જરૂર કરતાં વધુ વિટામિન D પણ શરીર માટે જીવલેણ! હાર્ટ અને કિડનીની થઈ શકે છે બીમારી
Excess Vitamin D can be Fatal: વિટામિન D આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ જો શરીરમાં તેની ઉણપ થાય તો તે જોખમી સાબિત થઈ શકે છે. તેની ઉણપના કારણે તમે વારંવાર બીમાર પડી શકો છો, હાડકામાં દુખાવો થઈ શકે છે, અને ડિપ્રેશન તથા મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.
આ જ કારણ છે કે શરીરમાં વિટામિન D પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે તે માટે લોકો સપ્લિમેન્ટ્સ લેવાનું શરુ કરી દે છે. જોકે, જરૂર કરતાં વધારે વિટામિન Dનું સેવન કરવું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એવામાં જાણીએ કે વધુ પડતું વિટામિન D લેવું કેટલું નુકસાનકારક હોઈ શકે છે.
કોઈપણ પુખ્ત વ્યક્તિ કેટલું વિટામિન D લેવું જોઈએ?
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 19થી 70 વર્ષની ઉંમરના લોકોએ દરરોજ 15 mcg વિટામિન D લેવું જોઈએ. તેમજ 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે દરરોજ 20 mcg પૂરતું છે.
કોઈપણ પુખ્ત વ્યક્તિ માટે, વિટામિન Dની મહત્તમ મર્યાદા દરરોજ 100 mcg છે. જો તમે આનાથી વધુ લેશો, તો તે તમારા માટે ઝેર સમાન સાબિત થઈ શકે છે. જોકે કેટલાક લોકો માટે તો 100 mcg પણ નુકસાનકારક હોઈ શકે છે. આથી કોઈ પણ સપ્લિમેન્ટ્સ લેતાં પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
શરીરમાં વિટામિન Dની માત્રા વધી જાય તો શું થાય?
જો શરીરમાં વિટામિન Dની માત્રા વધી જાય છે તો લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે શરુઆતમાં ઉલ્ટી, ઊબકા, કબજિયાત, પેટમાં દુખાવો અને ભૂખ ઓછી લાગવી જેવા લક્ષણો જોવા મળે છે. જો આ સમસ્યા ગંભીર બની જાય તો વ્યક્તિ બેભાન થઈ શકે છે, કિડનીને લગતી સમસ્યાઓ થઈ શકે છે, હાડકામાં દુખાવો, માંસપેશીઓમાં નબળાઈ અને હૃદયના ધબકારાને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે.
સૌથી વધુ અસર કોના પર થાય છે?
શરીરમાં વિટામિન Dનું પ્રમાણ વધુ હોય તો તેની સૌથી પહેલી અને સૌથી વધુ અસર કિડની પર થાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH) અનુસાર, તેનાથી કિડનીમાં પથરી, કેલ્શિયમ જમા થવું (નેફ્રોકેલ્સિનોસિસ) અને અચાનક કિડની ફેલ થવાની સમસ્યા પણ થઈ શકે છે. કિડની પછી તેની સૌથી વધુ અસર હૃદય પર થાય છે અને તેનાથી હાર્ટ એટેક પણ આવી શકે છે.
આ પણ વાંચો: '10માંથી 4 ભારતીયોને ખબર જ નથી કે તેમને ડાયાબિટીસ છે', મેડિકલ જર્નલમાં ચિંતાજનક દાવો
વિટામિન D સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે, પરંતુ તેને હંમેશા યોગ્ય માત્રામાં અને ડૉક્ટરની સલાહ મુજબ જ લેવું જોઈએ. જે લોકોમાં તેની ઉણપનું જોખમ હોય, તેમણે સમયાંતરે બ્લડ ટેસ્ટ કરાવતાં રહેવું જોઈએ, જેથી શરીરમાં તેની ઉણપ પણ ન થાય.
Disclaimer: આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. આથી કોઈપણ સૂચન લાગુ કરતાં પહેલા, ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી.