કિડની માટે 2 બીમારીઓ બની 'સાયલન્ટ કિલર', ફેલ કરવામાં પણ સક્ષમ
Prevent kidney Damage: માનવીના શરીરમાં રહેલું મહત્ત્વનું અંગ કિડનીનું મુખ્ય કાર્ય લોહીનું શુદ્ધીકરણ અને પ્રવાહી-ક્ષારનું નિયમન કરી પેશાબ બનાવવાનું છે. બંને કિડનીમાં દર મિનિટે 1200 મિલીલિટર લોહી શુદ્ધીકરણ માટે આવે છે, જે હૃદય દ્વારા પૂરા પાડવામાં આવતા લોહીના 20 ટકા જેટલું છે. એટલે કે 24 કલાકમાં આશરે 1700 લિટર લોહીનું શુદ્ધીકરણ થાય છે. આ ઉપરાંત શરીરમાં બનતા બિનજરૂરી અને ઝેરી પદાર્થોને પેશાબ દ્વારા દૂર કરે છે.
આ પણ વાંચો: લિવર ખરાબ થતા પહેલા મળે છે આ સંકેત, હાથ અને પંજામાં થવા લાગે છે તકલીફ!
આ ઉપરાંત તે બલ્ડપ્રેશર અને લાલ રક્તકણોના ઉત્પાદન જેવી પ્રક્રિયાને કન્ટ્રોલ કરવામાં પણ મદદરુપ થાય છે. પરંતુ જ્યારે કિડની ખરાબ થાય છે, ત્યારે તમારા શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. કિડની ખરાબ થવાના ઘણા કારણો છે. તેની પાછળ વ્યક્તિની ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાવા પીવાની આદતો તેનું મુખ્ય કારણ છે, તો ડાયાબિટિસ અને હાઇ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ પણ તેનું સૌથી મોટું કારણ હોઈ શકે છે. આજે આ લેખમાં અમે તમને એવી કેટલીક બીમારીઓ વિશે જણાવીશું, જે કિડનીને નુકસાન પહોંચાડવા માટે જવાબદાર ગણાય છે.
ડાયાબિટીસ
ડાયાબિટીસ માત્ર શુગરનો જ રોગ નથી, પરંતુ કિડનીનો પણ રોગ છે. લાંબા સમય સુધી હાઇ શુગર રહેવાના કારણે કિડનીની ફિલ્ટર ટ્યુબ ખરાબ થઈ જાય છે. જેના કારણે જરુરી પ્રોટીન પેશાબમાં જવાનું શરુ કરે છે. આ બીમારીને પ્રોટીન્યુરિયા કહેવામાં આવે છે.
જો શુગર નિયંત્રિત ન કરવામાં આવે તો, કિડની ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. લગભગ 40% ડાયાબિટીસના દર્દીઓમાં આ જોખમમાં હોય છે.
હાઇ બ્લડ પ્રેશર
હાઇ બ્લડ પ્રેશર એક "સાયલન્ટ કિલર" કહેવામાં આવે છે અને તે કિડનીને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે. જ્યારે બ્લડ પ્રેશર સતત હાઇ રહે છે, ત્યારે કિડનીની નાજુક લોહીની નળીઓ ખરાબ થવા લાગે છે. જેના કારણે કિડની કચરો અને પાણીને યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી, અને શરીરમાં પ્રેશર વધવા લાગે છે. ધીમે ધીમે આ ક્રોનિક કિડની રોગ અથવા કિડની ફેઇલ કરવાનું કારણ બને છે. ડાયાબિટીસ પછી આ કિડની ફેઇલ કરવાનું બીજું મુખ્ય કારણ છે.
ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશર ઉપરાંત અન્ય કેટલાક પરિબળો પણ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. જેમાં ચેપ અથવા બળતરા, સોજો (જેમ કે ગ્લોમેર્યુલોનફ્રીટીસ), જન્મજાત ખામીઓ (જેમ કે પોલિસિસ્ટિક કિડની રોગ), વારંવાર યુટીઆઈ અથવા પથરી અને દવાઓ અથવા કેમિકલ્સનો વધુ પડતો ઉપયોગ શામેલ છે.
આ પણ વાંચો: હિપેટાઈટિસ ઘાતક બન્યો, સૌથી વધુ મોત મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે, એક વર્ષમાં 95ના મોત
આ સાથે પેશાબ રોકાઈને આવવો (જેમ કે મોટું પ્રોસ્ટેટ અથવા ટ્યુમર), રોગપ્રતિકારક શક્તિ ખરાબી (જેમ કે લ્યુપસ), કેટલાક ચોક્કસ જેનેટિકલ રોગો, સ્થૂળતા, હૃદય રોગ અને મેટાબોલિક સિન્ડ્રોમ પણ ધીમે ધીમે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.