કોરોના વાયરસથી લડવા માટે અસરકારક છે આ ભારતીય ઉપચાર : બ્રિટિશ સંશોધકોનો દાવો
- બ્રિટનના સંશોધકોએ 66 કોરોના દર્દીઓ પરના રિસર્ચ બાદ આ ભારતીય ઉપચારને અસરકારક માન્યો
- આયુર્વેદમાં કેટલાય ઉપચાર કોરોના સામે લડવા માટે ફાયદાકારક સાબિત થઇ રહ્યા છે
નવી દિલ્હી, તા. 29 મે 2020, શુક્રવાર
કોરોના વાયરસની સારવાર અથવા વેક્સીન તો હજુ સુધી મળી નથી પરંતુ આર્યુવેદમાં આ વાયરસથી બચવાના અને તેનાથી લડવાના કેટલાય ઉપચાર અસરકારક પુરવાર થઇ રહ્યા છે. જો કે ભારતમાં કેટલાય એવા ઘરેલૂ ઉપચાર અજમાવવામાં આવી રહ્યા છે જેની મદદથી બીમારીથી બચી શકાય છે. એવામાં એક ઉપચાર છે મીઠાના પાણીથી કોગળા કરવા. હવે બ્રિટેનના સંશોધકોએ પણ આ ઉપચારને અસરકારક માન્યો છે.
બ્રિટનની એડિનબર્ગ યૂનિવર્સિટીમાં કરવામાં આવેલા રિસર્ચ અનુસાર મીઠાના પાણીથી કોગળા કરવાથી સંક્રમણના લક્ષણો ઘટવાની સાથે-સાથે બીમારીના સમયગાળાને પણ ઘટાડી શકાય છે.
આ રિસર્ચ કોરોના સંક્રમિત 66 દર્દીઓ પર 12 દિવસ સુધી કરવામાં આવ્યો હતો. શોધ માટે આ દર્દીઓને સારવાર સાથે મીઠાના પાણીના કોગળા કરાવવામાં આવ્યા હતા. 12 દિવસ બાદ આ દર્દીઓના નાકથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં સંક્રમણના લક્ષણોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
જર્નલ ઓફ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે દર્દીઓએ મીઠાના પાણીથી કોગળા કર્યા તેમનામાં 2.5 દિવસ જેટલું સંક્રમણ ઓછુ જોવા મળ્યુ છે. સંશોધનકર્તાઓનો દાવો છે કે ગાર્ગલ કરવાથી કોરોના સંક્રમણ પર અસર પડે છે અને તેનાથી ઓછા સમયમાં બીમારીથી ઠીક થવામાં મદદ મળે છે.
આ પહેલા આંતરરાષ્ટ્રીય વાયરસ નિષ્ણાંતોએ પણ માઉથવૉશના ઉપયોગથી કોરોનાની અસર ઓછી થવાનો દાવો કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે માઉથવૉશ કોશિકાઓના સંક્રમિત થતા પહેલા કોરોના વાયરસને ખતમ કરી દે છે.
તાજેતરમાં જ ભારત સરકારે આયુષ મંત્રાલય દ્વારા પણ કોરોના સંક્રમણથી બચવા માટે ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવી હતી. આયુષ મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર ગરમ પાણીથી સવાર-સાંજ કોગળા કરવાથી ગળુ સાફ રહે છે.