ્રકારની રસીઓ કરતાં 1,000 ગણી વધુ અસરકારક છે. ટ્રાયલ દરમિયાન તમામ ઉંમરના લોકો અને જૂથો પર તેની સારી અસર જોવા મળી છે. આવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દર વર્ષે લાખો મહિલાઓ સર્વાઈકલ અને અન્ય કેન્સરથી પીડાય છે. આ રોગના કારણે અનેક લોકો મૃત્યુ પામે છે.


Gujarat