કેરલની સરકારી હોસ્પીટલમાં 90 વર્ષનું દંપતિ કોરોના મુકત બન્યું
કોરોના વાયરસ ઉંમરલાયકોનો સૌથી વધુ ભોગ લઇ રહયો છે
આ સાથે કોરોનામાંથી સાજુ થયેલું ભારતનું સૌથી ઉંમરલાયક કપલ બન્યું
ત્રિવેન્દ્રમ, 4 એપ્રિલ, 2020, શનિવાર,2020
વિશ્વમાં કોરોના વાયરસનો સૌથી વધુ ભોગ વૃધ્ધો બન્યા છે. જો શરીરમાં શ્વાસ, હ્વદયરોગ કે ડાયાબિટીશ જેવો ક્રોનિક રોગ અને શરીરની પ્રતિકારકશકિત ઓછી હોય ત્યારે કોરોનાનું સંક્રમણ ખતરનાક બની જાય છે. ઇટલીમાં કોરોનાનો ભોગ બનેલા ૯૦ ટકાથી પણ વધુ દર્દીઓ ૮૦ વર્ષથી વધુ ઉંમરના છે કારણ કે કોરોનાના વૃધ્ધ દર્દીઓને સારવાર આપીને બચાવવાએ તબીબો માટે પણ પડકાર હોય છે.જો કે એ જાણીને નવાઇ લાગશે કે ભારતમાં કેરલ રાજયમાં ઉંમરલાયક દંપતિકોરોનાનો સામનો કરીને બહાર આવ્યું હોવાનું જાણવા મળે છે.
સાજા થયેલા દર્દીમાં પતિનું થોમસ અબ્રાહમ ૯૩ વર્ષ અઇને પત્ની મરિયમ્મા ૯૦ વર્ષ ધરાવે છે. આ બંને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ૭ માર્ચના રોજ કોટ્ટયામની સરકારી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.આ દંપતિને ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ રહેતી હોવાથી જીવન અને મોત વચ્ચે ઝઝુમતા હતા અને છેવટે તેમની જીત થઇ હતી. કોરોનાનો જંગ જીતનારા આ દંપતિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે સગા સંબંધીઓ ભાવવિભોર બન્યા હતા. થોમસ અબ્રાહમ અને મરિયમ્મા કેરલના પથનામપટ્ટીકા જિલ્લાના રન્ની ગામના મૂળ વતની હતા. પોતાનો દિકરો અને પરીવાર ઇટલીમાં સ્થાઇ થયેલો હતો. ગત મહિને તેમનો દિકરો,પત્ની અને પૌત્ર ઇટલીથી પાછા ફર્યા હતા. તેમના સંપર્કમાં આવવાથી દાદા દાદીને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.ધીમે ધીમે લક્ષણો દેખાવાની શરુઆત થતા સારવાર માટે કોટ્ટીયામ લાવવામાં આવ્યા હતા. ગત શુક્રવારે દંપતિને કોરોના મુકત જાહેર કરવામાં આવતા વૃધ્ધોને પણ કોરોના વાયરસનું સંક્રમણ મટી શકે છે અને સાજા થઇ શકે છે એ પૂરવાર થયું હતું.