Get The App

કોરોના વાયરસના ભયને પગલે ઘરને આ રીતે રાખો જંતુમુક્ત

- દરવાજાના હેંડલ, સ્વીચ, રાચરચીલાની સપાટી ઈત્યાદિને કરો વારંવાર સાફ

Updated: Apr 3rd, 2020

GS TEAM

Google News
Google News
કોરોના વાયરસના ભયને પગલે ઘરને આ રીતે રાખો જંતુમુક્ત 1 - image


મુંબઇ, તા.03 એપ્રિલ 2020, શુક્રવાર

હમણાં સર્વત્ર કોરોના વાયરસનો ભય ફેલાયેલો છે તેથી લોકો માસ્ક, સેનિટાઈર્જ જેવી રક્ષણાત્મક વસ્તુઓનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. પરંતુ જેટલું ધ્યાન તમે પોતાનું રાખો છો એટલું તમારા ઘરનું પણ રાખો છો ખરા? સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે જે રીતે તમે તમારા હાથ વારંવાર સેનિટાઈઝરથી સાફ કરો છો કે સાબુથી ધૂઓ છો તેવી જ રીતે તમારા રસોડાને તેમજ ઘરના અન્ય ભાગોને જંતુરહિત કરવાની જરૂર હોય છે.

તમારા કીચનકપબર્ડ, પ્લેટફોર્મ, ફ્રીજ ઈત્યાદિની સપાટી પર જંતુ ચોંટી રહેવાની શક્યતા હોય છે. તેથી તેને સાબુના પાણી વડે અથવા આ સપાટીને જંતુમુક્ત કરી શકે એવા અન્ય કોઈ પ્રવાહી ઈત્યાદિથી સાફ કરવા જોઈએ. રસોઈ બનાવવાનું કામ પૂરું થાય કે તરત જ આ કામને પ્રાધાન્ય આપવું જોઈએ.

તેઓ વધુમાં કહે છે કે જો તમે ઘરમાં સ્લીપર પહેરતા હો તો ઘરની બહાર નીકળો ત્યારે બીજા પગરખાં પહેરો. આ સ્લીપર પહેરીને ઊંબરાની બહાર પણ પગ ન મૂકો. ઉઘાડા પગે ઘરથી બહાર ન નીકળો. જો ખુલ્લા પગે ઘરથી બહાર પગ મૂકો તો ઘરમાં આવ્યા પછી તરત જ પગ સાબુ વડે ધોઈ લો. તેવી જ રીતે બાથરૂમ સુધી જવા જ્યાંથી પસાર થયા હો એ ફરસ પણ જંતુમુક્ત કરો.

તમારા ઘરના દરવાજાના હેંડલ, લોક, સ્વીચ, કમ્પ્યુટરનું કી-બોર્ડ, બાથરૂમના દરવાજાના હેંડલ સુધ્ધાં જંતુરહિત કરો. આને માટે તમે ડેટોલવાળા નેપકીનનો ઉપયોગ પણ કરી શકો. આ કામ કરતી વખતે ગ્લવ્ઝ પહેરો અને કામ પૂરું થઈ ગયા પછી તે ફેંકી દો.

શાકભાજી, ફળો, કરિયાણું ઈત્યાદિ ખરીદવા જાઓ ત્યારે ઘરમાં આવવાથી પહેલા જ તેની થેલી સારી રીતે સાફ કરી લો અથવા ઘરના ખૂણામાં ૨૪થી ૪૮ કલાક માટે મૂકી રાખો. આ સમય દરમિયાન તેને અડો નહીં. જે વસ્તુઓ પ્લાસ્ટિકમાં પેક થઈને આવી હોય તે પેકેટ થોડું ડિટર્જન્ટ નાખેલા પાણીથી ધોયા પછી સાદા પણી વડે ધોઈને સુકવી દો. દૂધની થેલીઓ પણ દરરોજ આ રીતે ધોયા પછી જ દૂધ તપેલામાં ઠાલવવું.

શાકભાજી અને ફળો પોટેશિયમ પરમેંગેનેટ સોલ્યુશન નાખેલા પાણીમાં અથવા ગરમ પાણીમાં દસેક મિનિટ મૂકી રાખ્યા પછી સારી રીતે ધોઈને સુકવી છે. જો શાકભાજી, ફળો, કરિયાણું, ઔષધિઓ જેવી જીવનાવશ્યક વસ્તુઓ ખરીદવાની હોય તો જ ઘરની બહાર નીકળો. શક્ય હોય ત્યાં સુધી એકી વખતે વધારે સામાન લઈ રાખો જેથી વારંવાર ઘરથી બહાર નીકળવાની જરૂર ન પડે. ખરીદી કરની પરત ફર્યા પછી તરત જ સ્નાન કરો અને તમારા વસ્ત્રો પણ સાબુથી ધોઈ લો.

ઘરમાં બેઠાં હો ત્યારે પણ વારંવાર હાથ ધોતાં રહે. ખાસ કરીને દરવાજાના હેંડલ, ફલશ ટેંકના નોબ, સ્વીચ ઈત્યાદિને અડયા પછી તરત જ સાબુ વડે હાથ ધૂઓ. આ બધા ઠેકાણે ઘરની પ્રત્યેક વ્યક્તિના હાથ વારંવાર અડતા હોવાથી દર વખતે હાથ ધોવાં અત્યાવશ્યક બની રહે છે.

ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શ્રીમંત લોકો પાસે વધારાની જગ્યા હોવાથી તેમના પાળતૂઓને ત્યાં રાખવામાં આવે છે. આ પાલતૂઓ સાથે અન્ય લોકો રમવા ન લાગે, તેમને સ્પર્શે નહીં એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો.

ઘરના ખૂણેખૂણા સાફ કરવા હાઈપોકલોરાઈટ અથવા બ્લીચિંગ પાવડરનો વપરાશ કરી શકાય. જો તમારા ઘરમાં કોઈ માંદુ પડે તો તેનાથી ચોક્કસ અંતર જાળવી રાખવું સલાહભર્યું છે. તેમાં માંદી પડેલી વ્યક્તિને પણ ખોટું ન લાગવું જોઈએ. તેના કપડાં પણ અલગ ધોવા જોઈએ.

Tags :