કોરોનો પોઝિટિવને 10 દિવસ સુધી તાવના લક્ષણો નહી દેખાય તો ડિસ્ચાર્જ કરાશે
ડિસ્ચાર્જ પછી 7 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવાની સલાહ
69 ટકા કોરોના પોઝિટિવ દર્દીઓમાં તાવ જેવા લક્ષણો જણાતા નથી
નવી દિલ્હી, 22, મે, 2020, શુક્રવાર
કોરોના વાયરસનું સંક્રમણ દેશમાં ખૂબજ ઝડપથી ફેલાઇ રહયું છે. દરરોજ 3000 થી 4000 જેટલા દર્દીઓમાં વધારો થઇ રહયો છે. ભારતમાં કોરોના સંક્રમણ ધરાવાત લોકોનો આંકડો લાખને પાર કરી ગયો છે પરંતુ સાજા થયેલા 48533ને બાદ કરીએ તો હાલમાં 66303 જેટલા એકટિવ કેસ છે જયારે 3500 થી વધુ લોકોના મોત થયા છે. 31 મેં સુધી દેશમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહયો છે પરંતુ વ્યાપક છુટ આપ્યા પછી કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.
છેલ્લા કેટલાક સમયથી કોરોના પોઝિટિવ દર્દીમાં કોરોનાના કોઇ જ લક્ષણો નહી આવવાની સમસ્યા જોવા મળે છે. દેશમાં રેન્ડમ સેમ્પલિંગ ટેસ્ટ થયા જેમાં જેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોય એ પણ સ્વસ્થ અને કોઇ જ લક્ષણો ના હોય તેવું 69 ટકા કિસ્સામાં બન્યું છે. આવા કિસ્સામાં દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ રાખવા કે ડિસ્ચાર્જ કરવા એ દ્વીધા રહેતી હતી. ડિસ્ચાર્જ કરવા તો કયારે અને કેવા સંજોગોમાં એ સ્પષ્ટતા પણ મહત્વની હતી.
દેશના આરોગ્ય આ અંગે ડિસ્ચાર્જ પોલિસી નકકી કરી છે આ પોલિસી મુજબ જે દર્દીઓમાં કોરોનાના લક્ષણો 10 દિવસ સુધી દેખાશે નહી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે. એવું માનવામાં આવ્યું છે કે જો લાંબા સમય સુધી કોઇ પણ ગંભીર લક્ષણ દેખાતા નથી તો તે સંક્રમણ ફેલાવી શકે તેમ નથી. આરોગ્ય મંત્રાલયે એ પણ સ્પષ્ટતા કરી છે કે કોરોના વાયરસના જે દર્દીઓમાં સામાન્ય અને હળવા લક્ષણો દેખાય છે તેને સમયસર દાખલ કરવામાં આવેલા હશેતો તેમની નિયમિત અને સંપૂર્ણ પ્રકારની તપાસ થશે એટલું જ નહી તેમના શરીરનું તાપમાન અને પલ્સ રેટનો રેકોર્ડ રાખવામાં આવશે. 10 દિવસ ચાલતી પ્રક્રિયામાં જો કોઇ વિશેષ લક્ષણો ના દેખાતા હોય તેવા કેસમાં દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવશે.
જો કે આવા લોકોને 7 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવાની સલાહ પણ આપવામાં આવશે. આમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેનામાં સામાન્ય લક્ષણો દેખાતા હતા તેમ છતાં કોરોના વાયરસના સંક્રમિત ન હતા. આમ આરોગ્ય મંત્રાલયની સુધારેલી ડિસ્ચાર્જ પોલિસી મુજબ 10 દિવસ સુધી સારવાર અને નીરિક્ષણમાં રાખ્યા પછી લક્ષણો ના દેખાય એવા કિસ્સામાં ડિસ્ચાર્જ કરવામાં આવશે. આ નિર્ણયથી કોવિડ હોસ્પિટલમાં વઘુને વધુ કોરોના પોઝિટિવને સારવાર મળી શકશે.