Get The App

લોકડાઉન ઇફેક્ટ : કોરોના કાળમાં હાર્ટ અટેકનું જોખમ 30 ટકા ઘટ્યું

- લાઇફસ્ટાઇલ નોર્મલ થવાથી અને પ્રદૂષણ ઘટવાથી હૃદય સંબંધિત બીમારીમાં રાહત મળી

Updated: Jul 3rd, 2020

GS TEAM

Google News
Google News
લોકડાઉન ઇફેક્ટ : કોરોના કાળમાં હાર્ટ અટેકનું જોખમ 30 ટકા ઘટ્યું 1 - image

નવી દિલ્હી, તા. 03 જુલાઇ 2020, શુક્રવાર 

કોરોના કાળમાં હાર્ટ અટેકના કેસમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેના પાછળ લાઇફસ્ટાઇલ નોર્મલ થવી, પ્રદૂષણ ઓછું થવું, ખાણી-પીણીમાં સુધારો થવો, ડિપ્રેશન ઓછું થવું વગેરે જેવા મુખ્ય કારણો જવાબદાર છે. 

વિશ્વભરના 10 હજાર હાર્ટ રોગ નિષ્ણાંત, વૈજ્ઞાનિકોએ 'એશિયા પેસેફિક વૈસ્ક્યુલર ઇન્ટરવેન્શન સોસાયટી'ના વેબિનારમાં, કોવિડ-19 કાળ અને તેની પહેલાના સમયમાં થનાર હાર્ટ અટેકની સરખામણીના અભ્યાસ પર ચર્ચા કરી હતી. ત્રણ દિવસ સુધી આ વેબિનાર યોજાયો હતો. જેમાં હાર્ટ અટેકના દર્દીઓની આંકડાકીય માહિતી આપવામાં આવી હતી. 

વેબિનારમાં ઉપસ્થિત નિષ્ણાંત અનુસાર ચર્ચાનો મુખ્ય વિષય હતો કે હાર્ટ અટેકના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે કે હોસ્પિટલમાં આવનાર દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે? પરંતુ તમામ નિષ્ણાંત અને વૈજ્ઞાનિકો એ બાબતે સહમતિ દર્શાવી હતી કે હાર્ટ અટેકનું કારણ બનનાર કેટલાય રિસ્ક ફેક્ટર જેવા કે બહારની ખાણી-પીણી, વાયુ તેમજ ધ્વનિ પ્રદૂષણ જેવી વસ્તુઓ કોરોના કાળમાં ઘણી ઓછી થઇ છે જેનાથી જે લોકો પહેલાથી હાર્ટ અટેકના રિસ્ક ફેક્ટરમાં સામેલ હતા તેમને રિલેક્સ થવાનો સમય મળ્યો. એટલે કે હાર્ટ અટેકથી બચી ગયા છે. 

કોરોનાથી થતા મૃત્યુ પર ચર્ચા 

કોરોનાને કારણે થતા મૃત્યુ પર પણ નિષ્ણાંતોએ ચર્ચા કરી છે. વેબિનારમાં સામેલ પ્રોફેસર એન. એન. ખન્ના અનુસાર અત્યાર સુધીમાં માત્ર એક્યૂટ રેસ્પાઇટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ તરફ જ ધ્યાન કેન્દ્રિત થતું હતું પરંતુ કોરોના સંક્રમણથી ફેફસા સુધી લોહી ગંઠાઇ શકે છે, હૃદયની ધમનીઓને બ્લોક કરી શકે છે, તેનાથી અચાનક મૃત્યુ થઇ શકે છે. આ પ્રકારે વિશ્વમાં મોટી સંખ્યામાં મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. એમ્બોલિઝ્મ પણ કોરોના દર્દીઓના મૃત્યુનું એક મુખ્ય કારણ છે. 

ઇમરજન્સીનો રિપોર્ટ ચોંકાવનારો

ઇમરજન્સીની રિપોર્ટ ઘણી ચોંકાવનારી છે. લોકડાઉન હાર્ટ અટેક દર્દીઓ માટે ઘણું ફાયદાકારક સાબિત થયું છે. હવે આ વિષય પર વિસ્તૃત માહિતી મેળવવાના પ્રયાસો થઇ રહ્યા છે કે કયા-કયા રિસ્ક ફેક્ટર છે જે કોરોના કાળમાં ઓછા થયા છે. જેની ડાયરેક્ટ અસર સાઇલન્ટ હાર્ટ અટેક એટલે કે લક્ષણ વગરના હાર્ટ અટેક પર પડી છે. સંસ્થા દ્વારા એક ટીમનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વેબિનારમાં ચર્ચામાં લેવાયેલા મુદ્દાઓ પર અભ્યાસ કરી રહી છે.  

કેટલાક તથ્ય : 

નિષ્ણાંતો અનુસાર, એક લાખમાંથી 433 યુવાનોમાં હાર્ટ અટેકથી મૃત્યુ થવાનું જોખમ છે. કુલ મૃત્યુમાં 28.01 પ્રતિ મૃત્યુ હાર્ટ અટેકના કારણે થાય છે. 45 થી 50 ટકા કેસમાં લક્ષણ વગર હાર્ટ અટેક આવે છે. હાર્ટ અટેકને લઇને આ પ્રકારના જ કેટલાય ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.  

કેવી રીતે આવે છે હાર્ટ અટેક?

હૃદય સુધી લોહી ન પહોંચવા પર હૃદયની માંસપેશિઓને નુકશાન થાય છે, હૃદયની ધમનીઓ અને નસમાં લોહી ગંઠાવાની પ્રક્રિયાથી હાર્ટ અટેક આવી શકે છે. યોગ્ય સમયે સારવાર કરાવવાથી હાર્ટ અટેકથી બચી શકાય છે, પરંતુ ઘણીવાર સમય રહેતા પીડિતને હોસ્પિટલ ન લઇ જવાને કારણે તેનું મૃત્યુ પણ થઇ શકે છે. 

હાર્ટ અટેકમાં જોવા મળતા લક્ષણ : 

- અચાનક છાતીમાં ડાબી બાજુ દુખાવો થવો, શ્વાસની તકલીફ થવી

- ગભરામણ, ઉબકા, તણાવ, થાક, મન અશાંત થવું, ચક્કર આવવા

- અપચો, નબળાઇ, બેચેની, ખાંસી આવવી વગેરે 

- હૃદય હુમલો આવવા પર છાતીમાં તીવ્ર દુખાવો શરૂ થવા લાગે છે, પરંતુ કેટલાક લોકોને સામાન્ય દુખાવો પણ થતો હોય છે. ઘણીવાર મહિલાઓ, વૃદ્ધ અને ડાયાબિટીસના દર્દીઓને આ દુખાવાનો અનુભવ થતો પણ નથી. 

હાર્ટ અટેકના રિસ્ક ફેક્ટર : 

- પહેલાથી જ હૃદય રોગ હોવો

- તમાકુ અથવા ધ્રૂમપાનનું સેવન કરવું 

- ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, મોટાપો

- કિડનીની બિમારી, ખાણી-પીણીમાં બેદરકારી, પ્રદૂષણ

- વધુ પડતુ દારૂનું સેવન કરવું, કોકીન અને મેથમપેટામાઇન ડ્રગ્સ

કોરોના કાળમાં આ કારણોસર હાર્ટ અટેકના કેસમાં ઘટાડો નોંધયો

- કારખાના બંધ રહેવા અને વાહનોની ગતિ થમવાને કારણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ઓછું થઇ ગયું 

- લોકડાઉન દરમિયાન લોકોએ પૂરતી ઊંઘ લીધી, શરીરને પર્યાપ્ત પ્રમાણમાં આરામ મળ્યો

- દરરોજની દોડભાગથી લોકોને આરામ મળ્યો, ઘરે રહેવાથી તણાવમાં પણ ઘટાડો થયો

- બહારના ફાસ્ટફૂડ જેવા ખોરાકનું સેવન ઘટ્યું, ઘરનું શુદ્ધ, સાત્વિક અને સંતુલિત ભોજનનું સેવન શરૂ થયું

- કોરોનાના ભયથી ધ્રૂમપાન પર નિયંત્રણ, સિગરેટ-શરાબનું સેવન ઘટ્યું. 

નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના કાળમાં ન માત્ર ભારતમાં હાર્ટ અટેકના કેસ ઓછા થયા, પરંતુ વિદેશોમાં પણ આ પરિસ્થિતિ સામે આવી છે. જો કે નિષ્ણાંતોએ હાર્ટ અટેકના જોખમના કારણો પર હજુ વિસ્તૃત અભ્યાસ કરવાની જરૂર હોવાનું જણાવ્યું છે. નિષ્ણાંતોની સલાહ છે કે હાલ હાર્ટ અટેકના જે જાણિતા જોખમી કારણો છે તેનાથી બચવાની જરૂર છે. 

Tags :