જાણો, કોરોના હવાથી ફેલાવા અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ શું કહયું ?
વાયરસ સંક્રમિત માણસોના સંપર્કમાં આવવાથી જ ફેલાય છે
કોરોના વાયરસ હવામાં હોય છે એવી વ્યાપક માન્યતા
વોશિંગ્ટન, 29 માર્ચ, 2020 રવીવાર
કોરોના વાયરસનો પ્રકોપથી દુનિયા પરેશાન છે. કોરોના બાબતે લોકો જાગૃતિ રાખે એ જરુરી છે પરંતુ અફવાઓ અને ખોટી માન્યતાઓથી પણ દૂર રહેવાની જરુર છે. કોરોના વાયરસ હવામાં હોય છે એવી વ્યાપક માન્યતા પ્રવર્તે છે આથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્પષ્ટતા કરી છે કે કોવિડ-19 કોરોના વાયરસ સંક્રમિત માણસોના સંપર્કમાં આવવાથી જ ફેલાય છે તે હવામાં હોતો નથી. સંક્રમિત વ્યકિત જયારે ઉધરસ કે છીંક ખાય ત્યારે સેંકડો સુક્ષ્મ બુંદો બહાર આવતી હોય છે તે નજીકના માણસમાં ફેલાઇને સંક્રમિત કરી શકે છે.
આનાથી બચવા માટે મોં અને નાકને ઢાંકવા માટે માસ્ક પહેરવો હિતાવહ છે એમાં પણ જેને પોતાને સંક્રમણની જરાં પણ શંકા લાગતી હોય તેમને અવશ્ય માસ્ક પહેરવો જોઇએ એટલું જ નહી જાતે જ હળવા મળવાનું બંધ કરીને એકાંતમાં રહેવું જોઇએ. વાયરસ ધરાવતી આ બુંદ પણ હવામાં તરતા નથી પરંતુ ઝડપથી જમીન પર પડી જાય છે આથી કોરોના વાયરસ હવામાં રહીને સંક્રમિત કરે છે એ વાતનું WHO એ ખંડન કર્યુ હતું. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાના સંક્રમણથી બચવા માટે 1 મીટરનું અંતર રાખવું જરુરી છે જેના માટે સોશિયલ ડિસ્ટન્સ શબ્દ પ્રચલિત બન્યો છે. વાયરસ કોઇ પદાર્થ કે વસ્તુની સપાટી પર પડયો હોય ત્યારે તેના સ્પર્શથી હાથ દ્વારા શરીરમાં પ્રવેશ કરી શકે છે આથી વારંવાર હાથ ધોતા રહેવું જરુરી છે.