પુષ્કળ પ્રમાણમાં તાજાં ફળો અને શાકભાજી ખાવા સાથે જો રોજ એક સફરજન ખાવામાં આવે તો તે હૃદયરોગનું જોખમ ઘટાડે છે
અંગ્રેજીની એક જાણીતી ઉક્તિ કહે છે, 'એન એપલ અ ડે, કીપ્સ ડોક્ટર અવે.' મતલબ, રોજ એક સફરજન ખાવાથી તમારું સ્વાસ્થ્ય એટલું સારું રહે છે કે તમને તબીબ પાસે જવાની જરૂર નથી રહેતી.
હવે આ ઉક્તિને પુષ્ટિ આપતું એક સંશોધન થયું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે દરરોજ એક એપલ ખાવાથી હૃદય રોગ તેમ જ પક્ષાઘાતનો હુમલો આવવાનું જોખમ ઘટે છે. ખાસ કરીને ૫૦ વર્ષની વય વટાવી ગયા પછી.
સંશોધકોએ જણાવ્યું હતું કે તમારી જીવનશૈલીમાં નાનામોટા ફેરફાર કરવાથી, આહારની આદતોમાં પરિવર્તન લાવવાથી, તેમ જ જો તમે કોઈ દવા લેતા હો તો તે નિયમિત રીતે લેવાથી હૃદય રોગ અને પક્ષાઘાતનું જોખમ ઘટાડી શકાય છે.
તેઓ વધુમાં જણાવે છે કે રોજ એક સફરજન ખાવાથી પણ આ જોખમ ઓછું થાય છે. તેનું કારણ એ છે કે એપલમાં પ્રચૂર પ્રમાણમાં એન્ટિઓક્સીડન્ટ અને ફ્લેવેનોઈડ્સ નામના રસાયણના ઘટકો હોય છે. અને આ પદાર્થો સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક ગણાય છે.
સંશોેધનમાં એમ પણ જણાઈ આવ્યું હતું કે પુષ્કળ પ્રમાણમાં તાજાં ફળો અને શાકભાજી ખાવા સાથે જો રોજ એક સફરજન ખાવામાં આવે તો તે હૃદયરોગ અને પક્ષાઘાતના હુમલાનું જોખમ ઘટાડે છે.
જો કે સંશોધકો એમ પણ કહે છે કે સફરજન ખાવાનો અર્થ એવોે નથી થતો કે તમે તમારી દવાઓ લેવાનું બંધ કરી દો. તમારા તબીબે જણાવ્યા મુજબની જરૂરી દવાઓ લેવા સાથે રોજ એક સફરજન ખાવાથી આ બંને વ્યાધિ થવાની શક્યતા ઘણાં અંશે ઘટાડી શકાય છે.
સફરજન એ દેશી દવા છે જો રોજ એક સફરજન ખાવામાં આવે તો કદાચ બિમારી પણ દૂર ભાગવા લાગશે અને તમારા શરીરને શાંતીનો અહેસાસ કરાવશે માટે શકય હોય તેટલુ વધુ ને વધુ સફરજન ખાવાનું પસંદ કરવુ જરુરી છે માટે તમારે સફરજન શકય હોય તો આજથી શરુ કરો.


