શું ગરમ પાણીથી નહાવાથી કોરોના વાયરસનો નાશ થાય છે ?
સોશિયલ મીડિયામાં ગરમ પાણીથી નહાવાનો વધતો જતો પ્રચાર
આ કોરોના સંક્રમણથી બચવાનો એક માત્ર માર્ગ નથી
નવી દિલ્હી, 29 જુન, 2020, સોમવાર
લોકડાઉન અન લોક થતા જ નોકરી તેમજ વ્યવસાયિક કામ માટે લોકો બહાર નિકળવા લાગ્યા છે. કોરોના વાયરસનું સંક્રમણ ઘટયું નથી પરંતુ લોકોનો ડર જરુર ઘટયો છે. તેમ છતાં લોકો ઘરે આવ્યા પછી ગરમ પાણીથી નહાવાનું પસંદ કરે છે એટલું જ નહી કપડા કાઢીને ગરમ પાણીમાં બોળે છે. મોટા ભાગના લોકો એવી ખાસ માન્યતા ધરાવે છે કે ગરમ પાણીથી નહાવાની કોરોના થવાની શકયતા ઘટી જાય છે. ખાસ કરીને આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ-૧૯ સંક્રમિતોની સંખ્યા સતત વધતી જાય છે તેમ આ માન્યતાનો પ્રચાર પણ સોશિયલ મીડિયામાં વધતો જાય છે.
આ અંગે ઇન્ડિયા ફાઇટ કોરોનાના ઓફિશિયલ ટવીટ્ર એકાઉન્ટ પરથી જણાવાયું છે કે ગરમ પાણી વડે નાહવાથી કોરોના નથી થતો એ માન્યતા ખોટી છે પરંતુ રોજ સ્નાન કરી શારીરિક સ્વચ્છતાથી માત્ર કોરોના જ નહી પરોક્ષ રીતે અનેક પ્રકારના સંક્રમણથી બચી શકાય છે.
જો કે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ગરમ પાણીથી સ્નાન કરવાથી કેટલાકને થાકનો અનુભવ ઓછો થાય છે અને શરીરમાં સ્ફૂતિ વધે છે. જેને શરદી રહેતી હોય તેઓ ઠંડા પાણી કરતા ગરમ પાણીથી નહાય તો રાહત રહે છે પરંતુ માત્ર ગરમ પાણીથી જ નહાવું આ એક માત્ર કોરોના સંક્રમણથી બચવાનો માર્ગ નથી. સોશિયલ ડિસ્ટન્સિસ, સાબુથી હાથ ધોવાથી માંડીને બીજી પણ કાળજી રાખવી જરુરી છે.
ભારતમાં કોરોના સંક્રમણ ધરાવતા લોકોની સંખ્યા વધીને ૫.૫૦ લાખની નજીક પહોંચી છે જયારે મુત્યુનો આંક ૧૬૪૭૫ને પાર કરી ગયો છે. ગત રોજ એક જ દિવસમાં ૨૧૦૦૦થી પણ વધુ કોરોના કેસ વધ્યા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ-૧૯ સંક્રમિતોની સંખ્યા સતત વધતી જાય છે.જો કે સૌથી રાહતની વાત એ છે કે કોરોના સંક્રમિતોમાં રિકવરી રેટ ૩૨૧૭૨૩ જેટલો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધવાની સાથે દિન પ્રતિ દિન સાજા પણ થઇ રહયા છે.