છેલ્લા 3 મહિનામાં કોરોનાથી 106 ડોકટરના મોત થયા
તબીબો કોરોના મહામારી સામે યોધ્ધાની જેમ લડયા હતા
કોરોનાનો ભોગ બનેલા ડોકટરોની સરેરાશ ઉંમર 56 વર્ષ
નવી દિલ્હી,૭,જુલાઇ,૨૦૨૦,મંગળવાર
૧૦૬ ડોકટર્સે કોરોના વાયરસ મહામારી સામે લોકોને સારવાર આપીને બચાવી રહેલા ડોકટરો પણ કોરોનાથી બચી શકયા નથી. છેલ્લા ત્રણ મહિનામાં કોરોના વાયરસ સામે યોધ્ધાની જેમ લડેલા ૧૦૬ ડોકટરના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાનો ભોગ બનેલા ડોકટરોની સરેરાશ ઉંમર ૫૬ વર્ષ છે જેમાંથી ૨૯.૬ ટકા ડોકટરની ઉંમર ૫૦ વર્ષ કરતા પણ ઓછી છે. જયારે ૨૧ ટકા ડોકટર્સની ઉંમર ૪૦ વર્ષ કરતા પણ ઓછી હતી એટલે કે ૨૦ થી વધુ ડોકટર્સ ૪૦ વર્ષ આસપાસના હતા જેમણે કોરોના મહામારીમાં જીવ ગુમાવ્યો છે.
ભારતમાં કોરોના સંક્રમણ અને તેનાથી થયેલા મોતના આંકડાનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે ભારતમાં મુત્યુદર ૨.૪ ટકા છે જયારે ડોકટર્સનો મુત્યુદર ૬.૧ ટકા જેટલો છે જે સામાન્ય મુત્યુદર કરતા બમણાથી પણ વધારે રહે છે. કોરોના મહામારી દરમિયાન કોરોના સંક્રમણના કેસ સતત વધતા જાય છે તેમ ડોકટર્સ માટે પણ પડકાર વધતા જાય છે.સારવાર દરમિયાન ભૂલથી સંક્રમણનો ભોગ બને ત્યારે જીવનું જોખમ આવી પડે છે. ડોકટર્સ,નર્સ અને પેરામેડિકલ સ્ટાફ જે કોરોના મહામારી સામે લડી રહયા છે તેમના પરીવારની સ્થિતિ ખૂબજ નાજુક બની જાય છે નવાઇની વાત તો એ છે કે આ યોદ્ધાઓને બિરદાવવાના સ્થાને કયારેક સંક્રમણના ડરથી સોસાયટીમાં લોકોના રોષનો પણ ભોગ બનવું પડે છે. ભાડાના મકાનમાં રહેતા નર્સ સાથે અભદ્વ વ્યહવાર થતો હોવાના પણ દાખલા નોંધાયા છે.