લોકો ફેશન પર શરીરના ભાગ પર ટેટુ ચિતરાવે છે પરંતુ વૈજ્ઞાનિકોએ એવા ઇ ટેટુની શોધ કરી છે જે હાર્ટ એટક અંગે ચેતવણી આપશે. એટલું જ નહી તે હાર્ટ એટેકની તમામ પરીસ્થિતિ પર નજર રાખશે. આ અનોખા ઇ ટેટૂને અમેરિકાની ટેકસાસ યૂનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કર્યુ છે.જે ઇસીજી (ઇલેકટ્રો કાર્ડિયો ગ્રામ) અને એસસીજી (સીજમો કાર્ડિયોગ્રાફી)ને સ્કેન કરીને હાર્ટ અંગેનો ડેટા તૈયાર કરશે જેથી કરીને તાત્કાલિક સારવાર માટે પણ મદદ મળશે. ખૂબજ પાતળા આ ઇ ટેટૂને શરીરમાં છાતીના ભાગ પર લગાવવામાં આવે છે જેમાં અત્યંત પાતળા અને સરળતાથી ખેંચી શકાય તેવા સેન્સર લગાવેલા છે. આમ તો બજારમાં અનેક પ્રકારના ફિટનેસ ટ્રેકર મળે છે પરંતુ તેની સરખામણીમાં આ વધુ ઉમદા પરીણામ આપે છે.

આ ઇ ટેટૂમાં ફિલામેંટ્રી સર્પેટાઇન પૉલીવિનાયલ ફલોરાઇડનો ઉપયોગ કર્યો છે જેનાથી તે એકદમ ઓછું વજન ધરાવે છે. લાંબા સમય સુધી ધારણ કરી શકાય તેવા આ ટેટૂમાં ૩ડી ડિજિટલ ઇમેજ માટે ખાસ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી હ્વદયના કયાં ભાગમાં અસામાન્ય વાઇબ્રેશન થઇ રહયું છે તે જાણી શકાય છે. જાળા જેવું દેખાતું આ ટેટૂની લંબાઇ ૩૮.૧ મિમી અને પહોળાઇ ૬૩.૫ મિમી છે. આ ટેટૂને છાતિના ભાગ પર લગાવવાથી જ સારુ પરીણામ મળે છે. ચિપકાવતા પહેલા સેન્સરને સ્માર્ટફોન સાથે કનેકટ કરવામાં આવે છે. જો કે સંશોધકો ભવિષ્યમાં વાયરલેસ સિસ્ટમથી ચાર્જ કરવાની ટેકનિક પર કામ કરવા વિચારી રહયા છે. આ ઉપરાંત ડીવાઇસના ડેટાને સ્ટોર કરવાની પ્રોસેસમાં પણ સુધારો લાવવા માંગે છે.


