બાળકોમાં વધતી સ્થૂળતા અટકાવવા FSSAIનો નિર્ણય, શાળામાં નહીં વેંચી શકાય જંક ફૂડ
નવી દિલ્હી, 6 નવેમ્બર 2019, બુધવાર
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (FSSAI)એ શાળાએ જતા બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જે અનુસાર શાળાની અંદર અને શાળાઓની આજુબાજુ જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ અંગે તમામ પક્ષોનો અભિપ્રાય માંગવામાં આવી રહ્યો છે. તમામ પક્ષકારોનો અભિપ્રાય લીધા બાદ શાળાઓમાં વેચવામાં આવતા ભોજન અને તેના વિક્રેતાઓ માટે સ્પષ્ટ નીતિ તૈયાર કરવામાં આવશે. તેને ટેન પોઇન્ટ ચાર્ટર નામ આપવામાં આવી શકે છે.
આ ચાર્ટરમાં શાળાઓમાં ખોરાક વેચનારા વિક્રેતાઓ માટે લાઇસન્સ લેવું ફરજિયાત થઈ શકે છે. આ સિવાય શાળા કે શાળાની આસપાસ 50 મીટરના વિસ્તારમાં ફાસ્ટ ફૂડ વેચવા પર પ્રતિબંધ લગાવી શકાય છે.
આ ઉપરાંત તમામ શાળાઓને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂટ્રીશન દ્વારા માન્ય ખાદ્ય વસ્તુઓને પ્રાધાન્ય આપવાનું કહેવામાં આવ્યું છે. શાળામાં ફ્રૂટ, જ્યૂસ જેવા પદાર્થોનું વેચાણ થાય તેવી વ્યવસ્થાને મહત્વ આપવામાં આવી શકે છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
જણાવી દઈએ કે આ વર્ષે જૂન માસમાં FSSAIના સીઈઓ પવન અગ્રવાલે આ ડ્રાફ્ટ વિશે માહિતી આપી હતી. જેમાં શાળા અને શાળાના આજુબાજુના 50 મીટરની અંદર ફાસ્ટ ફૂડની જાહેરાત અને પ્રચાર પર પ્રતિબંધ મૂકવાની વાત જણાવી હતી.
રેગ્યુલેટરએ 2015 માં સૌથી પહેલાં આ મુદ્દા પર ધ્યાન આપ્યું હતું, જ્યારે દિલ્હી હાઈકોર્ટે સ્કૂલના બાળકો માટે તંદુરસ્ત ખોરાકને પ્રોત્સાહન મળે તે માટે નિયમો ઘડવાનો નિર્દેશ આપ્યો હતો. તે જ વર્ષમાં આ મુદ્દે માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી હતી.
ગત વર્ષે પણ એફએસએસએઆઈએ એક માર્ગદર્શિકા બહાર પાડી હતી જેમાં શાળામાં અને તેની આસપાસના ચિપ્સ, નૂડલ્સ, સમોસા, ફ્રેન્ચ ફ્રાઈસ અને પીત્ઝા જેવી વાનગી વેંચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.