આ હોસ્પિટલમાં લેબર પેઈન વિના મહિલા બાળકને આપે છે જન્મ, 1 દિવસમાં થઈ 25 ડિલીવરી
કોલકત્તા, 18 સપ્ટેમ્બર 2019, બુધવાર
પશ્ચિમ બંગાળના સરકારી હોસ્પિટલમાં પહેલીવાર એવું બન્યું છે કે જેના વિશે આજસુધી લોકોએ સાંભળ્યું પણ ન હતું. અહીંની મેડિકલ કોલેજમાં પહેલીવાર એક પછી એક એમ 25 બાળકોનો જન્મ થયો અને તેમાં પણ ગર્ભવતી સ્ત્રીને કોઈપણ પ્રકારનો દુખાવો સહન કરવો પડ્યો નહીં.
લેબર પેઈન સહન કર્યા વિના બાળકને જન્મ આપવું શક્ય બને તે માટે અહીં લાફિંગ ગેસ અને ઓક્સીજનને સમાન માત્રામાં મીલાવી અને એક ગેસનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે જેની મદદથી મહિલાઓની ડિલીવરી કરાવવામાં આવી. એક વર્ષ પહેલા મેડિકલ કોલેજના પ્રસૂતિ વિભાગના પ્રધાન પાર્થ મુખોપાધ્યાયએ આ અંગે નિર્ણય લીધો હતો. આ નિર્ણય લેતા પહેલા તેમણે અન્ય નિષ્ણાંતોની અનૂમતિ પણ લીધી હતી. આ વિષય પર અહીં નિષ્ણાંતોને આમંત્રિત કરી એક સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો.
આ ગેસમાં લાફિંગ ગેસ અને તેની સાથે ઓક્સીજન મિલાવવામાં આવે છે. આ ગેસનું માસ્ક ગર્ભવતી મહિલાને આપવામાં આવે છે. લેબર પેઈન થાય એટલે આ માસ્કને સીલીન્ડર સાથે કનેક્ટ કરી શરૂ કરવામાં આવે છે. એક નિયત માત્રામાં આ ગેસ ગર્ભવતીને માસ્ક વડે આપવામાં આવે છે જેથી તેનો દુખાવો ઘટી જાય છે અને ડિલીવરી સરળતાથી થઈ જાય છે. મહત્વપૂર્ણ છે કે આ ગેસથી માતા અને બાળકને કોઈ નુકસાન થતું નથી. આ ગેસનો ઉપયોગ કરી અહીં 25 ડિલીવરી કરવામાં આવી છે. આ પ્રયોગ સફળ થતા અહીંની અન્ય મેડિકલ કોલેજોમાં પણ તેની શરૂઆત કરવાની વિચારણા ચાલી રહી છે.