For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેન્સર થતું હોવાના આક્ષેપો બાદ J&J 2023થી પોતાના સિમ્બોલિક બેબી પાવડરનું વેચાણ બંધ કરશે

Updated: Aug 12th, 2022

Article Content Image

- સમગ્ર વિશ્વમાં પોર્ટફોલિયો એસેસમેન્ટ તરીકે અમે તમામ કોર્નસ્ટાર્ચ આધારીત બેબી પાવડરનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છેઃ જોનસન એન્ડ જોનસન

નવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ 2022, શુક્રવાર 

એક સમયે દરેક ઘરોમાં વપરાતો જોનસન એન્ડ જોનસનનો બેબી પાવડર હવે 2023ના વર્ષથી ગાયબ થવા જઈ રહ્યો છે. હાલ ફાર્મા કંપની હજારો કન્ઝ્યુમર કેસનો સામનો કરી રહી છે. કંપનીએ લાખો લોકોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને ટેલ્ક બેઝ્ડ બેબી પાવડરના વેચાણને સંપૂર્ણપણે બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. 

અમેરિકામાં હજારો લોકોની ફરિયાદો બાદ તેનું વેચાણ પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યું હતું. કંપનીના કહેવા પ્રમાણે અગાઉ વિશ્વના અનેક દેશોમાં બેબી પાવડરનું વેચાણ થતું હતું પરંતુ હવે સમગ્ર વિશ્વભરમાં તેનું વેચાણ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

કંપનીનું નિવેદન

જોનસન એન્ડ જોનસને ગુરૂવારના નિવેદનમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં પોર્ટફોલિયો એસેસમેન્ટ તરીકે અમે તમામ કોર્નસ્ટાર્ચ આધારીત બેબી પાવડરનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

અમેરિકા-કેનેડામાં નથી મળતો આ પાવડર

કંપનીએ 2020માં જ અમેરિકા અને કેનેડામાં આ પાવડરનું વેચાણ બંધ કરી દીધું હતું. પાવડરમાંથી મળી આવેલા હાનિકારક ફાઈબર એસ્બેસ્ટસના કારણે લોકોમાં કેન્સરનું જોખમ વધી રહ્યું હતું. આશરે 35,000 જેટલી મહિલાઓએ તે પ્રોડક્ટના વિરોધમાં ફરિયાદો કરી હતી. ત્યાર બાદ આખી દુનિયામાં કંપની સામે કેસ દાખલ થવા લાગ્યા હતા. 

ગર્ભાશયનું કેન્સર થતું હોવાના આક્ષેપ

મહિલાઓએ આ પાવડરના ઉપયોગના કારણે તેમને ગર્ભાશયનું કેન્સર થવાનું જોખમ હોવાની ફરિયાદ કરી હતી. આ કારણે અમેરિકા અને કેનેડામાં તેની ડિમાન્ડમાં ભારે ઘટાડો થયો હતો. વેચાણ ઘટવાના કારણે અમેરિકા અને કેનેડાએ 2020માં તે પાવડર પર પ્રતિબંધ મુકી દીધો હતો. જોકે આજે પણ બ્રિટન સહિત વિશ્વના અનકે દેશમાં આ પાવડરનું વેચાણ થઈ રહ્યું છે. 

Article Content Image

J&J સામે 19,400 કેસ દાખલ

કંપની સામે હાલ 19,400 જેટલા કેસ દાખલ છે. આરોપ પ્રમાણે આ ટેલકમ પાવડરના કારણે લોકોને ડિમ્બગ્રંથિનું કેન્સર થાય છે. તેનાથી મેસોથેલિયોમા કેન્સર થાય છે જે ફેફસાં તથા અન્ય અંગો પર હુમલો કરે છે. અત્યાર સુધીમાં કોર્ટમાં જેટલા કેસ અંગે ચુકાદો આવી ગયો છે તેમાં 12માં કંપનીને જીત મળી છે જ્યારે 15માં કંપનીના વિરૂદ્ધમાં નિર્ણય આવ્યો છે. 

કોર્ટે આશરે 15 હજાર કરોડનો દંડ ફટકારેલો

અમેરિકાની એક કોર્ટે આ પાવડરના કારણે ઓવરિયન કેન્સર થતું હોવાથી કંપનીને 15 હજાર કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કંપનીએ બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત કરી છે. કંપની પર એવો આરોપ હતો કે, તે પોતાની પ્રોડક્ટમાં એસ્બેસ્ટસ ઉમેરે છે. જજે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે, કંપનીએ જે ગુનો કર્યો છે તેની સરખામણી પૈસા સાથે ન કરી શકાય પરંતુ ગુનો મોટો છે માટે દંડ પણ મોટો હોવો જોઈએ. 

કંપની પોતાની પ્રોડક્ટને સુરક્ષિત ગણાવે છે

કંપની 1894થી પોતાના બેબી પાવડરનું વેચાણ કરી રહી છે. અનેક દશકાઓથી કંપનીની સિમ્બોલિક પ્રોડક્ટ રહેલા બેબી પાવડરે કંપનીને તગડી કમાણી પણ કરાવી છે. પરંતુ હવે સમગ્ર વિશ્વમાં આ પાવડરનું વેચાણ બંધ કરી દેવામાં આવશે. કંપનીએ પોતે પણ પોતાના પાવડર પર રિસર્ચ કર્યું હતું અને ટેલ્ક બેબી પાવડર સુરક્ષિત હોવાનો દાવો કર્યો હતો. કંપનીના કહેવા પ્રમાણે તેનાથી કેન્સર નથી થતું. 


Gujarat