અમીર હોય કે ગરીબ, વિશ્વના મોટા ભાગના લોકોમાં 15 પોષક તત્ત્વોની ઉણપ, ચોંકાવનારો રિપોર્ટ

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
અમીર હોય કે ગરીબ, વિશ્વના મોટા ભાગના લોકોમાં 15 પોષક તત્ત્વોની ઉણપ, ચોંકાવનારો રિપોર્ટ 1 - image


Nutrients Deficiency Study News:  પહેલું સુખ, તે જાતે નર્યા.. આ કહેવત પ્રમાણે સૌથી પહેલા આપણું શરીર તંદુરસ્ત રાખવું જરુરી છે. અને શરીરને સ્વસ્થ રાખવા માટે વિવિધ પોષક તત્ત્વોની જરૂરિયાત રહે છે. જો શરીરમાં યોગ્ય પ્રમાણમાં પોષક તત્ત્વો ન પહોંચે તો અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે, ગરીબ દેશોમાં પોષક તત્ત્વોની ઉણપ વધુ જોવા મળે છે, પરંતુ તાજેતરના એક અભ્યાસમાં ખૂબ જ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ નવા સંશોધનમાં કહેવામાં આવ્યું છે, કે વિશ્વની અડધાથી વધુ વસ્તી જરુરી માઈક્રો ન્યુટ્રિઅન્ટસની ઉણપથી પીડાય છે. પછી ભલે તે અમીર હોય કે ગરીબ. દરેક દેશોમાં પોષક તત્ત્વોની ઉણપ લોકોના સ્વાસ્થ્યને બગાડે છે.

વિશ્વના 60 ટકાથી વધુ લોકો કેલ્શિયમ અને અન્ય..

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ પ્રમાણે એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે, વિશ્વના 60 ટકાથી વધુ લોકો કેલ્શિયમ, આયર્ન, વિટામિન સી અને વિટામિન ઇ સહિત ઘણા પોષક તત્ત્વોની ઉણપથી પીડાઈ રહ્યા છે. પરંતું તેમાં ખાસ વાત એ છે કે યુરોપિયન દેશોની હાલત ખૂબ ખરાબ છે. સંશોધન કરનારા વિજ્ઞાનીઓએ 15 મુખ્ય સૂક્ષ્મ પોષક તત્ત્વો કેલ્શિયમ, આયોડિન, આયર્ન, રિબોફ્લેવિન, ફોલેટ, ઝીંક, મેગ્નેશિયમ, સેલેનિયમ, થાઇમીન, નિયાસિન અને વિટામિન A, વિટામિન B6, વિટામિન B12, વિટામિન C અને વિટામિન Eના અંદાજિત વૈશ્વિક વપરાશનું વિશ્લેષણ કર્યું. જેમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે.

વિશ્વના 68% લોકોમાં આયોડિનની ઉણપ ધરાવે છે

સંશોધકોએ જણાવવામાં આવ્યું છે કે, વિશ્વના 68% લોકોમાં આયોડિનની ઉણપ ધરાવે છે, 67% લોકોમાં વિટામિન Eની ઉણપ છે, 66% લોકોમાં કેલ્શિયમની ઉણપ છે અને 65% લોકોમાં આયર્નની ઉણપ છે. ઉત્તર અમેરિકા, યુરોપ અને મધ્ય એશિયામાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળ્યું હતું. વિશ્વની અડધાથી વધુ વસ્તીને રિબોફ્લેવિન, ફોલેટ અને વિટામિન સી અને વિટામિન બી6 ઓછી માત્રામાં મળી રહી છે. નિયાસીનની ઉણપ માત્ર 22% લોકોમાં હતી, જ્યારે થાઈમીન (30%) અને સેલેનિયમ (37%) ની ઉણપ હતી.

વિટામિન બી6ની ઉણપ પુરુષોમાં વધુ

ખાસ વાત એ છે કે આયોડિન, વિટામીન B12, આયર્ન અને સેલેનિયમની ઉણપ પુરૂષોની સરખામણીમાં મહિલાઓમાં વધુ જોવા મળે છે, જ્યારે કેલ્શિયમ, નિયાસીન, થિયામીન, ઝિંક, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી6ની ઉણપ પુરુષોમાં વધુ હોય છે. આ સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપથી થાક, હાડકામાં દુખાવો, વાળ ખરવા અને નબળાઈ આવી શકે છે. આ સંશોધનનું પરિણામ લેન્સેટ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત થયું છે. આ સંશોધન સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે, આ પરિણામો ચિંતાજનક છે. તમામ પ્રદેશોમાં મોટાભાગના લોકો ઘણા જરૂરી પોષક તત્ત્વોની ઉણપનો સામનો કરી રહ્યા છે.


Google NewsGoogle News