Get The App

લિવરને રાખવું છે હેલ્ધી અને ફિટ, તો આજે જ ડાયેટમાં સામેલ કરો 5 હોમ મેડ ડ્રિંક્સ

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
Fatty liver drinks
(IMAGE - ENVATO)

Liver Detox Remedies: આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ, જંક ફૂડ અને આળસના કારણે મોટાભાગના લોકોમાં ફેટી લિવરની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ સ્થિતિમાં લિવરમાં જરૂર કરતાં વધુ ફેટ એટલે કે ચરબી જમા થઈ જાય છે, જેના કારણે લિવર નબળું પડે છે અને તેની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. શરૂઆતના સમયમાં આ બીમારીના લક્ષણો સરળતાથી દેખાતા નથી, પરંતુ જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો તે આગળ જતાં ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે. જોકે, મોંઘી દવાઓ પાછળ ખર્ચ કરવાને બદલે તમે યોગ્ય ખાનપાન અને ઘરેલું હેલ્ધી ડ્રિંક્સની મદદથી આ સમસ્યાને સમયસર કંટ્રોલ કરી શકો છો. લિવરમાં જમા થયેલી વધારાની ચરબીને ઓગળવામાં કયા પીણાં મદદરૂપ સાબિત થઈ શકે છે, ચાલો તેના પર એક નજર કરીએ.

ગ્રીન ટી

ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે તે આપણે સૌ જાણીએ છીએ. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઑકિસડન્ટો હોય છે, જે શરીરના હાનિકારક તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. ગ્રીન ટીમાં 'કેટેચિન્સ' નામનું એન્ટીઑકિસડન્ટ હોય છે, જે લિવરનો સોજો અને તણાવ ઘટાડે છે. દરરોજ 2થી 3 કપ ગ્રીન ટી પીવાથી લિવર એન્ઝાઇમ્સનું સ્તર સંતુલિત રહે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે. 

લીંબુ પાણી 

રોજ સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં લીંબુ નીચોવીને પીવું પણ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. લીંબુમાં રહેલું વિટામિન C અને એન્ટીઑકિસડન્ટ લિવરના ગ્લુટાથિયોન જેવા જરૂરી એન્ઝાઇમને વધારે છે, જે લિવરને ડિટોક્સ કરવામાં એટલે કે ઝેરી તત્વો મુક્ત કરવામાં મદદ કરે છે. તેનાથી પાચનક્રિયા પણ સુધરે છે.

બીટનો રસ 

પોષક તત્વોથી ભરપૂર બીટનો રસ લિવરને સુરક્ષિત રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમાં બીટાલેન્સ અને બીટેન નામના તત્વો હોય છે, જે લિવરને નુકસાન પહોંચતા અટકાવે છે અને લિવરના ડેમેજ થયેલા કોષોને ફરીથી સજીવન કરવામાં મદદ કરે છે. અઠવાડિયામાં 2થી 3 વખત બીટનો રસ પીવાથી લિવરમાં ચરબી જમા થતી નથી. 

બ્લેક કોફી

બ્લેક કોફી પણ ફેટી લિવરના દર્દીઓ માટે રામબાણ ઈલાજ ગણાય છે. સંશોધનો અનુસાર, બ્લેક કોફીમાં રહેલું ક્લોરોજેનિક એસિડ અને કેફીન લિવરનો સોજો ઓછો કરે છે. બસ એટલું ધ્યાન રાખવું કે આ કોફીમાં ખાંડ બિલકુલ ન ઉમેરવી, તો જ તેનો પૂરો લાભ મળી શકે છે.

એપલ સાઇડર વિનેગર 

ફેટી લિવરની સમસ્યામાં એપલ સાઇડર વિનેગર (સફરજનનો સરકો) પણ ખૂબ લોકપ્રિય છે. તેમાં એસિટિક એસિડ હોય છે, જે મેટાબોલિઝમની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તે શરીરની વધારાની ચરબીને તોડીને લિવરમાં જમા થયેલા ફેટને ઓછું કરવામાં મદદ કરે છે. જોકે, તેને હંમેશા પાણીમાં મિક્સ કરીને જ પીવું જોઈએ. 

આ પણ વાંચો: દૂષિત ખોરાકના કારણે દુનિયામાં વર્ષે 15 લાખ મોત, બાળકો પર સૌથી વધુ ખતરો! WHOનો આંખ ઉઘાડનારો અહેવાલ

હેલ્ધી લાઈફસ્ટાઈલનું મહત્ત્વ

અહીં એ બાબત ખાસ નોંધવી જોઈએ કે માત્ર હેલ્ધી ડ્રિંક્સના ભરોસે ફેટી લિવરને સંપૂર્ણ મટાડી શકાતું નથી. આ પીણાંની સાથે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ અને વજનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ મહત્ત્વનું છે. જો તમે લાઈફસ્ટાઈલમાં આ ફેરફારો કરશો, તો તમારું લિવર લાંબા સમય સુધી હેલ્ધી અને ફિટ રહેશે.

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર સામાન્ય જાણકારી અને ઘરગથ્થુ ઉપચારો પર આધારિત છે. આ કોઈ તબીબી સલાહ કે સારવારનો વિકલ્પ નથી. ફેટી લિવર અથવા અન્ય કોઈ પણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાના કિસ્સામાં, કોઈપણ ડ્રિંક કે નવો ડાયેટ પ્લાન શરૂ કરતા પહેલાં હંમેશા ક્વોલિફાઇડ ડૉક્ટર અથવા હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.