માસિકમાં થતા દુખાવાના કારણે કંપનીઓને થાય છે નુકસાન: સર્વેમાં થયો ખુલાસો
નવી દિલ્હી, 11 જુલાઈ 2019, ગુરુવાર
તાજેતરમાં થયેલા એક સંશોધન અનુસાર મહિલાઓને માસિકના દિવસો દરમિયાન થતી દુખાવાની સમસ્યાના કારણે કંપનીઓને પણ નુકસાન થાય છે. ઓફિસ કે અન્ય જગ્યાઓએ કામ કરતી મહિલાઓને માસિક સમયે જે તકલીફ થાય છે તેના કારણે સંસ્થાઓની વર્ષની પ્રોડક્ટીવીટીમાં ઘટાડો થાય છે. આ તારણ 32,000થી વધારે ડચ મહિલાઓ પર કરાયેલા સર્વે બાદ રજૂ કરવામાં આવ્યું છે. આ મહિલાઓની ઉંમર 15થી 45 વર્ષ વચ્ચે હતી. સર્વે અનુસાર મહિલાઓ માસિકની તકલીફના કારણે રજા રાખે છે તેના કારણે પ્રોડક્ટિવીટી પર અસર થાય છે.
સર્વે અનુસાર 14 ટકા મહિલાઓએ કામમાંથી રજા લીધી જેમાંથી 3.5 ટકાએ માસિક સમયે થતી તકલીફને કારણ ગણાવ્યું. 81 ટકા ડટ મહિલાઓએ કહ્યું કે તેમના કામમાં ઘટાડો થયાનું મુખ્ય કારણ માસિક ધર્મ છે. અહીં મહિલાઓ વર્ષમાં 9 દિવસની રજા માસિકના કારણે લે છે. રિપોર્ટમાં એ વાત પણ જણાવાઈ છે કે કેટલીક મહિલાઓએ કામમાંથી રજા લેવાનું કારણ માસિકને બદલે અન્ય કોઈ દર્શાવ્યું હોય. તેનો અર્થ એવો થાય છે કે વર્તમાન સમયમાં પણ માસિક વિશે ચર્ચા કરતાં લોકો કતરાય છે. સર્વેમાં જે મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે 5માંથી 1 મહિલાએ જ માસિકનું કારણ જણાવી રજા લીધી હતી.
મહત્વપૂર્ણ છે કે વિશ્વમાં એવા અનેક દેશ છે જ્યાં મહિલાઓ આ વિષય પર વાત કરતી નથી, જ્યારે કેટલાક દેશ એવા પણ છે કે જ્યાં મહિલાઓને માસિક સમયે આરામ મળે તે માટે કંપની તેમને રજા આપે છે. યૂનાઈટેડ કિંગજડ સ્થિત એક કંપની એવી પણ છે જ્યાં મહિલાઓને માસિકના દિવસોમાં કેટલો સમય કામ કરવું છે તે જાતે નક્કી કરી શકે છે.